બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મહત્વના હોદ્દે બેઠેલા ધર્મેન્દ્ર શાહને આ ભૂલો નડી ગઈ, ધારાસભ્ય બનવાની લાલચે હતું એ પણ ગુમાવ્યું
Last Updated: 12:29 PM, 26 July 2024
રાજકારણમાં ક્યારેય કશું કાયમી નથી હોતું અને જો આવડત ન હોય તો પદ,અને આબરૂ બધુ જ ગુમાવવું પડે છે. જેનું ઉદાહરણ જોવા મળ્યું ભાજપના નેતા ધર્મેન્દ્ર શાહની ઘટનામાં. પ્રદેશ ભાજપના સહ કોષાધ્યક્ષ અને અમદાવાદ મહાનગરના પ્રભારી ધર્મેન્દ્ર શાહને ગત્ શુક્રવારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટિલે અચાનક હોદ્દા પરથી દૂર કરી દીધા. એ જ દિવસે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ્ ના કાર્યાલય મંત્રી પરેશ પટેલ ઉર્ફે પરેશ મામાને પ્રમોશનના નામે હટાવી દેવાયા. આ બંને ઘટનાને પગલે ભાજપના કાર્યકરો અને નેતાઓ ખુશ બહુ થયા છે. કારણ કે એકનો અમદાવાદ શહેરમાં અને બીજાનો કમલમ સહિત રાજ્યભરના કાર્યકરો નેતાઓમાં અસહ્ય ત્રાસ હતો. વળી આ બંને નેતાઓ ધર્મેન્દ્ર શાહ અને પરેશ મામાને હટાવવાના કારણમાં પણ કોમન ફેક્ટર તે બંનેનો સ્વભાવ જવાબદાર સાબિત થયો છે.
ADVERTISEMENT
ધર્મેન્દ્ર શાહને એવી તક મળી હતી જે કોઈપણ રાજકારણીને તેના જીવનમાં ભાગ્યે જ મળે છે. એ તક હતી ભાજપના સુરેન્દ્ર કાકા બનવાની. કાકાના હુલામણા નામથી ઓળખાતા સુરેન્દ્ર પટેલને અમદાવાદના રચયિતા કહી શકાય.એટલું જ નહીં ભાજપનો તમામ નાણાકીય વહીવટ છેલ્લા અનેક દાયકાઓથી તેમની પાસે છે. અત્યારે 86 વર્ષની ઉંમરે પણ તેમનું સ્થાન કોઈ લઈ શક્યું નથી. જે પાર્ટીનું ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી લાગલગાટ શાસન હોય, કેન્દ્રમાં પણ જેમનું 10 વર્ષથી શાસન હોય. એવી પાર્ટીનો વહીવટ કેટલો મોટો હોય તે સમજી શકાય છે. એ ગંજાવર વહીવટ દાયકાઓથી એકલે હાથે સુરેન્દ્ર કાકા સંભાળી રહ્યા છે. ચાર વર્ષ પહેલા પાર્ટી સુરેન્દ્ર કાકાનો વિકલ્પ ઊભો કરવા ધર્મેન્દ્ર શાહને પ્રદેશ ભાજપના સહ કોષાધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા. સાથોસાથ અમદાવાદ મહાનગરના પ્રભારી બનાવ્યા હતા. આ પ્રતિષ્ઠિત પદ પદ તેઓ જીરવી ન શક્યા અને બહુ ખરાબ રીતે તેમણે વિદાય થવું પડ્યું.
