ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદથી ઉત્તર ગુજરાત સુધી મેઘતાંડવ, અનેક વિસ્તારોમાં જળબંબાકાર, જુઓ વરસાદના ફોટો અને વીડિયો
Last Updated: 02:45 PM, 18 September 2026
ADVERTISEMENT
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ખેડા, અમરેલી, નર્મદા અને વડોદરા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ક્યાંક ધોધમાર વરસાદથી નદીઓમાં નવા નીર આવ્યા છે તો ક્યાંક રસ્તાઓ અને અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહનચાલકો તથા મુસાફરોને મુશ્કેલી પડી રહી છે. બીજી તરફ વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT

અરવલ્લીના ભિલોડામાં ભારે વરસાદને કારણે બુઢેલી નદી બેકાંઠે વહેતી થઈ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નદીમાં પાણીની આવક વધી છે. સીઝનમાં પ્રથમવાર બુઢેલી નદી બે કાંઠે વહેતી થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદના પગલે મોડાસાની માઝમ અને મેઘરજની વાત્રક નદીમાં પણ નવા નીર આવ્યા છે. સીઝનમાં પ્રથમવાર નદી બે કાંઠે વહેતી થઈ છે અને નવા નીર આવતા નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વાત્રક નદીના પાણીથી બોર અને કૂવા રિચાર્જ થવાની આશા વચ્ચે આસપાસના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
ADVERTISEMENT
જોકે, અરવલ્લીમાં ભારે વરસાદના કારણે કેટલીક જગ્યાએ મુશ્કેલી પણ સર્જાઈ છે. મોડાસા પાસે નદીના પાણી ફરી વળ્યા છે. કોઝવે પરથી ભારે પાણી પસાર થતાં લોકોને મુશ્કેલી પડી રહી છે. નદીમાં જવાના બદલે ખુલ્લી જગ્યામાં પણ પાણી ફરી વળ્યા છે. માઝમ નદીના કોઝવે પરથી પાણી પસાર થતાં પદયાત્રીઓને પણ મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને અંબાજી જતા પદયાત્રીઓ માટે આ સ્થિતિ જોખમી બની છે. અરવલ્લીમાં ભારે વરસાદને કારણે રેલવે અંડરબ્રિજમાં પણ પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી રહી છે અને બંને બાજુથી વાહન વ્યવહારને અસર થઈ છે. સવારથી સતત વરસાદને કારણે અંડરબ્રિજ બંધ કરવાની સ્થિતિ સર્જાઈ છે.
ADVERTISEMENT
મહેસાણામાં ભારે વરસાદને કારણે બસ ટર્મિનલ પર પાણી ભરાઈ ગયા છે. કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ ડ્રેનેજ સિસ્ટમનો અભાવ હોવાના કારણે બસ ટર્મિનલના એન્ટ્રી અને એક્ઝિટમાં પાણી ભરાતા મુસાફરોને હાલાકી પડી રહી છે. ડ્રેનેજ પાઈપની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે પાણી ભરાયા હોવાની સ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદ વચ્ચે બસ ટર્મિનલ પર આવતા-જતા મુસાફરો પરેશાન થયા છે.
ADVERTISEMENT
પાટણ જિલ્લામાં પણ રાત્રીથી વરસાદી માહોલ યથાવત છે. પાટણ શહેરમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. પાટણ શહેરના પ્રથમ રેલવે ગરનાળામાં પાણી ભરાતા માર્ગ બંધ થઈ ગયો છે. રેલવે નાળું પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકોને હાલાકી પડી રહી છે. નવજીવન ચોકડીથી મુખ્ય બજારમાં આવવાનો માર્ગ પણ બંધ થયો છે.
ADVERTISEMENT
ખેડા જિલ્લાના માતર પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ભલાડા, સાયલા, શેખુપુર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.
ADVERTISEMENT
અમરેલીના સાવરકુંડલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. સાવરકુંડલાના આંબરડી ગામે મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ્સ શરૂ થઈ છે. વરસાદી ઝાપટું પડતાં ગામની બજારોમાં પાણી વહેવા લાગ્યા હતા. વરસાદી ઝાપટા પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. ઊભા ખેતીપાકને જરૂરિયાત મુજબ કુદરતી પાણી મળતાં પાકને નવજીવન મળ્યું છે. અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત છે. ખાંભા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. ખાંભાના ભાડ, નાનુડી, ઉમરીયા, જીકચાળી સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સાવરકુંડલા તાલુકાના વીજપડી, હાડીડા, દાઢીયાળી, બાઢડા સહિતના ગામડાઓમાં વરસાદ પડ્યો છે. રાજુલા શહેરમાં વરસાદી ઝાપટા પડ્યા છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં મોટા આગરીયા સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે.
