બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'Saints are wise, they will take a right decision soon', VHP big statement on Salangpur dispute
Malay
Last Updated: 11:31 AM, 31 August 2023
ADVERTISEMENT
Botad News: સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં શરૂ થયેલો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. સાળંગપુર મંદિર પરિસરમાં ભગવાન નીલકંઠવર્ણી (સહજાનંદ સ્વામીનું કિશોરાવસ્થાનું નામ) સમક્ષ હનુમાનજીને નમસ્કાર મુદ્રામાં દર્શાવવામાં આવતા સમગ્ર વિવાદ વકર્યો છે. ત્યારે આ મામલે બજરંગ દળ બાદ હવે વિશ્વ હિન્દુ પરિષદ પણ મેદાનમાં ઉતર્યું છે. આ મામલે વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી અશોક રાવલે નારાજગી વ્યક્ત કરી છે. તેઓએ કહ્યું કે, અભણ માણસોને ભેગા રાખવા તો સહેલા છે, જ્ઞાની માણસોને સાથે રાખવા ખૂબ અઘરા છે.
ADVERTISEMENT
સ્વામિનારાયણ ભગવાન 300 વર્ષ પહેલા થયાઃ અશોક રાવલ
અશોક રાવલે કહ્યું કે, સાળંગપુર વિવાદ પર મારે એટલું જ કહેવું છે કે ભગવાન શ્રીરામ ત્રેતા યુગમાં થયા અને હનુમાનજી પણ ત્રેતા યુગમાં હતા, પરંતુ સ્વામિનારાયણ ભગવાનનો 250-300 વર્ષનો આ સમયગાળો છે. કેટલો મોટો ડિફરન્સ છે, એટલે હનુમાનજી એ ઘડીએ અને અત્યારે ન હોઈ શકે.
'મેં સંતો સાથે કરી છે વાતચીત'
તેઓએ કહ્યું કે, મેં હમણા જ આ મામલે સંતો સાથે થોડી ચર્ચા કરી છે અને આજે હું સંતોને મળવા પણ જવાનો છું. મેં જ્યારે સંતોને આ વિશે પૂછ્યું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, અમારો એવો કોઈ ભાવ નથી, કદાચ કોઈના મનમાં દુઃખ થયું હોય તો અમે દિલગીરી વ્યક્ત કરીશું.
ભીંતચિત્રો લગાવવા પાછળનો શું છે ઉદ્દશ્ય?
અશોક રાવલે કહ્યું કે, તેમનો સમજાવવાનો એક ઉદ્દેશ્ય હતો ઉદાહરણ હું તમને આપો તો કોઈ વડાપ્રધાન છે કે કોઈ મોટા નેતા છે તેમને આપણે પ્રણામ કરીએ છીએ ત્યારે તેઓ પણ સામેથી આપણને પ્રણામ કરતા હોય છે. એટલે આનો મતલબ એવો નથી કે તેઓ એકબીજાના દાસ છે. એકબીજાનો ભાવ હોય છે. આ ભાવ તેની પાછળનો ઉદ્દેશ્ય હતો. તેઓએ કહ્યું કે, મેં સ્વામીનારાયણ સંતોને વિનંતી પણ કરી છે. તેથી મને લાગે છે કે તેઓ આ મામલો ચોક્કસ કંઈક પગલા ભરશે.
આજે હું સંતોને મળવા જવાનો છુંઃ અશોક રાવલ
તેઓએ કહ્યું કે, મારે ગઈકાલે સંત સ્વામી સાથે વાતચીત થઈ હતી, ગઈકાલે તેઓ સત્સંગમાં વ્યસ્ત હોવાથી તેમને મળવાનું થયું નથી. આજે હું વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતોને મળવા જવાનો છું. મને લાગે છે સંતો સમજદાર છે, તેઓ જલ્દી કોઇ યોગ્ય નિર્ણય લેશે.
સાળંગપુરમાં હનુમાનજીના નિંદાપાત્ર મૂક્યા છે ચિત્રોઃ હરી આનંદ સ્વામી
સાળંગપુર મંદિર પરિસરમાં સ્વામિનારાયણ ભગવાનની સમક્ષ હનુમાનજીને નમસ્કાર મુદ્રામાં દર્શાવવામાં આવતા વિવાદ સર્જાયો છે, જે હવે મોટું સ્વરૂપ ધારણ કરે તેમ લાગી રહ્યું છે. સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રો અંગે મહંત હરી આનંદ બાપુએ કહ્યું હતું કે, સાળંગપુરમાં હનુમાનજીની મોટી મૂર્તિ બેસાડી છે, ત્યાં સેવક તરીકેની પ્રતિમા યોગ્ય નથી આ ઘટના નિંદનીય છે. હનુમાનજી આપણા આરાધ્ય દેવ છે. તેમના નિંદાપાત્ર ચિત્રો મૂક્યા છે. હનુમાનજી મહારાજ સ્વામીને પગે લાગે છે, સ્વામીના દાસ થઈને રહે એવું દર્શાવ્યું છે, જે નિંદાને પાત્ર છે.
પહેલા ભૂલો કરે અને પછી કહે હું માફી માંગુ છુંઃ ઈન્દ્રભારતી બાપુ
ઈન્દ્રભારતી બાપુએ કહ્યું હતું કે, સાળંગપુરમાં હનુમાનજી મહારાજની જે મૂર્તિ બેસાડી તેનું આપણે ગૌરવ અનુભવીએ છીએ. પરંતુ તેની નીચે હનુમાનજી મહારાજના જે ચિત્રો દર્શાવાયા છે, આ કઈ વ્યાજબી કહેવાય, આ ધર્મ કહેવાય, આ સંપ્રદાયની દાટ વાળવા માટે સાધુ થયા છે કે જે આજે સનાતન ધર્મના દેવી-દેવતાઓને નીચા દેખાડે છે. આના કારણે અમને ઘણું દુઃખ થાય છે. દર વખતે આવી ભૂલો કરીને પછી કહે કે હું માફી માંગુ છું, માફી માંગુ છું, અરે ભાઈ આવું કરીને તમારે માફી જ માંગવાની.
શું છે સમગ્ર વિવાદ?
આ સમગ્ર વિવાદની શરૂઆતની વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર બોટાદ સ્થિત સાળંગપુરમાં આવેલા કષ્ટભંજન મંદિરમાં હનુમાનજીની વિરાટ પ્રતિમાની તસવીરો વાયરલ થઇ રહી છે. આ પ્રતિમાની નીચે કેટલાક ભીંતચિત્રો દોરવામાં આવ્યા છે. આ ચિત્રોમાં નીલકંઠવર્ણી (સહજાનંદ સ્વામીનું કિશોરાવસ્થાનું નામ) સમક્ષ હનુમાનજી નમસ્કાર કરતી મુદ્રામાં દેખાઇ રહ્યાં છે. સંતોનું કહેવું છે કે આ હનુમાનજીનું અપમાન છે અને સ્વામીનારાયણ સંતોને હનુમાનજી કરતાં મહાન દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જે અયોગ્ય છે. વાયરલ થઇ રહેલા આ ફોટામાં જોઈ શકાય છે કે, ભગવાન હનુમાનજીને સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઉભા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ ચિતરવામાં આવ્યા છે, જે ચિત્રો વાયરલ થતાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.