અહીંથી થઈ હતી શરૂઆત
ADVERTISEMENT
ધર્મેન્દ્ર શાહ માટે આ એવી તક હતી જે મેળવવા ભાજપના કેટલાય નેતાઓની બબ્બે પેઢીઓ જતી રહી હતી. ભાજપના જ કાર્યકરોમાં ચાલતી ચર્ચા પ્રમાણે ધર્મેન્દ્ર શાહે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વઘારે પડતી દખલગિરી કરવાની શરૂઆત કરી. જેમાં સૌ પ્રથમ ટકરાવ અમિત શાહના ખાસ ગણાતા હિતેશ બારોટ સાથે થયો. સામાન્ય રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એવી પ્રણાલી છે કે સ્ટેન્ડિંગ કમિટી સહિતના ચેરમેન તેમની કમિટીનો એજન્ડા લઈને સુરેન્દ્ર કાકાને ત્યાં ચર્ચા કરવા જાય. કાકા એજન્ડાના જે મુદ્દા માટે જે સૂચના આપે તે મુજબ કમિટીમાં નિર્ણય લેવાય છે. ધર્મેન્દ્ર શાહે કાકાના આ અધિકાર પર તરાપ મારી અને એજન્ડા પોતે જોવાનું શરૂ કર્યું. જેમાં હિતેશ બારોટ અને ધર્મેન્દ્ર શાહનો ઇગો સામસામે ટકરાયો. પરંતુ હિતેશ બારોટ સહિષ્ણુ સ્વભાવના હોવાથી તેમણે નમતું જોખીને પોતાનો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદનો કાર્યકાળ સારી રીતે પૂર્ણ કરી લીધો.
ધારાસભ્ય બનવાની લાલચે દુશ્મનો વધાર્યા
ADVERTISEMENT
ધર્મેન્દ્ર શાહને ધારાસભ્ય બનવાના છેલ્લા ઘણા સમયથી અભરખા હતા. 2012, 2017 અને છેલ્લે 2022 માં પણ મણિનગરની ટિકિટ માટે તનતોડ મહેનત કરી. એ માટે તેમણે અમૂલ ભટ્ટ સામે પણ મોરચો મંડેલો. પરતું અમૂલ ભટ્ટ ટિકિટ લેવામાં સફળ રહ્યા. ભાજપના અંતરંગ સૂત્રોએ જણાવ્યું હતું કે બાદમાં શહેર ભાજપ પ્રમુખ અને એલિસબ્રીજન ધારાસભ્ય અમિત શાહ સામે પણ ધર્મેન્દ્ર શાહે કાવાદાવા શરૂ કર્યા. જેના લીધે તે અમિત શાહને પણ દુશ્મન બનાવી બેઠા. દરમિયાનમાં ખાડિયા-જમાલપુરમાં ઓવેસીની પાર્ટીના નેતા અને સાબિર કાબલીવાલા સાથે નજદીકિયા વધારીને ભૂષણ ભટ્ટ આણી મંડળીને ડિસ્ટર્બ કરવાનું શરૂ કર્યું. જેના લીધે તે જુથ પણ શાહનું દુશ્મન બની બેઠું. આમ ધર્મેન્દ્ર શાહે ચોતરફ દુશ્મનીના બીજ વાવી દીધા હતા.
આનંદ ડાગા સાથેની ભાગીદારી ઘાતક સાબિત થઈ
ADVERTISEMENT
આટલું ઓછું હોય તેમ જૂના ભાગીદાર અને ભાજપના પૂર્વ કોર્પોરેટર આનંદ ડાગા પર પણ તેમને ભરપૂર પ્રેમ ઉભરાઇ ગયો. ધર્મેન્દ્ર શાહે આનંદ ડાગાના પત્ની કોર્પોરેટર શીતલ ડાગાને મહાનગરપાલિકામાં દંડક બનાવી દીધા હતા. આ ઘટનાની પ્રદેશમાં ગંભીર નોંધ લેવાઈ હતી કે કોઈ વ્યક્તિ પાર્ટીની ઉપરવટ કેમ જઈ શકે. વળી આનંદ ડાગા સાથે વિવિધ કામો પણ પુરપાટ ઝડપે વધારી દીધા હતા. જે પણ દરેકને ખૂંચતુ હતું.
સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગોટાળાની પણ ચર્ચા
ADVERTISEMENT
મ્યુનિ. માં ચાલતી ચર્ચા મુજબ શાહને પીરાણામાં બનનાર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ પણ ક્યાંકને ક્યાંક નડી ગયું છે. એવું ચર્ચાય છે કે પિરાણાના આ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શાહે મ્યુનિ.ની કરોડો રૂપિયાની જમીનમાં ગોટાળા કર્યા છે. મહાનગરપાલિકાનો જમીન આપવા માટેનો નિયમ છે. પરંતુ કર્ણાવતી ટેક્સટાઇલ એસોસિએશનને અપાયેલી જમીનમાં આ નિયમનો છેદ ઉડાડી દેવાયા છે. દાણીલીમડાના અમદાવાદ ટેક્સટાઇલ એન્ડ સ્ક્રીન એસોસિએશન (આસફા)ને દાણીલીમડાની જગ્યા સામે પિરાણામાં જે જમીન અપાઈ છે તેના ભાવફેરના 10 કરોડ જેટલા લેવાના થાય છે તે પણ વસુલાયા નથી. બીજી બાજુ આ જ નિયમનો કર્ણાવતી ટેક્સટાઇલ એસોસિએશન માટે છેદ ઉડાડી દેવાયો છે. તેમાં પણ પડદા પાછળ શાહની ભૂમિકા હોવાનું ચર્ચાય છે.

ADVERTISEMENT
ધર્મેન્દ્ર શાહને સ્વભાવ નડ્યો
અમદાવાદ મહાનગરપાલિકાની એક ચોક્કસ કાર્યપ્રણાલી છે. સુરેન્દ્ર કાકા વર્ષો સુધી તેના કર્તાહર્તા રહ્યા છે. તેમ એવી સિસ્ટમ છે કે દર મંગળવારે મંગળવારી યોજી. આ બેઠકમાં કાકા આવે. અને માર્ગદર્શન આપે. તે સિવાય અગત્યની બેઠક હોય તો જ સુરેન્દ્ર કાકા મ્યુનિમાં આવતા. જ્યારે ધર્મેન્દ્ર શાહે દરરોજ માટે પોતાનો અડિંગો મ્યુનિસિપાલિટીમાં જમાવી દીધો હતો. મેયરની એન્ટિ ચેમ્બરને પોતાની ચેમ્બર બનાવી દીધી હતી. અને દરેક કમિટીના ચેરમેન પાસે તેની ચેમ્બરમાં જાય.કિરીટ પરમાર મેયર હતા ત્યારથી જ શાહે તેમની એન્ટિ ચેમ્બરનો કબજો લઈ લીધો હતો. વળી કોર્પોરેટર હોય કે ધારાસભ્ય, મ્યુનિનો નાનો કર્મચારી હોય કે અધિકારી, દરેક સાથે ઉદ્ધત વર્તન કરતા હોવાની ફરિયાદ પણ સાંભળવા મળતી હતી.. આ તોછડો સ્વભાવ તેમને ભરખી ગયાનું તેમની નજીકના લોકો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં નવા-જૂનીના એંધાણ? રાઘવજી પટેલ ગૃહમંત્રી અમિત શાહને મળ્યા, રાજનીતિમાં ગરમાવો
રાજકારણને ધંધાની જેમ ના ચલાવાય, જે શાહે ચલાવ્યું
રાજકારણને રાજકારણની જેમ ચલાવાય તો જ તેમાં સફળ થવાય છે. પરંતુ જો તેને ધંધાની જેમ ચલાવવામાં આવે તો ધર્મેન્દ્ર શાહ બની જવાય છે. સ્ટેન્ડિંગ કમિટીમાં આવતા મોટા કોન્ટ્રાક્ટના કામો અંગે વર્ષોથી સુરેન્દ્ર કાકા નિર્ણય લેતા હતા. પાર્ટી ફંડની વાત હોય કે બ્લેક લિસ્ટ કરવાની વાત હોય, દરેકને કાકાએ ખૂબ જ સલુકાઈથી લઈને આટલા વર્ષ ચલાવ્યું હતું. જે ધર્મેન્દ્ર શાહને ન આવડ્યું. તેમણે રાજકારણને ધંધાની જેમ ચલાવ્યું અને દરેક કોન્ટ્રાકટર કે એજન્સીની સાથે વેપારીની જેમ વર્ત્યા તેના લીધે તે સતત અપ્રિય થતાં ગયા અને બધાની આંખે ચડી ગયા. અંતે તેમણે પોતાની આબરૂ, પદ અને પ્રતિષ્ઠા ગુમાવવાની નોબત આવી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.