Biporjoy Cyclone Effect: અરબી સમુદ્રમાં સક્રિય વાવાઝોડું ગુજરાતની નજીક આવતા પવનની ગતિમાં વધારો થયો છે. માંગરોળમાં 90થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. તો ભારે પવન વચ્ચે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
વાવાઝોડું નજીક આવતા પવનની ગતિમાં વધારો
માંગરોળમાં 90થી 80 કિમીની ઝડપે ફૂંકાઈ રહ્યો છે પવન
સૌરાષ્ટ્રના દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું
રોઝી બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું
અતિવિનાશક બિપોરજોય વાવાઝોડું ગુજરાતની સતત નજીક આવી રહ્યું છે. જેના કારણે તેની અસર પણ વર્તાવા લાગી છે. રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. તો દરિયામાં ઊંચા-ઊંચા મોજા ઉછળી રહ્યા છે. સાથે જ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના દરિયામાં ઊંચા-ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.
રોઝી બંદર પર 10 નંબરનું સિગ્નલ
જામનગરના દરિયામાં દેખાઈ વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. વાવાઝોડાની અસરને પગલે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. જેના કારણે જામનગરના રોઝી બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે. રોઝી બંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળતા 10 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.
ગીર સોમનાથનો દરિયો બન્યો ગાંડોતુર
વાવાઝોડું લેન્ડફોલ થાય તે પહેલાં ગીર સોમનાથનો દરિયો ગાંડોતુર બન્યો છે. દરિયામાં ભારે કરંટને લઇ પાણી માછીમારોની બોટો સુધી પહોંચ્યું છે. દરિયાના પાણી સુરક્ષિત રખાયેલી બોટો નજીક પહોંચ્યા છે. દરિયામાં કરંટ વધે તો માછીમારોની બોટોને નુકસાન થઇ શકે છે.
માધવપુરના દરિયામાં ઉછળી રહ્યા છે ઊંચા મોજા
પોરબંદર-માધવપુરમાં દરિયો ગાંડોતૂર બન્યો છે. 90થી 100 કિમીની ઝડપે પવન ફૂંકાય રહ્યો છે. બિપોરજોય વાવાઝોડાની અસર માધવપુરના દરિયામાં જોવા મળી રહી છે. દરિયામાં 20થી 25 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે.
માંગરોળમાં વર્તાઈ વાવાઝોડાની અસર
જૂનાગઢના માંગરોળમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. માંગરોળમાં ભારે પવન વચ્ચે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. 80થી 90 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડાની અસરને પગલે દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વાવાઝોડાના ખતરાને જોતા દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા 2 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે.
સાબરકાંઠામાં ભારે પવન સાથે વરસાદ
વાવાઝાડાના કારણે સાબરકાંઠા જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધનપુરા, રામપુરા, ગાંભોઈ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. વિજયનગર તાલુકામાં ભારે પવન સાથે ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડાની અસરને પગલે પવનની ગતિમાં વધારો થયો છે.