ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / VTV વિશેષ / અન્ય જિલ્લા / sabarkatha girls great achievement in karate national sports news
ADVERTISEMENT
ADVERTISEMENT
ચા વેચીને ગુજરાન ચલાવતા પિતાએ પોતાની પુત્રીઓને રમત ગમતમાં રાષ્ટ્રીય કક્ષાએએ પહોંચાડી છે. તેમની પુત્રીઓ હિંમતનગર સહિત સમગ્ર જિલ્લામાં જાણે કે અન્ય દીકરીઓ માટે રોલ મોડલ બની રહી છે. આ દીકરીઓ 'દંગલ' ફિ્લ્મની 'ગીતા અને બબીતા' જેવો જોમ, જુસ્સો અને જાત પર ભરોસો ધરાવે છે તો પિતામાં પણ જાણે ઠાંસીને જુસ્સો દેખાઈ આવે છે. હિંમતનગર નજીક આવેલા હાપા ગામની આ દીકરીઓએ રમત ગમતમાં કરાટેમાં પોતાનું કૌવત બતાવી હાલ રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચીને સિલ્વર મેડલ પણ જીતી ચુકી છે.
હાપા ગામના ગજેન્દ્રસિંહ મકવાણાની દીકરી તોરલે પરીવારમાં સૌથી પહેલા કરાટેની તાલીમ લેવા માટે પહેલ કરી અને પરીવારે તે માટે તેના ચહેરા પર રહેલા જુસ્સા કરતા બમણાં જોમ અને જુસ્સાથી તેને 6 વર્ષ અગાઉ કરાટેની તાલીમ અપાવવી શરુ કરી. આ જોઈને તેમની બીજી દીકરી માયાએ પણ તોરલની જેમ કરાટે શીખવાની શરુઆત કરી. બાદમાં ત્રીજી દીકરી બિજલે પણ કરાટેમાં જોડાઈ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
મોટી પુત્રી તોરલ મકવાણા કહે છે કે અમે પરીવારમાં 5 બહેનો છીએ અને જેમાં અમે ત્રણ બહેનો કરાટે શીખ્યા છીએ અને અમે બંને બહેનો નેશનલ સુધી પહોંચ્યા છીએ. આગામી ટાર્ગેટ ઇન્ટરનેશલન ગેમ્સમાં ભાગ લેવાનો છે. બીજી સફળ પુત્રી માયા મકવાણા કહે છે કે અમે આ માટે ઘરે અને મેદાનમાં પણ તાલીમ મેળવવા માટે જઇએ છીએ. નિયમીત રીતે તાલીમ મેળવીને અમે નેશનલ સુધી પહોંચ્યા છીએ.
સૌથી મોટી દીકરી તોરલ હાલમાં 13 વર્ષની છે અને તે કરાટેમાં બ્લેક બેલ્ટ ધરાવે છે તો બીજી પુત્રી માયા હાલમાં અગીયાર વર્ષની છે અને તે બ્રાઉન બેલ્ટ ધરાવે છે. સૌથી નાની સાત વર્ષની બીજલે પણ બંને બહેનોના પગલે હાલ ઓરેન્જ બેલ્ટ હાંસલ કરી ચુકી છે. તે પણ બ્લેક બેલ્ટ મેળવવાની ધગશ ધરાવે છે.
ADVERTISEMENT
ગજેન્દ્રસિંહ મકવાણા આમ તો ચાની નાનકડી દુકાન ધરાવે છે અને ચાની દુકાનથી સાંજ સુધીમાં થતી ત્રણ આંકડાની માંડ આવકમાંથી પોતાના પરીવારનું ગુજરાન કરે છે. ગુજરાન ચલાવાની સાથે કરાટેની તાલીમ દીકરીઓને આપવી અને તે માટે કરવો પડતો ખર્ચ એ તેમના માટે જાણે કે આભને સાંધવા રુપ હતું. આમ છતાં પણ તેમણે મનને મક્કમ કરીને પોતાની પુત્રીઓને તેમના સપના પુરા કરવા શક્ય તમામ પ્રયાસો કર્યા અને એ જાણે કે હવે સફળતાને આંબી ચુક્યા છે. ત્રણ પૈકી બે પુત્રીઓ તોરલ અને માયા બંને નેશનલ સ્કુલ ગેમ્સમાં સફળતા મેળવી ચુકી છે અને તેઓ હજુ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મેડલ મેળવે તે માટે તૈયારીઓ કરાવી રહ્યા છે.
ગજેન્દ્રસિંહના મન તેમની પાંચેય દીકરીઓ દીકરા જ છે અને એટલા જ મનોબળથી દીકરીઓએ પણ પોતાને શક્તિશાળી દીકરા સમાન હોવાનું પણ જાણે કે સાબિત કરી બતાવ્યુ છે. હવે પિતા હોવા છતાં પણ હવે તેઓ દીકરીઓની સફળતાના નામથી જ ઓળખાવા લાગ્યા છે. કેન્દ્ર સરકાર પણ તેમની બંને પુત્રીઓ માટે હવે દર માસે 5000 રુપિયા સહાય આપે છે. આમ હવે પુત્રીઓને તાલીમ અને અભ્યાસમાં પણ આર્થિક રીતે રાહત થઇ છે.
સફળ પુત્રીઓના પિતા ગજેન્દ્રસિંહ મકવાણા કહે છે કે મારા માટે મારી પુત્રીઓ દીકરા જ છે અને એ રીતે જ તેમને આગળ વધારી છે. ચા અને ખેતીકામ કરીને ગુજરાન ચલાવું છું પણ આશા છે કે દીકરીઓ આંતરરાષ્ટ્રીય રમત સુધી પહોંચી શકશે. કરાટેના પ્રશિક્ષક જુજારસિંહ વાઘેલા કહે છે કે બે પુત્રીઓ નેશનલ ગેમ્સમાં સફળ થઇ છે અને એટલે જ તેમને સરકારે પણ સહાય આપવી શરુ કરી છે. બંને તૈયાર કરવા માટે તેના પિતા ચાની દુકાનમાંથી ઓછી આવક હોવા છતાં પણ તેઓએ સંઘર્ષ કર્યો.
ADVERTISEMENT
સરકાર સશક્તિકરણના પ્રયાસોની વાતો કરે છે પણ આ વાતો વચ્ચે સાબરકાંઠાના હાપા ગામના ગજેન્દ્રસિંહ સરકારની યોજનાઓ કરતાં પોતાનો જાત પર વિશ્વાસ તેમજ દીકરીઓને દીકરા સમાન ગણી સમગ્ર ગુજરાતને એક રોલ મોડલ પૂરો પાડે છે. જો કે સરકાર આ મુદ્દે આગામી સમયમાં પરિવારને કેટલો સહયોગ અને સહકાર આપશે એ તો સમય બતાવશે.
સંકળાયેલા મુદ્દાઓ