5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન; 833 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય EVMમાં થશે કેદ, 764 પુરૂષ અને 69 મહિલા ઉમેદવારો ચૂંટણી મેદાને
5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન
14 જિલ્લાની 93 બેઠકો પર થશે મતદાન
833 ઉમેદવારો ચૂંટણી મેદાનના જંગમાં
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પ્રચાર પડઘમ શાંત થયો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત તમામ રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ અને ઉમેદવારો જાહેર સભાઓ, રેલીઓ, ગજવીને છેલ્લી ઘડી સુધીના પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવીને મતદારોને રીઝવવા માટે પ્રયાસો કર્યા બાદ હવે ચૂંટણી પ્રચારની મુદત પૂરી થઇ છે. જેને લઇને હવે ઉમેદવારોને વિજયી બનાવવા માટેની સભા યોજી શકાશે નહીં, કે પછી કોઈ પણ પાર્ટી જાહેરમાં પ્રચાર નહીં કરી શકે ત્યારે ડોર-ટુ-ડોર, ખાટલા મિટિંગ, ટેલિફોનિક કોન્ટેક્ટ જેવો પ્રચાર હાઇ લેવલે ચાલુ રહેશે. બીજા તબક્કામાં 764 પૂરૂષ અને 69 મહિલા ઉમેદવારો મેદાને ઉતર્યા છે.
બીજા તબક્કામાં 833 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં
બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન યોજાશે જેમાં કુલ 833 ઉમેદવારો ચૂંટણી મેદાનની જંગમાં ઉતર્યા છે જેમાં 764 પૂરૂષ અને 69 મહિલા ઉમેદવારો સમાવેશ થાય છે. 26 હજાર 409 મતદાન મથકો પર મતદાન થશે જેમાં 8,533 શહેરી મતદાન મથકો અને 17 હજાર 876 ગ્રામ્ય વિસ્તારમા મતદાન મથકો છે. બીજા તબક્કામા 36 હજાર 439 બેલેટ યુનિટનો ઉપયોગ થશે અને 36 હજાર 439 કંટ્રોલ યુનિટનો ઉપયોગ થવાનો છે.
40 હજાર 434 વીવીપેટનો ઉપયોગ થશે
બીજા તબક્કામાં 40 હજાર 434 વીવીપેટનો ઉપયોગ થશે તેમજ 29,062 પ્રિસાઈડિંગ ઓફિસર્સ ફરજ પર ખડેપગે રહેશે. તેમને જણાવી દઈએ કે, 14 જિલ્લાના 2 કરોડ 51 લાખ 58 હજાર 730 મતદારો છે જેમાં 1 કરોડ 29 લાખ 26 હજાર 501 પુરુષ મતદારો અને 1 કરોડ 22 લાખ 31 હજાર 335 મહિલા મતદારો છે.
1 લાખ 13 હજાર કર્મચારીઓ ખડેપગે રહેશે
બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન પ્રક્રિયા યોજાશે.ત્યારે ચૂંટણી પંચે મહાતૈયારી પૂર્ણ કરી છે. બીજા તબક્કાની તૈયારી અંગે માહિતી આપતા મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ કહ્યું કે ચૂંટણી પંચે વિશેષ તૈયારી પૂર્ણ કરી છે. મતદાન દરમિયાન કુલ 1 લાખ 13 હજાર કર્મચારીઓ ખડેપગે રહેશે. તેમજ 37 હજાર 432 બેલેટ અને 36 હજાર 157 કંટ્રોલ યૂનિટનો ઉપયોગ કરાશે. એટલું જ નહીં 13 હજાર 319 મતદાન મથકો પર વેબ કાસ્ટીંગ કરાશે. તો મતદાન સમયે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવાઇ છે.