બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / VTV વિશેષ / Cricket / એક બાજુ વિન્ડિઝ-ઓસ્ટ્રેલિયાની મેચ ચાલુ હતી, બીજી તરફ જાણીતા ફાસ્ટ બોલરને અપાઈ ફાંસીની સજા!
1942નું વર્ષ, જ્યારે હજી ભારતમાં સ્વતંત્રતા સેનાનીઓ આઝાદીની લડત લડતા હતા. દેશભરમાં ઠેર ઠેર અંગ્રેજો વાપસ જાઓ, હિંદ છોડોના નારા લાગતા હતા. બીજી તરફ મીંઢા અને નિંભર અંગ્રેજો ભારતની જનતા પર અત્યાચાર આચરતા અને નવરાશના સમયે ક્રિકેટ રમતા. આજે ભલે ચેમ્પિયન્સ ટ્રોફી, વર્લ્ડ કપ જેવી 7 મોટી ટ્રોફી જીતીને ક્રિકેટની દુનિયામાં ભારતનો ડંકો વાગતો હોય, પણ એ સમયે ભારતીય માત્ર અંગ્રેજોની ગુલામી કરતા. અંગ્રેજોએ શોધેલી રમત રમવાનો ભારતીયોને અધિકાર નહોતો. પણ પશ્ચિમના દેશોમાં ઘણું ક્રિકેટ રમાતું.
ADVERTISEMENT
જાણીતો ક્રિકેટર થયો 'ક્લીન બોલ્ડ'
ADVERTISEMENT
1942ની આવી જ એક સવારે, વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી હતી. ક્રિઝ પર ઈંગ્લેન્ડના બે બેટર્સ બેટિંગ કરી રહ્યા હતા, વેસ્ટ ઈન્ડિઝના ઘાતક ફાસ્ટ બોલર્સ જાણે તેમને મારવા માગતા હોય, એટલી ઝડપથી બોલ ફેંકી રહ્યા હતા. આવો જ એક પડછંડ બોલર હતો, લેસ્લી હિલ્ટન. કદ જમૈકન ખેલાડીઓ જેવું ઉંચું, જ્યારે બોલ લઈને દોડતો તો સામે ક્રિઝ પર ઉભેલા બેટ્સમેન બે ઘડી ધબકારા ચૂકી જતા. અનેક ક્રિકેટર્સે ક્લીન બોલ્ડ કરનારો આવો ખતરનાક ફાસ્ટ બોલર બ્રિજડાઉન ટેસ્ટ દરમિયાન એક કામણગારી યુવતીની આંખે ક્લીન બોલ્ડ થઈ ગયો. આ બ્રિજડાઉન ટેસ્ટ દરમિયાન ફિલ્ડિંગ ભરતા સમયે તેની નજર ઓડિયન્સમાં બેઠેલી એક સુંદર છોકરી પર પડી. બોલીવૂડના ગીતોમાં કહેવાય છે કે સબ ધૂંધલા ધૂંધલા લાગે, તુજ પે હી ફોકસ હૈ, બે મિનિટ માટે લેસ્લી ટેસ્ટમેચ ભૂલી ગયો, અને આ સુંદર માનુનીને જોવામાં ખોવાઈ ગયો. પછી તો શું. લેસ્લીની લાર્લિન સાથે ઓળખાણ થઈ. લાર્લિન રોજ, જેના પિતા પોલીસમાં ફરજ બજાવતા.
Meet Leslie Hylton, a West Indian fast bowler from Jamaica who played (6) Tests for West Indies in the 1930's, taking 16 wickets.
