બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / મેડિકલ સ્ટોર ચલાવનાર ઉત્પલ પટેલે ગિફ્ટ સિટીના નામે કરોડોનું ફુલેકું ફેરવ્યું, 400 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું

છેતરપિંડી / મેડિકલ સ્ટોર ચલાવનાર ઉત્પલ પટેલે ગિફ્ટ સિટીના નામે કરોડોનું ફુલેકું ફેરવ્યું, 400 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું

Published By: Priyankka Triveddi

Last Updated: 08:39 PM, 7 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરના જાણીતા ગિફ્ટ સિટીમાં રોકાણના નામે કરોડોનું કૌભાંડ સામે આવ્યું છે. રોકાણકારોના પૈસાનું ઉઠમણું કર્યું હોવાની ખબર સામે આવી છે. ત્યારે શું છે આ સમગ્ર મામલો વાંચો વિગતે..,

Gift City Scam: ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં રોકાણના નામે કરોડો રૂપિયાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. “શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ” નામની કંપનીએ લોકોને વધુ નફાની લાલચ આપીને અંદાજે 400 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. આ સમગ્ર મામલામાં 33 હજારથી વધુ રોકાણકારોના કરોડો રૂપિયા ફસાયા હોવાનું સામે આવ્યું છે. શરૂઆતમાં કંપની સમયસર વળતર આપતી હોવાથી લોકોનો વિશ્વાસ વધ્યો, પરંતુ હવે ઓફિસોને તાળા લાગી ગયા છે અને રોકાણકારો પોતાના પૈસા માટે ધક્કા ખાઈ રહ્યા છે.

“ટેરાબાઇટ સ્ટોરેજ”ની સ્કીમથી લોકોને ફસાવાયા

કંપની દ્વારા “ટેરાબાઇટ ડેટા સ્પેસ” ખરીદવાની અને તેમાં રોકાણ કરવાની અનોખી સ્કીમ રજૂ કરવામાં આવી હતી. લોકોને કહેવામાં આવતું હતું કે તેઓ જેટલું રોકાણ કરશે, તેના બદલામાં તેમને TB એટલે કે ટેરાબાઇટ સ્ટોરેજ મળશે. આ સ્ટોરેજને વિવિધ કંપનીઓને ભાડે આપવામાં આવશે અને તેમાંથી દર મહિને ભાડા પેટે આવક મળશે. રોકાણકારો સાથે ભાડા કરાર પણ કરવામાં આવતા હતા જેથી લોકોને સ્કીમ કાયદેસર અને વિશ્વસનીય હોવાનું લાગતું હતું. ડિજિટલ યુગમાં ડેટા સેન્ટરની વધતી જરૂરિયાતને આધારે કંપનીએ લોકોને વિશ્વાસમાં લીધા હતા.

5 ટકા માસિક વળતરની લાલચ

કંપનીએ ઊંચા વળતરની લાલચ આપીને હજારો લોકોને રોકાણ કરવા પ્રેર્યા હતા. 38,940 રૂપિયાના 1 TB રોકાણ સામે દર મહિને 1,650 રૂપિયા ભાડા પેટે આપવાની ખાતરી આપવામાં આવતી હતી. 4 TB, 10 TB, 20 TBથી લઈને 80 TB સુધીના પેકેજ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં લાખો રૂપિયાનું રોકાણ કરનારાઓને દર મહિને લાખો રૂપિયાનું વળતર આપવાની વાત કરવામાં આવતી હતી. શરૂઆતના કેટલાક મહિનાઓ સુધી કંપની સમયસર રકમ ચૂકવતી રહી, જેના કારણે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો. આ વિશ્વાસના આધારે અનેક લોકોએ ઘર ગીરવી મૂકી અને લોન લઈને પણ રોકાણ કર્યું.

મલ્ટીલેવલ માર્કેટિંગથી ઉભી કરી મોટી ચેઇન

કંપનીએ રોકાણ વધારવા માટે મલ્ટીલેવલ માર્કેટિંગનો સહારો લીધો હતો. નવા રોકાણકારો લાવનાર એજન્ટોને ભારે કમિશન અને આકર્ષક ભેટોની ઓફરો આપવામાં આવતી હતી. સ્માર્ટફોન, મેકબૂક, લક્ઝુરિયસ કાર, ક્રૂઝ ટ્રિપ જેવી લાલચો આપી લોકોને વધુ રોકાણકારો જોડવા પ્રોત્સાહિત કરવામાં આવતા હતા. દર મહિને લાખો અને કરોડો રૂપિયાનું કમિશન મળતું હોવાના દાવા પણ કરવામાં આવતા હતા. ગુજરાત ઉપરાંત રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, દિલ્લી અને જમ્મુ-કાશ્મીરમાં મોટિવેશનલ સેશન યોજીને કંપનીએ પોતાનો પ્રભાવ વિસ્તાર્યો હતો.

