Gujarat Rain news : આજે સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધીમાં 23 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ચોર્યાસીમાં 3 ઈંચ, ખાંભામાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે.
આજે રાજ્યના 23 તાલુકામાં વરસાદ
ચોર્યાસીમાં 3 ઈંચ, ખાંભામાં 2 ઈંચ વરસાદ
વંથલીમાં પોણો ઈંચ, ઉનામાં પોણો ઈંચ
Gujarat Rain : ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. મેઘરાજાએ કેટલાક વિસ્તારોમાં ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં છે. જો કે, એક બે દિવસથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પર થોડી બ્રેક લાગી હોય તેવું પણ લાગી રહ્યું છે. ભરૂચ, ડાંગ, અંબાજી, અમરેલી સહિતના પંથમાં વરસાદ વરસ્યો છે. આજે રાજ્યના 23 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
રાજ્યના 23 તાલુકામાં વરસાદ
આજે સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધીમાં 23 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ચોર્યાસીમાં 3 ઈંચ, ખાંભામાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. વંથલીમાં પોણો ઈંચ, ઉનામાં પોણો ઈંચ તેમજ સુરતમાં અડધો ઈંચ, વાગરામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. અંકલેશ્વરમાં અડધો ઈંચ, તાલાળામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે
ખાંભા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ
અમરેલીના ખાંભા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. નાના વિસાવદર, નાની ધારી, લાસા ગામમાં વરસાદ નોંધાયો છે. તાતણિયા,ઉમરિયા સહિત ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. નાના વિસાવદર ગામની સ્થાનિક નદીમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે.
ભરૂચમાં સતત બીજા દિવસે વરસાદી
ભરૂચ અને અંકલેશ્વરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો છે. પહેલા પૂર અને હવે મેઘરાજાની ધબધબાટી લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
અંબાજીમાં વરસાદ
ભાદરવી પૂનમના મહામેળાનો આજે ત્રીજો દિવસ છે. ત્રીજા દિવસે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના દાંતા, પાલનપુર અને વડગામ વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે. વરસાદી માહોલમાં પણ ભક્તો માના ધામમાં પહોંચવા માટે ઉત્સાહથી આગળ વધી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં ભાદરવી પૂનમના મેળામાં છ લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી છે.
5 દિવસ હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી 5 દિવસ હળવા વરસાદની આગાહી છે. 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે. જ્યારે સુરત, ભરૂચ, સૌરાષ્ટ્ર, કચ્છમાં છુટોછવાયો વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત અમરેલી, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠામાં હળવો વરસાદ રહેશે. હાલ વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી.