ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કેપ્ટન સ્મિતને ગુજરાત સરકાર વિશિષ્ટ ગુજરાત ગરીમા એવોર્ડથી કરશે સન્માનિત, જાણો કોણ છે કેપ્ટન સ્મિત મચ્છર
Last Updated: 03:13 PM, 1 October 2026
ADVERTISEMENT
વિમાન હજારો ફૂટની ઊંચાઈએ હતું, 180 લોકો તેમાં સવાર હતા અને અચાનક કોકપિટમાંથી બૂમાબૂમ અને ઝઘડાના અવાજો સંભળાવા લાગ્યા. થોડી જ વારમાં સ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે વિમાનના મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. પરંતુ આ મુશ્કેલ ઘડીએ એક ગુજરાતી પાઇલટે પોતાની જાનની પરવા કર્યા વિના હિંમત બતાવી. હુમલામાં ઈજાગ્રસ્ત થયા છતાં તેમણે હિંમત ન હારી અને મુસાફરોની મદદથી હુમલાખોરને કાબૂમાં લીધો. આ બહાદુર પાઇલટ એટલે સ્મિત મચ્છર, જેઓ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના વતની છે.
ADVERTISEMENT

ફ્લાયદુબઈની આ ફ્લાઇટમાં બુધવારે સવારે લગભગ 9 વાગ્યે આ ઘટના બની હતી. વિમાનમાં 180 લોકો સવાર હતા અને મોટાભાગના મુસાફરો ઈઝરાયલી હતા. ઈઝરાયલી અધિકારીઓના જણાવ્યા મુજબ, સ્મિત પર હુમલો કરનાર કો-પાઇલટ ઓમાનનો નાગરિક હતો. મીડિયા રિપોર્ટ્સમાં જણાવાયું છે કે સ્મિત ગુજરાતી મૂળના છે. હુમલા દરમિયાન સ્મિત ઘાયલ થયા હતા, તેમ છતાં તેમણે હિંમતપૂર્વક પરિસ્થિતિનો સામનો કર્યો. મુસાફરોની મદદથી હુમલાખોરને કાબૂમાં લેવામાં આવ્યો અને મોટી દુર્ઘટના ટળી હતી.
ADVERTISEMENT
આ સમગ્ર ઘટનામાં સ્મિતની બહાદુરીને લઈને ગુજરાતના મુખ્યમંત્રીએ પણ તેમની પ્રશંસા કરી છે. CMએ જણાવ્યું કે ઈઝરાયેલના નાગરિકોને બચાવનાર સ્મિત મચ્છરનું સાહસ પ્રેરણાદાયી અને સરાહનીય છે. હુમલામાં ઈજાગ્રસ્ત હોવા છતાં સ્મિતે 174 યાત્રીઓનો જીવ બચાવ્યો અને ગુજરાત તથા દેશનું નામ રોશન કર્યું છે. ગુજરાત સરકાર દ્વારા સ્મિત મચ્છરને ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે દેશવાસીઓની સંવેદના સ્મિત મચ્છરની સાથે છે.
ADVERTISEMENT
ઈઝરાયલ જઈ રહેલ ફ્લાઈટના પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરના સાહસને આજે આખી દુનિયા સલામ કરી રહી છે. હુમલાના કારણે લોહીલુહાણ હોવા છતા તેમણે અદમ્ય સાહસ દાખવીને 174 મુસાફરોના જીવ બચાવ્યા, એ વાત અત્યંત પ્રેરણાદાયી અને સરાહનીય છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 1, 2026
મૂળ ગુજરાતના આ વીર સપૂતે પોતાના શૌર્યથી સમગ્ર વિશ્વમાં ગુજરાત…
સ્મિત મચ્છર મૂળ વઢવાણના વતની છે. તેમનો સમગ્ર પરિવાર હાલમાં મુંબઈમાં સ્થાયી છે. તેમનું સ્કૂલિંગ અને આગળનો અભ્યાસ પણ મુંબઈમાં જ થયો હતો. તેમના સસરા જયસુખભાઈ જોગીએ જણાવ્યું હતું કે સ્મિતના લગ્ન વર્ષ 2012માં થયા હતા. તેમના લગ્ન સાવરકુંડલાની સોનલ સાથે થયા હતા. લગ્ન બાદ પણ સ્મિતે પોતાની એવિએશન કારકિર્દીને આગળ વધારી હતી. મુંબઈમાં લગભગ 11 વર્ષ સુધી નોકરી કર્યા બાદ તેઓ ફ્લાયદુબઈ સાથે જોડાયા હતા.
ADVERTISEMENT
સ્મિતના સસરા જયસુખભાઈ જોગીએ જણાવ્યું કે પરિવાર હાલ ખૂબ જ ચિંતિત છે, પરંતુ સ્મિતના સાહસ પર તેમને ગર્વ છે. બીજી તરફ તેમના કૌટુંબિક સાળા હિરેનભાઈ જોગીએ જણાવ્યું હતું કે હાલમાં સ્મિતની સારવાર ચાલી રહી છે. તેમણે કહ્યું કે કાલની ઘટનામાં જે રીતે સ્મિતે હિંમતપૂર્વક મુસાફરોનો બચાવ કર્યો તે ખૂબ જ સરાહનીય છે. તેમણે ઉમેર્યું કે સ્મિત તેમના બનેવી થાય છે અને સમગ્ર પરિવારને તેમના પર ગર્વ છે.
