ચહેરા પર લાંબા સમય સુધી કરચલીઓ ન પડે અને કાંતિમય રહે તે માટે કાળજી લેવી જરૂરી છે. જેથી ઉંમર લાયક ન દેખાવું હોય તો આ પેક ચહેરા પર લગાવો અને કેટલીક ટિપ્સ અપનાવી લો.
નાની ઉંમરમાં સ્કિનનું ધ્યાન રાખો
ચહેરો કાંતિમય અને યુવાન રાખવા આ ટિપ્સ અપનાવો
ઉંમર લાયક ન દેખાવું હોય તો આ પેક ચહેરા પર લગાવો
ચહેરા અને શરીરની ત્વચા પર કરચલીઓ વધારે હોય તો કોઇને ગમે નહીં. સમય કરતાં વધારે ઉંમર દેખાય તે વાત કોઇને ગમતી નથી, તો પછી ચહેરા પરની કરચલીઓ દૂર કરવા માટે શું કરવું તે પ્રશ્ન સૌના મનમાં ઉદભવે છે. ચહેરા પર લાંબા સમય સુધી કરચલીઓ ન પડે અને કાંતિમય રહે તે માટે કાળજી લેવી જરૂરી છે. ફક્ત ચહેરા પર જ નહીં, આખા શરીરની ત્વચા આ રીતે ઢીલી પડે છે, પણ તેની સૌથી વધારે અસર શરીરના એ ભાગ પર જોવા મળે છે, જે સૂર્યકિરણોના સીધા સંપર્કમાં વધારે આવે છે. એના કારણે જે કરચલીઓ, ડાઘ, શુષ્કતા વગેરે તકલીફો વધારે જોવા મળે છે. તેથી જ હાથ-પગ, ડોક, ચહેરો જેવા ભાગો પર કરચલી ઝડપથી થઇ જાય છે.
કરચલીઓથી બચવા
સૌથી પહેલાં તો સૂર્યના તાપથી પોતાને બચાવવાનો ઉપાય શોધી લો. જ્યારે પણ ઘરની બહાર નીકળો તો પોતાને સારી રીતે કવર કરી લો. આંખ પર સારી કવોલિટીના સનગ્લાસ પહેરો, હાથ-પગ, ચહેરા, ગરદન પર સનસ્ક્રીન લોશન લગાવો અને કોટનનો પાતળો દુપટ્ટા કે સમરકોટથી આ ભાગને ઢાંકી લો. સમયાંતરે ફેશિયલ અને બ્લીચિંગ પણ કરાવતાં રહો. શાકભાજી અને ફળો પણ નિયમિત ખોરાકમાં લેવાથી ત્વચાની ચમક જાળવી શકો છો.
કામની ટિપ્સ
જો તમારી ઉંમર ત્રીસ વર્ષની કે તેથી વધારે હોય તો રાત્રે સૂતી વખતે ત્વચા પર હળવા હાથે નાઇટક્રીમ લગાવીને સૂવું. નિયમિત રીતે જો તમે મોઇશ્વરાઇઝરનો ઉપયોગ કરશો તો તે પણ ફાયદાકારક સાબિત થશે. એન્ટિએજિંગ ક્રીમનો ઉપયોગ કરતાં હો તો સન પ્રોટેકશન ક્રીમ કે મોઇશ્વરાઇઝરનો ઉપયોગ પણ કરવો. નિયમિત રીતે ચહેરો ધોવાનું રાખો અને વધારે ખુશ રહો. જેથી તમારી અંદરની ખુશી ચહેરા પર દેખાશે.
ટેનિંગ દૂર કરવા અને નિખાર લાવવાની ટિપ્સ
જ્યારે પણ તમે બહાર જાવ અથવા જઈને આવો તો ચંદન પાઉડરમાં ગુલાબજળ મિક્સ કરી આ પેસ્ટ ત્વચા ઉપર લગાવી દો. આ સિવાય દૂધમાં કેસર પલાળીને રોજ રાત્રે ચહેરા પર લગાવો. સવારે ઊઠીને ચોખ્ખા પાણીથી ચહેરો ધોઈ નાખો. આનાથી સ્કિનમાં નિખાર આવશે. પાકા પપૈયામાં મધ મિક્સ કરીને પણ લગાવી શકો જેથી કાળી પડેલી ત્વચા ગોરી બનશે. જો વારંવાર બહાર જવાનું થતું હોય તો અડધો કલાક પહેલાં પાકા પપૈયાનો પલ્પ પણ લગાવી શકો, જે તડકામાં તમારી ત્વચાનું રક્ષણ કરશે. ખાસ કરીને ટેન થઇ ગયેલી સ્કિન માટે પાકા પપૈયાનો પલ્પ લગાવવાથી તેના રંગમાં ઝડપથી ફરક પડે છે.
ડલ સ્કિન માટે
તમારે કેમિકલયુક્ત પ્રોડક્ટનો ઉપયોગ ન કરવો.ગુલાબજળમાં 1 ચમચી મધ અને 1 ચમચી મિલ્ક પાઉડર મિક્સ કરીને પેક બનાવો. તેને ચહેરા અને ગરદન ઉપર લગાવીને 20 મિનિટ રહેવા દો. ત્યારબાદ ઠંડા પાણીથી ધીમે-ધીમે મસાજ કરતાં પેક કાઢી નાખો અને સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ લો. 2 ચમચી ગુલાબજળ લઈને તેમાં 1 ચમચી ગ્લિસરીન ઉમેરી પેક તૈયાર કરો. આ પેક ચહેરા પર લગાવો. સ્કિન ગ્લો કરશે. 2 ચમચી ચણાનો લોટ, 1 ચમચી દહીં, અડધી ચમચી હળદર અને અડધી ચમચી લીંબુનો રસ મિક્સ કરીને પેક બનાવી શ્યામ ત્વચા પર લગાવી 20 મિનિટ રહેવા દો. પછી ચહેરો ધોઈ નાખો. આ પેક અઠવાડિયામાં બે વાર લગાવો. તમારી સમસ્યા દૂર થઈ જશે.