ઈલેક્શન 2022 /
છેલ્લી ઘડીએ કોંગ્રેસે ચૂંટણીમાં નાંખ્યો હુકમનો એક્કો! CM ફેસને લઈને જુદા-જુદા નિવેદનો, વૉટર્સને અસર પડશે?
Team VTV06:14 PM, 03 Dec 22
| Updated: 06:32 PM, 03 Dec 22
કોગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના ચૂંટણીના ઓર્બ્ઝવર અશોક ગેહલોતે છેલ્લી ઘડીએ મોટી ચાલ ચાલી છે. મુખ્યમંત્રી ચહેરાને લઈને કોંગ્રેસના નેતાઓના જુદા-જુદા નિવેદનો સામે આવી રહ્યા છે.
ગુજરાતમાં કોંગ્રેસે છેલ્લી ઘડીએ ચાલી મોટી ચાલ
CM ફેસને લઈને કોંગ્રેસના નેતાઓના જુદા-જુદા નિવેદનો
જગદીશ ઠાકોર અને નવઘણજી ઠાકોરે તો નામ લઈને આપ્યું નિવેદન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનની ઘડીઓ ગણાઈ રહી છે. એવામાં ગઈકાલથી મીડિયામાં સમાચાર ચાલી રહ્યા છે કે ગુજરાત કોંગ્રેસ જ્ઞાતિનું કાર્ડ રમવા જઈ રહ્યું છે. કોંગ્રેસ દ્વારા નિર્ણય લેવાયો છે કે જો તેમની ગુજરાતમાં સરકાર બની તો OBC ચહેરો મુખ્યમંત્રી હશે. આ ઉપરાંત ગુજરાતમાં એક-બે નહીં ત્રણ નાયબ મુખ્યમંત્રી હશે. જે SC, ST અને અલ્પસંખ્યક સમુદાયમાંથી હશે. જેના પર કોંગ્રેસના નેતાઓના નિવેદનો આવી રહ્યા છે.
કોંગ્રેસે છેલ્લી ઘડીએ ચાલી મોટી ચાલ
ભાજપ દ્વારા મુખ્યમંત્રીને ચહેરા તરીકે ભૂપેન્દ્ર પટેલને જાહેર કર્યા છે. ત્યારે આપ દ્વારા ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા હજુ સુધી મુખ્યમંત્રી ચહેરો જાહેર કરવામાં આવ્યો નથી. એવામાં ગઈકાલના મીડિયામાં સમાચાર ચાલી રહ્યા છે કે, કોગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના ચૂંટણીના ઓર્બ્ઝવર અશોક ગેહલોતે છેલ્લી ઘડીએ મોટી ચાલ ચાલી છે.
8મી તારીખે ચિત્ર થઈ જશે સ્પષ્ટ
એવામાં કોંગ્રેસ પાર્ટીના નેતાઓ દ્વારા આપવામાં આવી રહેલા નિવેદનો દ્વારા એવું લાગી રહ્યું છે કે જ્ઞાતિઓના વોટ પોતાની તરફ ખેંચવા માટે એક ખાસ રણનીતિ હેઠળ આ બધુ બોલાઈ રહ્યું હોય. ગુજરાતમાં OBC વોટ બૅન્ક ખૂબ મોટી છે, ભૂતકાળમાં પણ કોંગ્રેસ દ્વારા OBC મતદારો માટે આ જ પ્રકારની લોભામણી જાહેરાતો કરવામાં આવી હતી. આટલું જ નહીં પોતાની ફિક્સ વોટબૅંક અલ્પસંખ્યકને પણ કોંગ્રેસ અત્યારથી જ DyCMનું પદ બતાવી રહી છે. આમ આદિવાસી અને OBC સમુદાયના મતદારો CM માટે આકર્ષાઈ કોંગ્રેસ તરફી વોટ કરે છે કે નહીં તે તો આઠમી તારીખે જ ખબર પડશે.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું નિવેદન
મીડિયામાં ચાલી રહેલા આ સમાચારને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે સમર્થન આપ્યું છે. વડગામમાં યોજાયેલી જાહેરસભામાં સ્ટેજ પરથી જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, 'આજે મેં ટીવીમાં જોયું કે તેમાં ચાલતું હતું કે કોંગ્રેસના મુખ્યમંત્રી અને ત્રણ નાયબ મુખ્યમંત્રીને એવું, શું ખોટું છે એમાં?, આ અમારો નાયબ મુખ્યમંત્રી બને એવો નહીં?, અમારે પેલો અનંત પટેલ આદિવાસી આખા ગુજરાતની પોલીસ અને ભાજપ સામે લડે છે, એવો કદાચ ગુજરાતનો આદિવાસી મુખ્યમંત્રી બનતો હોય તો ચમ પેટમાં તેલ રેડાય છે. છેલ્લે છેલ્લે મીડિયામાં જે કંઈ ચાલી રહ્યું છે એ ભગવાન સાચુ કરે એવું દેખાઈ રહ્યું છે.'
મુખ્યમંત્રી ચહેરાને લઈને નવઘણજી ઠાકોરનું નિવેદન
તો નવઘણજી ઠાકોરે પણ આડકતરી રીતે અમિત ચાવડા CM તરીકેનું નિવેદન આપ્યું છે. આણંદના આંકલાવમાં અમિત ચાવડાના સમર્થનમાં જાહેરસભા યોજાઈ હતી. જેમાં નવઘણજી ઠાકોરે OBC ચહેરો કોંગ્રેસના CM હોવાના સંકેત આપ્યા હતા. સ્ટેજ પરથી માઈકમાં નવઘણજી ઠાકોરે જણાવ્યું હતું કે, 'અમિત ચાવડાને તમે 2012માં જીતાડ્યા હોય, 2017માં જીતાડ્યા હોય પણ 2022ની વિધાનસભા એ નિર્ણાયક ભૂમિકાવાળી છે. એટલે તમને હું વિનંતી કરવા આવ્યો છું કે દર વખતે તમે ધારાસભ્ય બનાવવા માટે મતદાન કરતા હતા, પરંતુ પાંચમી તારીખનું મતદાન તમે એટલા માટે કરો છો કે ગુજરાતમાં અમિત ચાવડાનું નામ હશે ટીવી ઉપર અને તમારી વિધાનસભાના કાર્યકરોને તો મજા પડી જવાની છે. આખું ગુજરાત તમને પૂછવા આવશે કે આ વિધાનસભામાં અમિતભાઈના ખાસ માણસ કોણ છે, અમારે મળવું છે સચિવાલય જવું છે, તમારો એવો સમય આવવાનો છે. '
કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનું નિવેદન
કોંગ્રેસના રઘુ શર્માએ પણ એક નિવેદન આપ્યું છે. જેમાં રઘુ શર્માએ કહ્યું છે કે, મુખ્યમંત્રી તરીકે OBC નેતા અને 3 નાયબ મુખ્યમંત્રીની હશે. ભૂતકાળમાં અમારા આદિવાસી, ઓબીસી મુખ્યમંત્રી પણ રહ્યા છે. તમામ સમાજને કોંગ્રેસ પર વિશ્વાસ છે અને મુખ્યમંત્રી કોંગ્રેસ નક્કી કરે છે. સરકાર બન્યા બાદ મુખ્યમંત્રી અંગે નિર્ણય લેવામાં આવશે. ત્યારે ધારાસભ્ય દળની બેઠકમાં ગુજરાતમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી કોને બનાવવા તે પાર્ટી નક્કી કરશે તેવું રઘુ શર્માએ જણાવ્યું હતું.