બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / રાજકોટ / અન્ય જિલ્લા / 3 Big society in preparation for a major upheaval in Gujarat's politics, one more show of strength tomorrow

વો ભૂલી દાસ્તાં.. / 3 મોટા સમાજ ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ કરવાની તૈયારીમાં, કાલે વધુ એક શક્તિપ્રદર્શન

Mehul

Last Updated: 08:16 PM, 19 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતની રાજનીતિ, હવે 'સમાજ નીતિ તરફ. વિધાનસભા 2022ની ચૂંટણી વહેલી આવવાના વરતારા વચ્ચે હવે સમાજના મોભીઓ અંદરોઅંદર વૈમનસ્યને કોરાણે મૂકી એક થવાની વાત પર ભાર મૂકે છે

  • આજે પાટીદાર સમાજની ( બિન રાજકીય) બેઠક મળી 
  • રવિવારે કોળી સમાજની મોટી બેઠક, ટીકીટની ચોપાટ 
  • ગુજરાતની રાજનીતિ ચૂંટણી પહેલા 'સમાજ નીતિ' તરફ 

ગુજરાતની રાજનીતિ, હવે હવે 'સમાજ નીતિ તરફ વળતી લાગે છે. વિધાનસભા 2022ની ચૂંટણી વહેલી આવવાના વરતારા વચ્ચે હવે સમાજના મોભીઓ અંદરોઅંદર વૈમનસ્યને કોરાણે મૂકી એક થવાની વાત પર ભાર મૂકી રહ્યા છે. આ ભાર એટલા માટે છે કે જૂથબંધીથી ટીકીટ મેળવી શકાય અને સમાજ પરનું પ્રભુત્વ અને પકડ થકી મોવડી મંડળને એ વાટે વિશ્વાસમાં લઇ શકાય કે, પાર્ટીમાં અમારા સમાજની આટલી બેઠક પર આટલા નામ, એટલે જીતની પાક્કી ગેરંટી.        

પાટીદાર સમાજની બેઠક, નરેશ પટેલનું સસ્પેન્સ 

રાજ્યમાં પાટીદાર સમાજ, કોળી સમાજ, ઠાકોર સમાજ સૌ પોત-પોતાની રીતે સોગઠાં ગોઠવી રહ્યા છે.પાટીદાર સમાજમાં એક તરફ નરેશ પટેલની ગતિવિધિઓ પર ભાજપ, આપ અને કોંગ્રેસની નજર છે. બીજી તરફ નરેશ પટેલને ભાજપ સિવાય ક્યાય નાં જવા દેવાનો શ્રેય મેળવવા કેટલાક પાટીદાર નેતાઓ મથી રહ્યા છે. આ પાછળનું એક કારણ એવું પણ મનાય છે કે, નરેશ પટેલના નિર્ણય સાથે 'તેઓનું' ભાવી સંકળાયેલું છે. જો નરેશ પટેલ,અન્ય કોઈ પાર્ટીમાં ના જઈ ભાજપમાં આવે, તો રૂપાણી સરકારમાં મંત્રી રહેલા કેટલાકનાં માથા પર ફરી પાછો 'સાફો' બંધાય તેવા સંયોગ બની શકે છે. ( અહીં ટીકીટ મળે, પછી "નરેશ મૂલ્ય" સેવા બદલ મંત્રીપદ ) આજે પાટીદાર સમાજની બેઠક હતી, કહેવાય છે એક, બિન રાજકીય બેઠક હતી. પણ જાણકારો માને છે કે, હવે એ અંતિમ 10 દિવસ શરુ થયા છે જેમાં નરેશ પટેલ પોતાનો વ્યક્તિગત નિર્ણય જાહેર કરવાના છે. એટલે નરેશ પટેલના મનમાં શું ચાલે છે અને દિલ કોના માટે ધડકે છે તેનો તાગ મેળવવા પાટીદાર સમાજના નેતાઓ મંથન કરી રહ્યા છે. સમાજ એમ જ માને છે કે,નરેશ પટેલ જે પાર્ટીમાં જશે, તેની સાથે સમગ્ર સમાજ જશે,અને તે જ પાર્ટીની ગુજરાતમાં સરકાર બનશે. અને આ જ સાચી સમાજ સેવા છે. 