— SportRadioAS 🇮🇳 (@SportRadioAS1) May 22, 2021
Get this - Hylton is the ONLY cricketer known to be executed for murdering his wife in 1955. 🤭😳 pic.twitter.com/ce0NpCER6H
ADVERTISEMENT
દરજીકામ કરતા કરતા ક્રિકેટર બન્યો
ધીરે ધીરે લેસ્લી અને લાર્લિની મુલાકાતો શરૂ થઈ. મુલાકાતો પછી પ્રેમ થયો અને આખરે એક દિવસ બંનેએ લગ્ન કરી લીધા. શરૂઆતમાં તો આ લગ્નજીવન ખૂબ સારું ચાલ્યું. બંને એકમેકમાં ઓતપ્રોત થઈ ગયા, જાણે એકબીજા માટે જ સર્જાયા હોય. જાણે ઈશ્વરે બંનેને જન્મ સાથે રહેવા માટે જ આપ્યો હોય. કોઈ જોઈને કહી ન શકે, કે બંને પતિ-પત્ની વચ્ચે કોઈ ખટરાગ છે, અરે ખટરાગ તો શું, ક્યારેય બંને એકબીજાથી નારાજ પણ ન થતા. આવા જ હસીખુશીના જીવનમાં બંનેને ત્યાં પુત્રનો પણ જન્મ થયો. લગ્નના પાંચ વર્ષ હેમખેમ જઈ રહ્યા હતા. અત્યંત સંઘર્ષમય પરિસ્થિતિમાં મોટા થયેલા લેસ્લી માટે તો જીવન સ્વર્ગ સમાન હતું. કારણ કે, ક્રિકેટર બનવા માટે લેસ્લી હિલ્ટને પણ ઓછી મહેનત નહોતી કરી. 9 માર્ચ 1905માં જમૈકાના કિંગ્સટન શહેરમાં જન્મેલ લેસ્લી હિલ્ટન જ્યારે 3 વર્ષનો હતો ત્યારે જ તેની માતાનું નિધન થઇ ગયેલું. જ્યારે પિતા કોણ એ તો આ અભાગિયા બાળકને ખબર જ નહોતી. બહેને મહેનત કરી હિલ્ટનને ઉછેર્યો. હિલ્ટન જ્યારે 14-15 વર્ષનો થયો, ત્યારે તેનું બહેનનું પણ મોત થઇ ગયું. હવે હિલ્ટનને ઉછેરવાની જવાબદારી તેના કાકીના માથે આવી. પરંતુ તેમનું પણ સમયાંતરે મૃત્યુ થતા હિલ્ટનનો અભ્યાસ અધવચ્ચે જ અટકી પડ્યો. પરિણામે લેસ્લી હિલ્ટને દરજીને ત્યાં કામકાજ કરવાનું શરૂ કર્યું. અન્ય કેટલીક જગ્યાએ પણ મજૂરી કામકાજ કરતો ગયો. પરંતુ નસીબ કે એક લોકલ ક્લબે તેની અંદર રહેલી પ્રતિભાને ઓળખી અને તેને લઇ ગયા ક્રિકેટની દુનિયા સુધી. પછી શું ધીરે-ધીરે તે ક્રિકેટની દુનિયામાં પગ જમાવતો ગયો અને પોતાના કરિયરને આગળ ધપાવતા તે બની ગયો ફાસ્ટ બોલર. પરંતુ સમય સમય બલવાન, કાબે અર્જુન લૂંટિયો, વહી ધનુષ વહી બાણ.
ADVERTISEMENT

એક પત્ર અને પુત્ર બની ગયો નોંધારો
ADVERTISEMENT
સમયની ગતિ ન્યારી એ ન્યાયે એક વાવાઝોડું લેસ્લીના જીવનને તબાહ કરી ગયું. લાર્લિન કપડાનો વ્યવસાય પણ કરતી અને ડ્રેસ મેકિંગ માટે સમયાંતરે ન્યૂયોર્ક પણ જતી હતી. આવા જ એક કામ માટે જ્યારે લાર્લિન ન્યૂયોર્ક હતી, ત્યારે તેના ઘરે એક પત્ર આવ્યો અને લેસ્લીના પગ તળેથી ધરતી સરકી ગઈ.પત્ર ખોલતાની સાથે જ લેસ્લીનો લાર્લિન માટેનો બધો જ પ્રેમ ઓસરી ગયો. બધા જ સપના કડડભૂસ થઈ ગયા. આ પત્ર ન્યૂયોર્કથી આવ્યો હતો, જે લાર્લિનના પ્રેમીએ લખ્યો હતો. પત્નીને દિલોજાનથી ચાહનાર ફાસ્ટ બોલર લેસ્લી માટે આ આઘાત અસહ્ય હતો, તેને થોડીવાર તો વિશ્વાસ ન થયો કે પોતાને રોમ રોમથી પ્રેમ કરતી પત્ની, આવો વિશ્વાસઘાત કરી શકે. તેણે ન્યૂયોર્ક ફોન કરીને લાર્લિનને તાત્કાલિક પરત ફરવા કહ્યું. લાર્લિન આવે તે પહેલા બધા જ સગા સંબંધીઓને આ વિશે જાણ કરી અને પછી તો પરિવારની અદાલત બેઠી. જેમાં લાર્લિને આવા કોઈ જ લગ્નેતર સંબંધ હોવાનો સાફ ઈનકાર કરી દીધો. પરંતુ હોંશિયાર લેસ્લીએ પોસ્ટ ઓફિસમાં ઓળખાણ લગાવીને લાર્લિને પોતાના પ્રેમીને લખેલા અને તેના પ્રેમીએ લાર્લિનને લખેલા બીજા કેટલાક પત્રો પણ પરિવારની સામે રજૂ કર્યા.

