બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને ફરી DEOની નોટિસ, શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન અંગે ખુલાસો માંગ્યો
Last Updated: 08:40 AM, 7 April 2026
Ahmedabad Seventh Day School : અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલ એક વખત ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે. વાસ્તવમાં અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા સ્કૂલને નાણાકીય હિસાબોને લઈને ફરી નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં 3 દિવસની અંદર સંપૂર્ણ વિગતો રજૂ કરવાની ફરજ પાડવામાં આવી છે. નોંધનીય છે કે, અગાઉ પણ સ્કૂલને હિસાબો રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી, પરંતુ સમયમર્યાદા પસાર થયા બાદ પણ કોઈ જવાબ ન મળતા તંત્ર વધુ કડક વલણ અપનાવ્યું છે.
ADVERTISEMENT
તપાસમાં થયો મોટો ઘટસ્ફોટ ?
અહેવાલો મુજબ તપાસ દરમિયાન થયેલા ઓડિટમાં અંદાજે રૂ. 7.31 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે. આ ટ્રાન્ઝેક્શન અંગે સ્પષ્ટતા ન મળતા તંત્રએ સ્કૂલને ફરીથી કારણ દર્શાવો નોટિસ પાઠવી છે. ખાસ કરીને શાળાના નાણાં અન્ય સંસ્થાઓ અને ખાનગી કંપનીઓમાં ટ્રાન્સફર કરાયા હોવાના આક્ષેપો ગંભીર માનવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની તપાસ મુજબ, શાળાએ ‘સેવન્થ ડે આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ’ અને ‘બી.બી.એ. કોલેજ’ને લાખો રૂપિયાની રકમ ફાળવી હતી. આ ઉપરાંત ‘લર્નિંગ બોર્ડ ઓફ એજ્યુકેશન પ્રા. લિ.’ અને ‘ઈ-મિશન એક્ઝિબિશન પ્રા. લિ.’ જેવી ખાનગી કંપનીઓના ખાતામાં પણ મોટી રકમ ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. જોકે આ તમામ નાણાં ટ્રાન્સફર પાછળનું કારણ કે નિયમોની માહિતી સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવી નથી.

ADVERTISEMENT
આ સમગ્ર મામલો ત્યારે વધુ ગંભીર બન્યો હતો જ્યારે શાળામાં ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યાની ઘટના સામે આવી હતી. ત્યારબાદ સરકાર દ્વારા શાળાનો વહીવટ પોતાના હસ્તક લેવામાં આવ્યો હતો અને વિવિધ પાસાઓ પર તપાસ શરૂ કરવામાં આવી હતી. આ તપાસમાં એક પછી એક ગેરરીતિઓ સામે આવવાના દાવાઓ થઈ રહ્યા છે. DEO દ્વારા હવે અંતિમ તકરૂપે 3 દિવસની સમયમર્યાદા આપવામાં આવી છે. જો આ સમયગાળામાં સ્કૂલ દ્વારા યોગ્ય હિસાબો અને પુરાવાઓ રજૂ કરવામાં નહીં આવે, તો એકતરફી કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને સમગ્ર મામલો સરકાર સમક્ષ રિપોર્ટ કરવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.