ત્રિપુરામાં અગરતલા મહાનગર પાલિકા અને અન્ય નગર પાલિકા ચૂંટણીઓની 334માંથી 329 બેઠકો પર ભાજપની જીત થઇ છે. 112 બેઠકો પર ભાજપ અગાઉ જ બીનહરિફ જીતી ચૂક્યું છે.
ત્રિપુરા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની મોટી જીત
મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થઇ હતી. અગરતલા મહાનગરપાલિકા અને 19 અન્ય નગર પાલિકા અને તાલુકા પંચાયતો માટે મતદાન ગણતરી થઇ છે. આ ચૂંટણીઓમાં ભાજપ, ટીએમસી અને માકપા વચ્ચે છે.
અગરતલાની તમામ બેઠકો ભાજપે જીતી
ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મોટી જીત મેળવી છે. અગરતલાની વાત કરીએ તો ભાજપે અહીંની તમામ 51 બેઠકો પોતાના નામે કરી લીધી છે. આ સાથે જ અન્ય શહેરી સ્થાનિક ચૂંટણીઓમાં પણ ભાજપ મોટી જીત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે, વિપક્ષી દળ ટીએમસી અને સીપીઆઈ અગરતલા મ્યુનિસિપલ ચૂંટણીમાં પોતાનું ખાતુ પણ ન ખોલી શક્યા.
ભાજપે ત્રિપુરા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિપક્ષના સૂપડા જ સાફ કરી દીધા છે. અગરતલા સહિત 14 ચૂંટણીઓમાં ભાજપે કુલ 334 વોર્ડ્સમાંથી 329 વોર્ડ્સ પર કબજો કરી લીધો છે. કુલ 334 બેઠકોમાંથી 22 પર 25 નવેમ્બરે મતદાન થયું હતું. જેમાંથી 217 બેઠકો પર ભાજપે જીત મેળવી છે, જ્યારે 112 પર ભાજપના ઉમેદવારો બીનહરિફ ચૂંટાઇ આવ્યા છે.
રાજ્ય ચૂંટણી આયોગના અનુસાર, ભાજપ 15 બેઠકો વાળી ખોવાઈ નગર પાલિકા, 17 બેઠકો વાળી બેલોનિયા નગર પાલિકા, 15 બેઠકો વાળી કુમારઘાટ નગર પાલિકા અને 9 બેઠકો વાળી સબરૂમ જિલ્લા પંચાયતના તમામ વોર્ડ પર ભગવો લહેરાવવામાં સફળ રહી છે. ભાજપે ધર્મનગર નગર પંચાયત, તેલિયામુરા નગર પાલિકા અને અમરપુર જિલ્લા પંચાયતમાં પણ ક્લીન સ્વીપ કર્યું છે.
ચૂંટણી અધિકારીઓના અનુસાર, સોનમુરા જિલ્લા પંચાયત અને મેલાઘર જિલ્લા પંચાયતમાં પણ ભાજપે તમામ 13 બેઠકો પર જીત મેળવી છે. ભાજપે જિરાનિયા જિલ્લા પંચાયતને પણ જીતી લીધી છે. ભાજપે અંબાસા નગર પાલિકાની 12 બેઠકો પર જીત મેળવી છે, અહીં TMC અને CPI-Mએ એક-એક બેઠક જીતી છે. અહીં એક બેઠક અપક્ષી ઉમેદવારને પણ મળી છે.