શોર્ટકટમાં પૈસો કમાવવા કેટલાક લોકો ગમે તે હદે જતા હોય છે, જેમાં સૌથી વધુ લોકો ચોરીનો સહારો લેતા હોય છે. જોકે, આવો જ શોર્ટકટ મારતા ચાર ચંડાર ચોર આવી ગયા છે પોલીસ ગિરફ્તમાં તો શું છે સમગ્ર ઘટના આવો જોઈએ વિસ્તારથી...
ગોડાઉનમાંથી 42 લાખના એરંડાની ચોરી
અલગ ટ્રકોમાં એરંડાની બોરીઓની ચોરી કરી
સિદ્ધપુરની બજારમાં વેપારીઓને વેચી મારી
સમગ્ર ઘટના પર નજર કરીએ તો પાટણના ગંજ બજારમાં વિશાલ ટ્રેડર્સ નામના વેપારી રાહુલ શાહ કે જેઓનું પાટણના કુણઘેર ગામે મલ્હાર નામનું ગોડાઉન આવેલું છે, આ ગોડાઉનમાં લાખો રૂપિયાની એરંડાની બોરીઓ ભરીને રાખવામાં આવતી હતી. જોકે, આ ગોડાઉનમાં રાખવામાં આવેલ એરંડાની બોરી નંગ 984 કિંમત રૂપિયા 42,43,500 ચોરી થઈ હોવાનું ગોડાઉનના મેનેજરની સામે આવતા વેપારી રાહુલ શાહે પાટણ તાલુકા પોલીસ મથકે એરંડા ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
પાટણ SPએ બનાવી હતી વિવિધ ટીમો
ઘટનાની ગંભીરતાને લઈ પાટણ એસપીએ આરોપીઓની ઝડપી પાડવા પોલીસની વિવિધ ટીમો બનાવી કામે લગાડી હતી. જેમાં પાટણ SOG પોલીસને બાતમી મળી હતી કે ગોડાઉનમાં એક ટ્રક અવાર નવાર આવતી હતી, જે બાદ પોલીસે ટ્રક માલિકની પૂછપરછ કરતા SOG પોલીસને ગુનાના મૂળ સુધી જવામાં સફળતા મળી હતી. SOG પોલીસના હાથે આરોપીઓ (1) હિતેન્દ્રગીરી ભરતગીરી ગોસ્વામી (રહે. હાંશાપુર તાલુકો, જિલ્લો પાટણ), (2) ભીલ રમેશ ઉર્ફે લાલો દશરથભાઈ (રહે. મીરા દરવાજા, પાટણ) (3) ટીનાજી ચતુરજી ઠાકોર (રહે.શંકરપુરા, તા.સિધ્ધપુર), (4) પ્રવીણ શિવરામદાસ પટેલ (રહે.ખળી, ઉમિયાપરું તાલુકો સિદ્ધપુર જિલ્લો પાટણ) ઝડપાઈ ગયા હતા.
સિદ્ધપુરના વેપારીને વેચ્યા હતા એરંડા
પાટણ DYSP કે.કે પંડ્યાએ સમગ્ર કેસ વિશે માહિતી આપતા જણાવ્યું કે, આ આરોપીઓએ ગોડાઉનનું તાળું તોડી તેની જગ્યાએ પોતાનું તાળું લગાવી મજૂરો મારફત એકબીજાની મદદગારીથી અલગ-અલગ ટ્રકોમાં અને જુદાજુદા દિવસોએ એરંડાની બોરીઓની ચોરી કરી હતી. પોલીસે ઝડપાયેલ ચાર આરોપીઓની આકરી પૂછપરછ કરતા આરોપીઓએ જણાવેલ કે ચોરીની 800 નંગ એરંડાની બોરીઓ સિદ્ધપુરના ગંજ બજારમાં અલગ અલગ પેઢીઓને વેચી હતી.
કે.કે પંડ્યા (DySP, પાટણ)
એક આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂરઃ કે.કે પંડ્યા
તેઓએ કહ્યું કે, હાલ તો પોલીસે આરોપીઓ પાસેથી એરંડાની બોરીઓની વેચાણમાંથી મળેલ 21 લાખ 49 હજાર રોકડ તથા પાંચ મોબાઈલ નંગ સાથે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે જેમાંનો એક આરોપી હેન્ડીકેપ છે તો આ ગુનામાં સંડોવાયેલ ઠાકોર પ્રવીણજી જાદવજી (રહે. હાંશાપુર જિલ્લો પાટણ) હજુ પણ પોલીસ પકડથી દૂર છે હાલ તો પોલીસે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.
પોલીસ દ્વારા હજુ પણ તપાસ ચાલું
પોલીસે ઝડપાયેલ આરોપીઓ પાસેથી એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે સિદ્ધપુર સિવાય અન્ય કોઈ વેપારીઓ આરોપીઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ ખરીદતા હતા કે કેમ, આરોપીઓ અન્ય કોઈ આંતરરાજ્ય ચોરીની ગેંગ સાથે સંડોવાયેલા છે કે કેમ તે તમામ પાસાઓ ઉપર હાલ તો પાટણ પોલીસ કામ કરી રહી છે. પોલીસે હાલ તો આરોપીઓને રિમાન્ડ ઉપર લેવાની તજવીજ હાથ ધરી છે.