Gujarat women's team history by the champion in the 24th National Youth Volleyball Championship.
ગૌરવ /
ગુજરાતના આ એક જ ગામની 6 દીકરીઓ રાજ્યની વોલીબોલ ટીમની ખેલાડી, રાષ્ટ્રીય કક્ષાએ નામ કર્યું રોશન
Team VTV09:37 PM, 21 May 22
| Updated: 10:28 PM, 21 May 22
24મી નેશનલ યુથ વોલીબોલ ચેમ્પિયનશીપમાં ગુજરાતની મહિલા ટીમે ચેમ્પિયન બની ઇતિહાસ રચ્યો છે.
24મી નેશનલ યુથ વોલીબોલ ચેમ્પિયનશીપમાં જીત હાંસલ કરી
ઈતિહાસમાં પ્રથમવાર ગુજરાતની મહિલા ટીમ બની ચેમ્પિયન
વર્ષના 365 દિવસ સરખડી ગામે વૉલીબોલની પ્રેક્ટીસ કરતાં 300 ખેલાડીઓ
જ્યાં દીકરા-દીકરીમાં કોઈ ભેદભાવ નથી, જ્યાં દીકરીને દીકરા કરતા સવાઈ માનવામાં આવે છે, એવું જ ગામ એટલે કે, ગીર સોમનાથનું સરખડી ગામ જ્યાંની 6 દીકરીઓએ ઈતિહાસ રચી દીધો છે. કારણ કે, 24મી નેશનલ યુથ વોલીબોલ ચેમ્પિયનશીપમાં ઈતિહાસમાં પ્રથમવાર ગુજરાતની મહિલા ટીમ ચેમ્પિયન બની છે. ગુજરાતની આ ટીમમાં ગીરસોમનાથ જિલ્લાની 7 ખેલાડીઓનો સમાવેશ થયો હતો. જેમાં ગૌરવની વાત એ છે કે 6 ખેલાડી માત્ર સરખડી ગામની જ હતી.
દરરોજ 300 ખેલાડીઓ કરે છે પ્રેક્ટીશ
ઘણા લોકોને એવો સવાલ થતો હશે કે, વોલીબોલ ટીમમાં માત્ર એક જ ગામની 6 ખેલાડીઓની પસંદગી કેવી રીતે થઈ? તમને જણાવી દઈએ કે, ગીર સોમનાથ જિલ્લાના સરખડી ગામે વર્ષના 365 દિવસ મેદાનમાં 300 ખેલાડીઓ વૉલીબોલની પ્રેક્ટીસ કરે છે. જેમાં માત્ર 200 ખેસાડી તો મહિલાઓ જ છે. છેલ્લા 35 વર્ષમાં આ ગામના ખેલાડીઓએ નેશનલ અને ઈન્ટરનેશનલ કક્ષાએ પોતાનું યોગદાન આપ્યું છે અને ગુજરાતની સાથે-સાથે દેશનું નામ રોશન કર્યું છે.
ઈન્ટરનેશનલ લેવલે ગુજરાતનું નામ રોશન કરવાની ઈચ્છા
ઉલ્લેખનીય છે કે કોઈને આશા ન હતી કે આ ટીમે ફાઇનલ મેચમાં મજબૂત ગણાતી કેરલની ટીમને પણ 3-0 થી પરાજય આપશે. પરંતુ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ગુજરાતનું એકહથ્થુ પ્રભુત્વ જોવા મળ્યું હતું અને પ્રથમ વખત આ દીકરીઓએ નેશનલ યુથ વોલીબોલ ચેમ્પિયનશીપમાં જીત હાંસલ કરી ગુજરાતનું નામ રોશન કર્યું છે. કદમ અસ્થિર હોય તેને રસ્તો નથી મળતો અને અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. આ કહેવતને રસખડી ગામની દીકરીઓએ સાર્થક કરી છે. આગામી સમયમાં આ દીકરીઓ ઈન્ટરનેશનલ લેવલે ગુજરાતનું નામ રોશન કરવાની ઈચ્છા ધરાવે છે.