ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / મંદિરમાં ચોરી કરતી ટોળકી પકડાઈ, રાજસ્થાનની ગરાસિયા ગેંગનો હતો હાથ, 3 આરોપીને રાજકોટ LCBએ દબોચ્યા
Last Updated: 05:20 PM, 18 September 2026
ADVERTISEMENT
રાજકોટ ગ્રામ્યના ગોંડલ બી-ડિવિઝન અને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બે મંદિરોમાં થયેલી ચોરીના વણશોધાયેલા ગુનાઓનો ભેદ રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. LCBએ રાજસ્થાનની ગરાસિયા ગેંગ સાથે સંકળાયેલા હોવાના આરોપસર ત્રણ શખ્સોને રૂ.5.89 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. પોલીસે તેમની પાસેથી 158 નાના-મોટા ચાંદીના છતર, ઇકો કાર અને ત્રણ મોબાઇલ ફોન કબજે કર્યા છે.
ADVERTISEMENT

રાજકોટના ગોંડલ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 13 સપ્ટેમ્બર 2026ના રોજ ભોજરાજપરા વિસ્તારમાં આવેલા મામાદેવ મંદિરમાં અજાણ્યા શખ્સોએ રાત્રિના સમયે દીવાલ કૂદી પ્રવેશ કર્યો હતો. મંદિરનું તાળું તોડી અંદર ચઢાવેલા આશરે 100 ચાંદીના છતર, જેનું કુલ વજન આશરે બે કિલો અને કિંમત અંદાજે રૂ.3 લાખ હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું, ચોરી કરીને આરોપીઓ ફરાર થયા હતા.
ADVERTISEMENT

બીજી ઘટના ગોંડલ તાલુકાના ભરૂડી ગામે દાળિયા તરફ જવાના રસ્તા પર આવેલા ખોડિયાર માતાજીના મંદિરમાં બની હતી. 5 જાન્યુઆરી, 2026ના રોજ નોંધાયેલા ગુનામાં ચાંદીનો મુગટ, ત્રણ મોટા અને 17 નાના ચાંદીના છતર, બે ચાંદીના ચરણ પાદુકા, સોનાની ટીલડી, સોનાના નાના છતર, સોનાની નથડી તેમજ દાનપેટીમાં રહેલી રોકડ સહિત અંદાજે રૂ.1.81 લાખનો મુદ્દામાલ ચોરી થયો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું.
ADVERTISEMENT

બંને ચોરીની તપાસ દરમિયાન LCB દ્વારા બનાવસ્થળ તેમજ સંભવિત રૂટ પરના CCTV ફૂટેજ તપાસ્યા હતા. રાજકોટ ગ્રામ્યના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ તથા નેત્રમ શાખાના CCTV ફૂટેજ પણ ચકાસવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન ચોરીના સમયગાળા દરમિયાન GJ-08-DJ-7996 નંબરની ઇકો કાર શંકાસ્પદ રીતે નજરે પડી હતી.
ADVERTISEMENT
કાર અંગે હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે માહિતી એકત્ર કર્યા બાદ LCBની ટીમે ગોંડલ નેશનલ હાઇવે પર માલધારી હોટલ પાસેથી આ ઇકો કારને અટકાવી હતી. કારની તપાસ દરમિયાન ત્રણ શખ્સો પાસેથી આધાર-પુરાવા વગરના ચાંદીના છતર મળી આવ્યા હતા. પોલીસે સઘન પૂછપરછ કરતાં આરોપીઓએ બંને મંદિર ચોરીમાં સંડોવણી હોવાની કબૂલાત કરી હોવાનું જણાવ્યું છે. આરોપીઓની ઓળખ મુંગલારામ અંગારી (35), શંકર ડુંગસીયા (40) અને રૂપારામ બુમરીયા (51) તરીકે થવા પામી છે. નોજારામ પદમારામ અને લખારામ પ્રભુરામ, રહે. બેરા, પાલી, રાજસ્થાન સહિતના અન્ય આરોપીઓ હજુ પકડવાના બાકી છે.
ADVERTISEMENT
આરોપીઓ પાસેથી 158 નાના-મોટા ચાંદીના છતર, કુલ વજન 2 કિલો 523 ગ્રામ અને કિંમત રૂ.3,78,900, ઇકો કાર રૂ.2 લાખની કિંમતની તથા ત્રણ મોબાઇલ ફોન રૂ.11 હજારની કિંમતના કબજે કર્યા છે. આમ કુલ રૂ.5,89,900નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓ રાત્રિના સમયે ફોરવ્હીલ કારમાં આવી મંદિરોમાં પ્રવેશ કરી તાળા તોડીને ચોરી કરતા હોવાની મોડસ ઓપરેન્ડી સામે આવી હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે આ ગેંગ દ્વારા અન્ય કોઈ મંદિર ચોરીને અંજામ આપવામાં આવ્યો છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.