ADVERTISEMENT
...એક બાદ એક સાત ગોળી ફાયર થઈ
પોતે નિર્દોષ હોવાની વાત પર અડગ લાર્લિન માટે હવે સત્ય સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. તેણે રોય ફ્રાન્સિસ સાથેના પોતાના લગ્નેતર સંબંધો સ્વીકાર્યા અને બસ લેસ્લી હિલ્ટનનો પિત્તો ગયો. બંને વચ્ચે સંબંધો સાવ વણસી ગયા. ગુસ્સામાં લાલચોળ લેસ્લીએ બારીમાં પડેલી રિવોલ્વર ઉઠાવી અને પત્ની પર એક બાદ એક સાત ગોળી ફાયર કરી દીધી. થોડીક જ ક્ષણોમાં લાર્લિનના નશ્વર દેહની આજુ બાજુ લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું. આટલી મોટી ઘટના પોલીસ સુધી ન પહોંચે તો જ નવાઈ અને આ તો ભારત નહીં, વિદેશની વાત. લેસ્લી ઉપર કેસ ચાલ્યો, પરંતુ હિલ્ટને તો જજની સામે સાવ જ ફેરવી તોળ્યું. તેણે પત્નીના લગ્નેતર સંબંધો વિશે તો કોર્ટને વાત કરી, પરંતુ હત્યા વિશે કહ્યું કે ગુસ્સામાં તે પોતાને જ ગોળી મારીને આત્મહત્યા કરવા જતો હતો. પરંતુ ભૂલથી લાર્લિનને ગોળી વાગી ગઈ. હવે એકાદ ગોળી વાગી હોત તો વાત અલગ હતી, પરંતુ સાત-સાત ગોળી ભૂલથી કેવી રીતે વાગી શકે? એમાંય જ્યારે રિવોલ્વર છ જ બોરની હતી, તો સાતમી ગોળી ક્યાંથી આવી. આ બધી જ બાબતોને આધાર રાખીને કોર્ટે ખૂબ જાણીતા ફાસ્ટ બોલર હિલ્ટનને દોષી જાહેર કર્યો. 20 ઓક્ટોબર 1954ના રોજ લેસ્લી ગુનેગાર બની ગયો. એક સમયે દુનિયામાં જેની બોલિંગના ફેન્સ હતા, તેને હવે બધા જ ઘૃણાની નજરે જોઈ રહ્યા હતા. હિલ્ટનને કોર્ટે ફાંસીની સજા જાહેર કરી અને આખું વિશ્વ ખળભળી ઉઠ્યું.
'Hang Holt. Save Hilton'
અત્યાર સુધી ક્યારેય કોઈ ક્રિકેટરને આટલી ગંભીર સજા નહોતી થઈ. જો કે, લાર્લિનની ભૂલ છતાંય, લેસ્લીનો ગુનો તો માફ કરી શકાય તેવો હતો જ નહીં. 17 મે, 1955ના રોજ ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ મેચ ચાલી રહી હતી. સ્ટેડિયમ પ્રેક્ષકોથી ભરચક હતું. આ જ દરમિયાન સ્ટેડિયમમાં અચાનક એક બેનર જોવા મળ્યું. જેના પર લખેલું 'Hang Holt. Save Hilton'. પરંતુ કોર્ટના ચુકાદાને માન્ય રાખતા હિલ્ટનને ફાંસીની સજા આપી જ દેવાઇ. ક્રિકેટના મેદાન પર હરીફ ક્રિકેટર્સને થથરાવતો ધૂરંધર ફાસ્ટ બોલર એક ગુનેગાર બનીને મૃત્યુ પામ્યો.
એક માત્ર ક્રિકેટર જેને અપાઇ 'ફાંસી'
નામ: લેસ્લી હિલ્ટન
જન્મ: કિંગ્સટન, (જમૈકા)
વ્યવસાય: ક્રિકેટર
પત્નીનું નામ: લાર્લીન રોજ
બાળકો: એક જ દીકરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.