કોળી સમાજ પણ ઍક્શનમાં

હવે વાત કોળી સમાજની. તો રવિવારે રાજકોટમાં મોરબી રોડ પર કોળી સમાજની બેઠક યોજાશે. હજુ બે મહિના પહેલા આમને-સામને રહેલા બે દિગ્ગજો દેવજી ફતેપરા અને કુંવરજી બાવળીયા કહેવાતા હસ્ત-ધૂનન કર્યા છે. એક બીજા પ્રત્યેના રાગ-દ્વેષ હમણા બાજુએ મૂકી, પહેલા ટીકીટની વ્યવસ્થા કરવાની છે. જો એકતા દર્શાવાશે તો એક-મેકના નામ પર બેઠક નક્કી કરવા બંને રાજી થશે અને હાઈ કમાંડને સમજાવી શકવામાં સરળતા પણ રહેશે. બેઠકના એજન્ડા પ્રમાણે કોળી સમાજના જાણીતા ચહેરાઓની ટિકિટ ન કાપવા અને ચર્ચા અને ઉચ્ચસ્તરે રજૂઆતનું માળખું બંધાશે. આને ચૂંટણીની ટીકીટ પહેલા 'સમાજનું શક્તિ પ્રદર્શન' પણ ગણી શકાય. આ સિવાય કોળી સમાજનું જે વિસ્તારોમાં પ્રભુત્વ છે તે વિસ્તારોમાં કોણે -કોણે ટીકીટ મળી શકે તેની પણ ચર્ચા થશે. ટૂકમાં જેઓ સમાજના અત્યાર સુધીના લોકપ્રિય ચહેરાઓ છે તેનો સમાવેશ ગમે તે ભોગે થઇ જાય, તેવી ગોઠવણ માટે સમાજ એકત્રિત થઇ રહ્યો છે. 

ઠાકોર સમાજ પણ બાવળા ચડાવે તેવી વકી

હવે વાત ઠાકોર સમાજની. ઉત્તર ગુજરાતમાં ભારે દબદબો ધરાવતા આ સમાજે પણ અંદર ખાને પોતાની તૈયારી શરુ કરી છે. આગામી સમયમાં આ સમાજ પણ કોળી સમાજ જેવી જ લાગણી અને માગણી વ્યક્ત કરી શકે છે. હાલ તો અલ્પેશ ઠાકોર પણ પોતાની ગણતરીઓ માંડી રહ્યા છે. ધવલસિંહ ઝાલા, અને અલ્પેશ ઠાકોરે વિધાનસભા પેટા ચૂંટણીમાં જે રીતે કરારી હારનો સામનો કર્યો ત્યાર બાદ, થોડા સમય પહેલા પણ ઠાકોરના સૂર બદલાયેલા જોવા મળ્યા હતા. એટલે ઠાકોર કોઈ પ્રકારે 'કૈકૈયી'નાં વચન જેવું પોતાની ટીકીટ માટે કરે છે કે કેમ ? બીજું, અલ્પેશ ઠાકોરની ભલામણ કેટલી માન્ય રહેશે ભાજપમાં ? તે પર પણ પ્રશ્નાર્થ છે. 

કોંગ્રેસમાં જગદીશ ઠાકોર પ્રદેશ પ્રમુખ છે. એટલે સમાજના નવલોહિયાને પોતાના તરફ વાળવા તે પણ પ્રયાસ ચોક્કસ કરશે. એટલે જૂનો મરતબો, મોભો, માન-સન્માન અને ખાસ તો ટીકીટ     
મળે એટલે અર્ધો જંગ જીત્યા બરાબર છે. આ કેસમાં ચૂંટણીની તારીખ આવતા જ બંને પાર્ટીઓ પોતાના ઉમેદવારો મુકશે એટલે 'સમાજ નીતિની તસ્વીર બિલ્લોરી કાચ જેવી સ્પષ્ઠ થશે. 

ટૂંકમાં કહીએ તો, સમાજ નામની તુંબડીના સહારે વિધાનસભાની વૈતરણી પાર કરનારા સક્રિય થયા છે. જે એક રીતે રાજકીય પાર્ટીઓ માટે પણ 'પ્રેશર ટેક્ટિકટ' છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