ADVERTISEMENT
સ્મિત મચ્છરનું સાવરકુંડલા સાથે પણ ખાસ જોડાણ છે. સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ સ્મિતને ભારતનો બહાદુર સપૂત ગણાવતા કહ્યું કે તેઓ માત્ર પાઇલટ તરીકે નહીં, પરંતુ મુસાફરોના જીવ બચાવવા માટે પોતાની જાનની બાજી લગાવનાર વ્યક્તિ તરીકે સામે આવ્યા છે. તેમણે કહ્યું કે સ્મિત સાવરકુંડલાના જમાઈ છે અને તેમની કર્તવ્યનિષ્ઠા દેશના જવાનોની કર્તવ્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે સ્મિત ઝડપથી સાજા થાય અને ફરી પોતાની ફરજ પર જોડાય તેવી શુભેચ્છા પાઠવી હતી.
ADVERTISEMENT
સ્મિત મચ્છરની આ કહાની એટલા માટે પણ ખાસ છે કારણ કે તેમનું બાળપણથી પાઇલટ બનવાનું સપનું નહોતું. તેમનો પરિવાર પરંપરાગત રીતે ટેક્સટાઈલ વ્યવસાય સાથે સંકળાયેલો છે. શાળાનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેમણે ટેક્સટાઈલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો અને એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ પરિવારના વ્યવસાયને આગળ વધારવા માટે મેનેજમેન્ટનો કોર્સ કરવાનું તેઓ વિચારી રહ્યા હતા. પરંતુ આશરે 19 વર્ષની ઉંમરે એક એવિએશન સેમિનારમાં ભાગ લીધા બાદ તેમની જિંદગીની દિશા બદલાઈ ગઈ.
એવિએશન સેમિનારમાં વિમાન ઉડ્ડયન ક્ષેત્રની દુનિયા જોઈને સ્મિતના મનમાં પાઇલટ બનવાની ઈચ્છા જાગી. જ્યારે તેમણે પરિવાર સામે આ વાત કરી ત્યારે તેમની માતા પુત્રની સુરક્ષાને લઈને ચિંતિત થઈ ગયા હતા. જોકે, તેમના પિતાએ પુત્રના નિર્ણયને સમજીને તેમને સંપૂર્ણ સાથ આપ્યો. પિતાએ પાઇલટની તાલીમ ક્યાંથી અને કેવી રીતે મેળવવી તેની માહિતી મેળવી અને સ્મિતને આ ક્ષેત્રમાં આગળ વધવા માટે આર્થિક તથા માનસિક સહયોગ આપ્યો.
પાઇલટ બનવા માટે સ્મિત મચ્છર ન્યુઝીલેન્ડ પણ ગયા હતા. વિદેશ જતાં પહેલાં તેઓ ક્યારેય ભારત બહાર ગયા નહોતા. ન્યુઝીલેન્ડમાં તેમણે કઠિન ટેકનિકલ તાલીમ, ફેમિલીયરાઈઝેશન ફ્લાઈટ્સ અને જરૂરી ઉડાનના કલાકો પૂર્ણ કર્યા બાદ કોમર્શિયલ પાઇલટ લાયસન્સ મેળવ્યું હતું. ભારત પરત આવ્યા બાદ તેમની પ્રથમ કમર્શિયલ ટ્રેનિંગ ફ્લાઇટ બેંગ્લોરથી દિલ્હી વચ્ચે બોઇંગ વિમાન પર થઈ હતી.
ત્યારબાદ સ્મિતે ભારતીય એરલાઇન સ્પાઈસજેટમાં 11 વર્ષથી વધુ સમય સુધી સિનિયર કમાન્ડર અને લાઇન ટ્રેનિંગ કેપ્ટન તરીકે કામ કર્યું. જૂન 2022માં તેઓ ડાયરેક્ટ-એન્ટ્રી કેપ્ટન તરીકે ફ્લાયદુબઈ સાથે જોડાયા હતા. બોઇંગ 737 અને 737 MAX વિમાનો પર તેમને 9750 કલાકથી વધુ ઉડાનનો અનુભવ છે. 17 વર્ષથી વધુના એવિએશન અનુભવ ધરાવતા સ્મિત મચ્છર આજે માત્ર ફ્લાઇટ કમાન્ડર જ નહીં, પરંતુ નવા પાઇલટોના માર્ગદર્શક પણ છે. તેઓ ‘FlyBy Aviation’ એકેડેમી પણ ચલાવે છે, જ્યાં પાઇલટ બનવા ઇચ્છતા યુવાનોને તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવે છે.
આ ઘટનામાં સ્મિતની બહાદુરીની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. ઈઝરાયલી અધિકારીએ પણ કહ્યું કે પાઇલટની હિંમતના કારણે મોટી ઘટના ટળી ગઈ. હુમલાખોરને કાબૂમાં લીધા બાદ વિમાનમાં બેઠેલા મુસાફરોએ તાળીઓ પાડીને ખુશી વ્યક્ત કરી હતી. આજે વઢવાણના વતની અને સાવરકુંડલાના જમાઈ સ્મિત મચ્છર માત્ર પોતાના પરિવાર માટે જ નહીં, પરંતુ ગુજરાત અને દેશ માટે પણ ગૌરવનું નામ બની ગયા છે. ઈજાગ્રસ્ત હોવા છતાં 174 યાત્રીઓનો જીવ બચાવનાર સ્મિતનું સાહસ ખરેખર પ્રેરણાદાયી છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.