ગુજરાત વિધાનસભાની બંને તબક્કાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને તમામ ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ છે. 8 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. પરંતુ મત ગણતરીને હજુ છત્રીસ કલાકની વાર છે, ત્યારે રાજ્યમાં વિવિધ સ્થળે કેવી રીતે થઈ રહી છે ઈવીએમની સુરક્ષા અને ચૂંટણી પંચ મતગણતરીની કેવી કરી રહ્યું છે તૈયારી જોઈએ, હવે માત્ર ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે.
ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ
ગુજરાત વિધાનસભાની બંને તબક્કાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને તમામ ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ છે. 8 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે ત્યારે અમદાવાદમાં મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. અમદાવાદની 21 વિધાનસભા બેઠકો પરના EVM અમદાવાદ ખાતેના 3 કાઉન્ટિંગ સેન્ટરોના સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવ્યા છે. ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ, એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ ખાતે મતદાન ગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ ખાતે 6 વિધાનસભા, એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે 8 વિધાનસભા અને ગુજરાત કોલેજ ખાતે 7 વિધાનસભાની મતગણતરી હાથ ધરાશે. આ ત્રણ સેન્ટર પર 41 સ્ટ્રોંગ રૂમ, 23 કાઉન્ટિંગ રૂમ અને મોનીટરીંગ માટે CCTV કંટ્રોલ રૂમ ઉભા કરાયા છે. CCTV કંટ્રોલ સેન્ટર ખાતે કર્મચારીઓ સતત તમામ સ્ટ્રોંગ રૂમની બહાર નજર પણ રાખી રહ્યાં છે. સાથે જ પોલીસ અને અર્ધ લશ્કરી દળો પણ તહેનાત કરવામાં આવ્યા છે.
ઇવીએમની સુરક્ષામાં જવાનો તહેનાત
રાજકોટ જિલ્લામાં મતગણતરીને લઇ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, રાજકોટ જિલ્લાની 8 બેઠકની મત ગણતરી કણકોટ કોલેજમાં કરવામાં આવશે. જે માટે કણકોટ ઈજનેર કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો આ તરફ મોરબી જિલ્લામાં પણ મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ ચૂંટણી વિભાગ દ્વારા ઇવીએમ મશીનોને સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવામાં આવ્યા છે. જેની સુરક્ષમાં પોલીસ અને સુરક્ષાદળોના જવાનો તહેનાત છે. આગામી ગુરૂવારે મોરબી પોલિટેકનિક કોલેજમાં મતદાનની મતગણતરી કરવામાં આવશે તેના માટે ચૂંટણી વિભાગ દ્વારા અત્યારથી જ તૈયારી કરી દેવામાં આવી છે.
8 ડિસેમ્બરે મતગણતરી
બનાસકાંઠામાં બીજા તબક્કાના મતદાન બાદ તમામ ઇવીએમ મશીનને જગાણા એન્જિનિયર કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવામાં આવ્યા છે. આ ઈવીએમ મશીન જ્યાં રાખવામાં આવ્યા છે તે જગ્યાએ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. સુરક્ષા દળનાં જવાનો સીઆરપીએફ પોલીસ જવાનો ખડેપગે હાલ સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. આમ સમગ્ર ગુજરાત હવે આઠ તારીખની રાહ જોઈ રહ્યું છે. જ્યારે ઇવીએમ ખૂલશે ત્યારે માત્ર ઉમેદવારોનું જ નહીં રાજ્યના નાગરિકોનું પણ ભવિષ્ય જાણવા મળશે તે નક્કી છે.