મોટી કંપનીનો દેખાવ કરીને જીત્યો વિશ્વાસ

લોકોનો વિશ્વાસ જીતવા માટે કંપનીએ નોઇડા અને જમ્મુ-કાશ્મીર જેવા શહેરોમાં ઓફિસો શરૂ કરી હતી. ઓફિસોના ઉદઘાટન માટે કંપનીના ડિરેક્ટર ઉત્પલ પટેલ પોતે હાજર રહેતા હતા. મોટા કાર્યક્રમો, ભૂમિપૂજન અને ભવ્ય મિટિંગો યોજીને કંપનીએ પોતાની મજબૂત છબી ઉભી કરી હતી. હજારો લોકોની હાજરીમાં યોજાતા કાર્યક્રમોને કારણે સામાન્ય રોકાણકારોને લાગતું હતું કે કંપની ખરેખર મોટા પાયે કામ કરી રહી છે. આ રીતે ધીમે ધીમે કંપનીએ લાખો-કરોડો રૂપિયા એકત્ર કર્યા.

ઉત્પલ પટેલ બન્યો સમગ્ર ગેમનો મુખ્ય ચહેરો

આ સમગ્ર કૌભાંડમાં “શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ”ના ડિરેક્ટર ઉત્પલ પટેલનું નામ મુખ્ય રૂપે સામે આવ્યું છે. માહિતી અનુસાર કંપની 30 માર્ચ 2023ના રોજ અસ્તિત્વમાં આવી હતી અને ત્યારથી ઉત્પલ પટેલ કંપનીનો મુખ્ય ચહેરો રહ્યો હતો. સરકારી રેકોર્ડ પ્રમાણે કંપની ડેટા પ્રોસેસિંગ અને હોસ્ટિંગના કામ સાથે નોંધાયેલ છે. 21 ફેબ્રુઆરી 2026ના રોજ ધ્રુવ ચૌધરીને એડિશનલ ડિરેક્ટર બનાવવામાં આવ્યો હતો. જો કે હાલ કંપનીની ઓફિસો બંધ છે અને રોકાણકારો પોતાના રૂપિયા માટે ચક્કર મારી રહ્યા છે.

રોકાણકારોની આંખોમાં આંસુ

છેતરપિંડીનો ભોગ બનેલા અનેક લોકોએ ગંભીર આક્ષેપો કર્યા છે. એક રોકાણકારે જણાવ્યું કે શરૂઆતમાં થોડું રોકાણ કર્યું હતું અને દર મહિને ભાડું મળતું હોવાથી વિશ્વાસ વધ્યો. બાદમાં વધુ નફાની આશામાં ઘરનાં દસ્તાવેજો પર લોન લઈને દોઢ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું, પરંતુ હવે તમામ રૂપિયા ફસાઈ ગયા છે. લોનના હપ્તા ભરવા પણ મુશ્કેલ બની ગયા છે. રોકાણકારોના જણાવ્યા મુજબ, છેલ્લા 15 દિવસથી કંપનીના ડિરેક્ટર ઓફિસે આવ્યા નથી અને ફોન પર માત્ર એટલું કહેવામાં આવે છે કે એકાઉન્ટ ફ્રિઝ થઈ ગયા છે. પ્રાંતિજ પાસે નવો ડેટા સેન્ટર બનાવવાની વાત કરીને પણ લોકોને ભોળવાયા હોવાના આરોપો છે.

ઓફિસોને તાળા, રોકાણકારોમાં રોષ

હવે કંપની દ્વારા વળતર મળવાનું બંધ થતાં રોકાણકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગિફ્ટ સિટીમાં આવેલી ઓફિસ બહાર મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા, પરંતુ ઓફિસને તાળા લાગેલા જોવા મળ્યા. ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોના પણ હજારો લોકોના રૂપિયા આ કૌભાંડમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે. અંદાજે 32 હજારથી વધુ લોકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. સમગ્ર મામલે હવે તપાસની માંગ ઉઠી રહી છે અને રોકાણકારો પોતાના નાણાં પાછા મળે તે માટે સરકાર અને પોલીસ પાસે ન્યાયની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો: દેડિયાપાડા સહિત ઘણા વિસ્તારોમાં કરા સાથે માવઠું, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ

વધુ નફાની લાલચે લોકો બન્યા શિકાર

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં રોકાણના નામે કરોડો રૂપિયાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. “શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ” નામની કંપનીએ લોકોને વધુ નફાની લાલચ આપીને અંદાજે 400 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. આ સમગ્ર મામલામાં 33 હજારથી વધુ રોકાણકારોના કરોડો રૂપિયા ફસાયા હોવાનું સામે આવ્યું છે. શરૂઆતમાં કંપની સમયસર વળતર આપતી હોવાથી લોકોનો વિશ્વાસ વધ્યો. પરંતુ હવે ઓફિસોને તાળા લાગી ગયા છે અને રોકાણકારો પોતાના પૈસા માટે ધક્કા ખાઈ રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gift City Scam Investment Fraud Utpal Patel

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