uddhav thackeray attends national executive committee meeting at shiv sena bhavan
મહારાષ્ટ્ર /
તાકાત હોય તો પોતાના બાપના નામે વોટ માંગો: શિંદે પર ફૂટ્યો ઠાકરે-રાઉતનો ગુસ્સો
Team VTV04:39 PM, 25 Jun 22
| Updated: 04:52 PM, 25 Jun 22
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટની વચ્ચે શિવસેના પોતાના અસલી તેવરમાં જોવા મળી રહી છે અને બળવાખોર ધારાસભ્યોને ચેલેન્જ આપી છે.
મહારાષ્ટ્ર્માં રાજકીય સંકટ વચ્ચે શિવસેના એક્શનમાં આવી
પાર્ટી પોતાના અસલી તેવરમાં દેખાઈ
એકનાથ શિંદે પર ગુસ્સો ઠાલવ્યો
મહારાષ્ટ્રમાં ઉઠી રહેલા રાજકીય વંટોળ બાદ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પોતાની તૂટતી પાર્ટીને બચાવવાની મથામણમાં લાગેલા છે, આ જ ક્રમમાં તેમણે દાદર સ્થિત શિવસેના ભવનમાં રાષ્ટ્રીય કાર્યકારિમીની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં જ્યારે તેઓ પહોંચ્યા તો, સમર્થનમાં શિવસૈનિકોએ જોરદાર અંદાજમાં નારા લગાવ્યા હતા. ઉદ્ધવે પણ હાથ ઉઠાવીને અભિવાદન ઝીલ્યું હતું. બેઠકમાં શિવસેનાથી બળવો કરીને ગુવાહટીમાં બેઠેલા એકનાથ શિંદે જૂથ વિરુદ્ધ પાર્ટીએ આકરા નિર્ણયો લીધા છે. ઉદ્ધવે કહ્યું કે, એકનાથ હવે દાસ બની ગયા છે. પાર્ટીના તમામ નિર્ણયો લેવાનો અધિકાર ઉદ્ધવ ઠાકરે પાસે જ રહેશે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, શિંદેમાં જો દમ હોય તો, પોતાના બાપના નામ પર વોટ માગીને દેખાડે. અત્યાર સુધી તેને શિવસેના અને બાલા સાહેબ ઠાકરેના નામ પર વોટ મળ્યા છે. બીજી બાજૂ શિંદેના સાંસદ દિકરા શ્રીકાંત શિંદેની ઓફિસમાં પણ તોડફોડ કરવામાં આવી છે. આ ઓફિસ થામણે જિલ્લાના ઉલ્હાસનગરમાં આવેલી છે.
બળવાખોર ધારાસભ્યોને નોટિસ
બળવાખોર ધારાસભ્યોની માન્યતા રદ કરવા માટે શિવસેના તરફથી ડેપ્યુટી સ્પીકરની પાસે અરજી લગાવામાં આવી હતી. જેના પર આજે ડેપ્યુટી સ્પીકરે તમામ બળવાખોર 16 ધારાસભ્યોને નોટિસ મોકલી છે. આ નોટિસનો જવાબ તેમને સોમવારે સાંજે 5 વાગ્યા સુધી પોતાના સત્તાવાર ઈમેલ આઈડી પરથી આપવાનો રહેશે. જો તેઓ જવાબ નહીં આપે તો, તેમને હાજર થવું પડશે.
ઉદ્ધવ ઠાકરેના શિંદે પર પ્રહાર
સેના ભવન પર શિવ સૈનિકોને સંબોધન કરતા ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદે પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, એકનાથ શિંદેને અમે મોટી જવાબદારી આપી હતી. બાલાસાહેબ ઠાકરેના નામ વગર વોટ માગી બતાવે. શિવસેના બાલાસાહેબ ઠાકરેની હતી અને તેમની જ રહેશે. શિવસેના મરાઠી અસ્મિતા અને હિન્દુત્વ માટે લડતી રહેશે. તેમણે કહ્યુ કે, મારા પિતા નહીં પણ પોતાના બાપના નામ પર વોટ માગીને બતાવો. ઉદ્ધવે કહ્યું કે, પહેલા નાથ હતાં, પણ હવે દાસ બની ગયા છે.
બેઠકમાં આ પ્રસ્તાવ પાસ કર્યા
શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠકમાં આ પ્રસ્તાવ પાસ કર્યો છે કે, તમામ પ્રકારના નિર્ણયો લેવાનો અધિકાર પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પાસે રહેશે.
બેઠકમાં એક એવો પણ પ્રસ્તાવ પસાર કર્યો છે કે, શિવસેના અને બાલાસાહેબના નામનો ઉપયોગ કોઈ કરી શકશે નહીં.
બેઠકમાં ત્રીજો પ્રસ્તાવ એવો પાસ કર્યો છે કે, પાર્ટીથી ગદ્દારી કરનારા વિરુદ્ધ કાર્યવાહી કરવાનો પુરેપુરો અધિકાર પાર્ટી પ્રમુખને રહેશે.