Team VTV12:29 PM, 04 Oct 20
| Updated: 01:40 PM, 04 Oct 20
યુપીના પ્રયાગરાજમાં ગેંગરેપના આરોપી ભાજપના નેતાની આખરે ધરપકડ કરવામાં આવી છે. એક વિદ્યાર્થીનીએ ભાજપના નેતા શ્યામ પ્રકાશ દ્વિવેદી અને ડોક્ટર અનિલ દ્વિવેદી પર ગેંગરેપનો આરોપ લગાવ્યો હતો. આ બંને વિરુદ્ધ પ્રયાગરાજના કર્નલગંજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. પીડિતાની ફરિયાદ બાદ પોલીસે ડો. અનિલ કુમાર દ્વિવેદીની ધરપકડ કરી તેને જેલમાં ધકેલી દીધો હતો, પરંતુ શ્યામ પ્રકાશ દ્વિવેદી ફરાર થઈ ગયો હતો.
પોલીસે પ્રયાગરાજમાં ગેંગરેપના આરોપી બીજેપી નેતાની કરી ધરપકડ
એક વિદ્યાર્થીનીએ શ્યામ પ્રકાશ દ્વિવેદી પર રેપનો આરોપ લગાવ્યો હતો
જમીનના સંબંધમાં પીડિતાનો આરોપીઓ સાથે સંપર્ક થયો હતો
પોલીસે શ્યામ પ્રકાશ દ્વિવેદીની ધરપકડ કરવા માટે અનેક સ્થળોએ ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે પ્રયાગરાજના જોર્જટાઉન વિસ્તારમાંથી ગેંગરેપના આરોપી ભાજપ નેતાની ધરપકડ કરી હતી. બેલી વિસ્તારમાં રહેતી વિદ્યાર્થીનીના પિતાના અવસાન પછી આરોપી ડોક્ટર અનિલ દ્વિવેદી દ્વારા આર્થિક મદદના નામે તેની શ્યામ પ્રકાશ દ્વિવેદી સાથે મુલાકાત કરાવી હતી. આ પછી ભાજપના આરોપી નેતાએ થોડી આર્થિક મદદ કરી હતી. પછી પીડિતા પર બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાએ વર્ષ 2019થી 2020 સુધી શારીરિક શોષણનો આરોપ લગાવતા ગેંગરેપની ધારાઓ હેઠળ કેસ કર્યો હતો.
પોલીસ મુજબ જમીનના સંબંધમાં પીડિતાનો આરોપીઓ સંપર્ક થયો હતો. વાતચીત વધતાં બંનેએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પીડિતા પર જાતીય શોષણ કર્યું હતું. પીડિતાનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું. મેજિસ્ટ્રેટ સમક્ષ 164 હેઠળના નિવેદનો પણ નોંધવામાં આવ્યા હતા. જોકે, આરોપી શ્યામ પ્રકાશ નાસી છૂટ્યો હતો. ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે આરોપી ભાજપ નેતાને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે.
આરોપી શ્યામ પ્રકાશ દ્વિવેદી 2014થી 2016 સુધી ભારતીય જનતા યુવા મોરચાના પ્રાદેશિક ઉપપ્રમુખ રહી ચૂક્યો છે. બીજેપી નેતાના પિતા રામરક્ષા દ્વિવેદી પ્રયાગરાજના ભાજપ જિલ્લા પ્રમુખ રહી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે આરોપી હોટલના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને ભાજપ સંગઠનને લગતા સ્થાનિક કાર્યક્રમોમાં સક્રિય રહેતો હતો. જોકે, પરિવારે શ્યામ પ્રકાશ દ્વિવેદી પર લાગેલા બળાત્કારના આરોપને નકારી દીધો હતો. પરિવારજનોનું કહેવું છે કે, નૈનીએ એગ્રીકલ્ચર ઈન્સ્ટીટ્યૂટમાં ધર્મપરિવર્તનનો મુદ્દો ઉઠાવવા અને સંસ્થાના સંચાલક પર એફઆઈઆર કરવાને કારણે શ્યામ પ્રકાશને ફસાવવામાં આવી રહ્યાં છે.