બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / અમેરિકા અને બ્રિટન વચ્ચેની દોસ્તીમાં તિરાડ! ટ્રમ્પે નાટોને ગણાવ્યું 'કાગળનો સિંહ', બ્રિટને દેખાડ્યો ઠેંગો
Last Updated: 06:46 PM, 1 April 2026
છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા ઈરાન યુદ્ધમાં શાંતિના કોઈ ચિહ્નો દેખાઈ રહ્યા નથી. એક તરફ અમેરિકા પોતાની કડક શરતો પર સમજૂતી કરવા માંગે છે, તો બીજી તરફ ઈરાન નમતું જોખવા તૈયાર નથી. આ મડાગાંઠ વચ્ચે બ્રિટનનું વલણ અત્યંત મહત્વનું મનાય છે. વડાપ્રધાન સ્ટાર્મરે ચેતવણી આપી છે કે આ યુદ્ધ બ્રિટનના ભવિષ્ય પર મોટી અસર કરી શકે છે, પરંતુ તેમણે આશ્વાસન આપ્યું છે કે તેમનો દેશ આર્થિક અને સામરિક સંકટનો સામનો કરવા માટે સજ્જ છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ બ્રિટનનું યુદ્ધ નથી અને તેઓ કોઈ પણ દબાણ વશ થઈને પોતાના સૈનિકોને આ યુદ્ધમાં મોકલશે નહીં. સ્ટાર્મરના આ સ્ટેન્ડને કારણે વોશિંગ્ટન અને લંડન વચ્ચેના સંબંધોમાં તિરાડ પડતી દેખાઈ રહી છે.
ADVERTISEMENT

યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) એ પણ આ યુદ્ધને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. યુએનડીપીના રિપોર્ટ મુજબ, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો આ સંઘર્ષ હવે માત્ર અમુક દેશો પૂરતો મર્યાદિત રહ્યો નથી, પરંતુ તે સમગ્ર વિસ્તારની અર્થવ્યવસ્થાને ખેદાન-મેદાન કરી શકે છે. જો હોર્મુઝ જળમાર્ગ લાંબો સમય બંધ રહેશે, તો તે વૈશ્વિક તેલના ભાવમાં અસહ્ય વધારો કરી શકે છે, જેની અસર ભારત સહિત સમગ્ર વિશ્વ પર પડશે. આ જ કારણ છે કે બ્રિટને લશ્કરી કાર્યવાહીના બદલે 'ગ્લોબલ હોર્મુઝ સમિટ' દ્વારા આંતરરાષ્ટ્રીય સમુદાયને એક મંચ પર લાવીને વેપારી માર્ગો ખુલાવવા પર ભાર મૂક્યો છે.
ADVERTISEMENT

બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પ સાથી દેશોના આ વલણથી અત્યંત ગુસ્સે ભરાયા છે. ટ્રમ્પે તો ત્યાં સુધી કહી દીધું છે કે તેઓ નાટો (NATO) માંથી બહાર નીકળવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. તેમણે નાટો દેશોને 'કાગળના સિંહ' તરીકે સંબોધતા કહ્યું કે આ સંગઠન પાસે માત્ર વાતો છે, જ્યારે કામ કરવાનો સમય આવ્યો ત્યારે કોઈ આગળ આવ્યું નથી. અમેરિકા ઈચ્છતું હતું કે નાટો દેશો પોતાના યુદ્ધ જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાં મોકલે જેથી ઈરાન પર દબાણ બનાવી શકાય, પરંતુ યુરોપિયન દેશોએ રશિયાના ડર અને ઊર્જા સંકટને કારણે પીછેહઠ કરી છે. ટ્રમ્પનું માનવું છે કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પણ નાટોની આ નબળાઈને સારી રીતે જાણે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : LPG સંકટની દેશવ્યાપી અસર, ગુજરાતથી રાજસ્થાન સુધી કામદારો રસ્તા પર
હાલમાં પરિસ્થિતિ એવી છે કે ટ્રમ્પ ઈરાન સાથેની લડાઈમાં એકલા પડી રહ્યા હોય તેવું લાગે છે, જ્યારે બ્રિટન, ફ્રાન્સ અને અન્ય સાથી દેશો મુત્સદ્દીગીરી દ્વારા રસ્તો શોધવા માંગે છે. બ્રિટન દ્વારા પ્રસ્તાવિત હોર્મુઝ સમિટમાં કયા દેશો ભાગ લેશે અને શું ઈરાન આ મંત્રણામાં સામેલ થશે, તે અત્યારે મોટો પ્રશ્ન છે. જો આ સમિટ સફળ રહે છે, તો તે ટ્રમ્પની યુદ્ધની રણનીતિ પર મોટો પ્રહાર ગણાશે. આંતરરાષ્ટ્રીય વિશ્લેષકો માને છે કે આવનારા દિવસોમાં પશ્ચિમ એશિયામાં શક્તિ સંતુલન બદલાઈ શકે છે, કારણ કે અમેરિકાના પરંપરાગત સાથી દેશો હવે પોતાની સ્વાયત્તતા જાળવવા માટે મેદાને આવ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.