મહુવા તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ઘણા સમયની રાહ બાદ વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. જાદરા, ભાદરા, દુધાળા, શારદીકા, બાંભણિયા, આસરાણા, કિકરીયા અને લૂસડી ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ધીમી ધારે સોના જેવો વરસાદ પડતાં ખેતરમાં ઊભા પાકને જીવનદાન મળ્યું છે.
સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં રાજસ્થાન સરહદી વિસ્તારોમાં ભારે વરસાદના પગલે નદીઓમાં નવા નીર આવ્યા છે. વિજયનગર તાલુકાના પાલ-દઢવાવ અને ચિતરીયા ગ્રામવિસ્તારમાં વરસાદી માહોલ છે. પાલ-દઢવાવ અને ચિતરીયા પાસેથી પસાર થતી હાથમતી નદીમાં નવા નીરની આવક થઈ છે. અંતરિયાળ વિસ્તારમાં નદીમાં નવા નીર આવતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે. વરસાદના પગલે જળસ્ત્રોતોમાં પણ વધારો થવાની આશા છે.
સાબરકાંઠામાં વરસાદી માહોલ વચ્ચે કુદરતી આફતની ઘટના પણ સામે આવી છે. વડાલીમાં વરસતા વરસાદ વચ્ચે રામનગર વિસ્તારના પ્રજાપતિ વાસમાં એક મકાન ઉપર વીજળી ત્રાટકી હતી. વીજળી ત્રાટકતાં મકાનને ભારે નુકસાન થયું છે. વીજળીના પ્રચંડ ધડાકાના કારણે લાઈટનું મીટર પણ બળી ખાખ થઈ ગયું હતું. ઘરમાં રહેલા ટીવી, ફ્રિજ સહિતના કિંમતી ઇલેક્ટ્રિક ઉપકરણોને પણ નુકસાન થયું છે. ઘટનાની અસર બાજુના મકાન સુધી પહોંચી હતી અને પડોશીનું પણ લાઈટનું મીટર વીજળીના આંચકાને કારણે બળી રાખ થયું હતું. જોકે સદનસીબે આ મોટી દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. અચાનક બનેલી ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો હતો. સમગ્ર મામલે વડાલી વહીવટી તંત્રને જાણ કરવામાં આવી છે.
રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. બે દિવસના વિરામ બાદ વહેલી સવારથી જ વરસાદ ધોધમાર પડ્યો હતો. અચાનક પડેલા વરસાદને કારણે સમગ્ર પંથકમાં પાણી પાણી થઈ ગયું છે. રાજપીપળા સ્ટેશન રોડ સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરસાદને પગલે ગણેશ મહોત્સવના આયોજકોને પણ મુશ્કેલી પડી રહી છે. જોકે ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. બે દિવસની ગરમી બાદ વરસાદથી વાતાવરણમાં ફરી ઠંડક પ્રસરી છે.
વડોદરાના ડેસર તાલુકામાં પણ પુનઃ વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ડેસર સહિત તાલુકાના વાલાવાવ, પાંડુ, શાંતિપુરા, વક્તાપુરા, વેજપુર, જાંબુગોરલ, ઉદલપુર, સાંઢાસાલ, વરસડા, શિહોરા અને છાલીએર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. છેલ્લા ચાર દિવસથી વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ભારે ખુશી છે. ખેતરોમાં સુકાઈ રહેલા પાકને જીવતદાન મળવાની આશા છે. કપાસ, એરંડા, બાજરી, ડાંગર અને કઠોળનો પાક સુકાવાના આરે પહોંચી ગયો હતો, ત્યારે વરસાદથી ખેડૂતોને રાહત મળી છે. જોકે વાલાવાવ ચોકડીના વેપારીઓની દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. વરસાદી માહોલ જામતાં તાલુકાના ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે.
જેતપુરમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટું પડ્યું છે. ધોધમાર વરસાદી ઝાપટા બાદ ઝરમર વરસાદ વરસ્યો હતો. તીનબતી ચોક, ફૂલવાડી, સ્ટેન્ડ ચોક, એમજી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. સવારથી અસહ્ય ઉકળાટમાં પરેશાન લોકોને વરસાદથી આંશિક રાહત મળી છે. વરસાદ વરસતા ખેડૂતોના પાકને પણ લાભ થવાની આશા છે.
આમ, રાજ્યના અનેક વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ જામતાં એક તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે, જ્યારે બીજી તરફ નદીઓમાં નવા નીર આવતાં ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને લાંબા સમય બાદ પડેલા વરસાદથી સુકાઈ રહેલા ખેતીપાકને મોટો લાભ મળવાની આશા છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.