બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / 'કંઇક એવું થશે, જેથી આખું બાંગ્લાદેશ...', ઉસ્માન હાદીના મોત પહેલા આરોપીએ ગર્લફ્રેન્ડને આ શું કહ્યું?
Last Updated: 07:13 PM, 19 December 2025
બાંગ્લાદેશમાં કટ્ટર ભારતવિરોધી નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યા બાદ દેશભરમાં જે રીતે હિંસા અને અરાજક્તા ફેલાઈ છે, તેણે સમગ્ર દક્ષિણ એશિયાને ચોંકાવી દીધું છે. સિંગાપુરમાં સારવાર દરમિયાન હાદીના મૃત્યુ પછી બાંગ્લાદેશમાં જે દૃશ્યો સામે આવ્યા, તે માત્ર રાજકીય અસંતોષ નહીં પરંતુ ઊંડે બેઠેલી અસ્થીરતા અને સંગઠિત હિંસાની ચેતવણી આપે છે. મીડિયા હાઉસો, સાંસ્કૃતિક કેન્દ્રો અને બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રહમાનના નિવાસ પર થયેલા હુમલાઓએ પરિસ્થિતિને વધુ ભયાનક બનાવી દીધી.
ADVERTISEMENT
આ સમગ્ર ઘટનાક્રમની શરૂઆત 12 ડિસેમ્બરના રોજ ઢાકામાં થઈ, જ્યારે બાઈક પર આવેલા નકાબપહેરા હુમલાખોરોએ હાદી પર ગોળીબાર કર્યો. ગંભીર રીતે ઘાયલ થયેલા હાદીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને બાદમાં એર એમ્બ્યુલન્સ દ્વારા સિંગાપુર લઈ જવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું. હાદીના મોતની ખબર ફેલાતાં જ બાંગ્લાદેશમાં હિંસક વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા અને સ્થિતિ કાબૂ બહાર જતી રહી.

ADVERTISEMENT
તપાસમાં હવે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. મુખ્ય આરોપી અને શૂટર ફૈસલ કરીમે ગોળીબારથી એક રાત પહેલાં પોતાની ગર્લફ્રેન્ડ મારિયા અખ્તર લીમાને કહ્યું હતું કે કાલે એવું કંઈક થશે, જે આખા બાંગ્લાદેશને હચમચાવી દેશે. તપાસ એજન્સીઓ મુજબ, આ શબ્દો માત્ર ભાવનાત્મક નિવેદન નહોતા, પરંતુ એક મોટા અને પૂર્વનિયોજિત કાવતરાની તરફ ઈશારો કરતા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ફૈસલે તેને હાદીનો એક વીડિયો પણ બતાવ્યો હતો, જેનાથી સ્પષ્ટ થાય છે કે હુમલો આકસ્મિક નહીં પરંતુ આયોજનબદ્ધ હતો.

ADVERTISEMENT
બાંગ્લાદેશી તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, આ હુમલાની પાછળ ઓછામાં ઓછા 20 લોકો સંકળાયેલા હતા. ફંડિંગ, હથિયારોની વ્યવસ્થા, હુમલાની યોજના અને આરોપીઓને બચાવવાની વ્યવસ્થા સુધી બધું જ વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું. એક પૂર્વ કાઉન્સિલરને આ કાવતરાનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવી રહ્યો છે. રેપિડ એક્શન બટાલિયન (RAB) અને પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં અત્યાર સુધી નવ લોકોની ધરપકડ થઈ ચૂકી છે.
છાપામારી દરમિયાન હથિયારો, જીવતા કારતૂસ, મેગેઝિન અને કરોડો ટાકાના ચેક મળી આવ્યા છે. પોલીસે આ પણ ખુલાસો કર્યો છે કે હુમલામાં વપરાયેલી બાઈક પર નકલી નંબર પ્લેટ લગાવવામાં આવી હતી અને હુમલા પછી પુરાવા નષ્ટ કરવા માટે નંબર પ્લેટ બદલી નાખવામાં આવી. આ બધું દર્શાવે છે કે હુમલો માત્ર એક વ્યક્તિની ક્રિયા નહોતો, પરંતુ એક વ્યાપક નેટવર્કનું પરિણામ હતો.
ADVERTISEMENT
આટલી ધરપકડો છતાં મુખ્ય શૂટર ફૈસલ કરીમ અને તેનો એક સાથી હજુ પણ ફરાર છે. કેટલાક સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં તેમના ભારત ભાગી જવાની અટકળો લગાવવામાં આવી હતી, પરંતુ ઢાકા મેટ્રોપોલિટન પોલીસે આ અંગે કોઈ પક્કી પુષ્ટિ ન હોવાની વાત કહી છે. તેમ છતાં, બાંગ્લાદેશના અંતરિમ પ્રશાસને ભારતને આરોપીઓને ઝડપી પકડવામાં સહયોગ આપવા અપીલ કરી છે.
ADVERTISEMENT
હાદીની હત્યા પછી બાંગ્લાદેશમાં જે હિંસા ફાટી નીકળી છે, તે આવનારા ફેબ્રુઆરી 2026ના ચૂંટણી પહેલા દેશને અસ્થિરતા તરફ ધકેલી રહી છે. રાજકીય તણાવ, ધાર્મિક હિંસા અને સંગઠિત અપરાધનું આ મિશ્રણ બાંગ્લાદેશ માટે ગંભીર પડકાર બની રહ્યું છે. આ ઘટના માત્ર એક વ્યક્તિની હત્યા નહીં, પરંતુ સમગ્ર દેશની શાંતિ અને સ્થિરતાને હચમચાવી નાખનાર વળાંક સાબિત થઈ રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.