અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન માટે આવકના એકમાત્ર સ્રોત સમાન પ્રોપર્ટી ટેકસમાં રૂ.૧ર૦૦ કરોડથી વધુનો જૂની ફોર્મ્યુલાનો ટેકસ વસૂલાયો નથી. નવી ફોર્મ્યુલા મુજબની ટેકસ વસૂલાતમાં પણ તંત્ર અસરકારક બન્યું નથી. પરિણામે સરકારી મિલકતો સહિતની અન્ય મિલકતોમાં પણ કરોડો રૂપિયાનો ટેકસ મ્યુનિ. ચોપડે બાકી બોલે છે. બીજી તરફ સાતમા પગારપંચ સહિતના વધારાના ભારણથી કોર્પોરેશનનાે ખર્ચ જંગી બન્યો છે. પરિણામે સત્તાવાળાઓએ શહેરમાં બલૂનથી જાહેરાતના હક આપીને કમાણીનો નવો નુસખો શોધી કાઢ્યો છે.
આમ તો શહેરના આકાશમાં એક અથવા બીજી કંપનીના જાહેરાતના નાના મોટા બલૂન જોવા મળે છે પરંતુ આ તમામ બલૂન ગેરકાયદે છે કેમ કે હજુ સુધી કોર્પોરેશને બલૂનથી જાહેરાત આપવા અંગેની નીતિ જ ઘડી નથી. જોકે વધારાની કમાણી માટે તરસ્યા બનેલા કોર્પોરેશને એક બેન્કની એક અરજીના આધારે શહેરના તમામ ઝોનમાં બલૂનથી જાહેરાત આપવા સંદર્ભે એક ખાસ નીતિ બનાવી છે. કોર્પોરેશનના હદ વિસ્તારમાં બલૂનથી જાહેરાત કરવાના સરફેસ એરિયાના પ્રતિચોરસ મીટરદીઠ એક સમાન રૂ.૬ ૦૦૦નો ભાવ નક્કી કરાયો છે.
એસ્ટેટ મધ્યસ્થ કચેરીએ આ અંગેની દરખાસ્ત તૈયાર કરીને આગામી શુક્રવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મંજૂરી માટે પણ મૂકી છે. એસ્ટેટ મધ્યસ્થ કચેરીના ટોચનાં સૂત્રો કહે છે કે અમદાવાદ કોર્પોરેશન બલૂનથી જાહેરાત આપવાના હકને અધિકૃત કરવાના મામલે રાજ્યનું પ્રથમ કોર્પોરેેશન બનશે. બલૂનની સાઇઝ કે સંખ્યા માટે કોઇ નિશ્ચિત મર્યાદા રખાઇ નથી. જે તે કંપની તેની ઇચ્છા મુજબ બલૂનની સાઇઝ અને સંખ્યા રાખીને મ્યુનિ. તિજોરીમાં તેનું ભાડું ચૂકવશે અને બલૂનની સલામતીની જવાબદારી પણ જે તે કંપનીની રહેશે.