સત્યનો વિજય /
આજે વિજયાદશમીનું મહાપર્વ, ઠેર ઠેર રાવણદહનના કાર્યક્રમોનું આયોજન, લોકો ફાફડા-જલેબી લેતા પહેલા આ જરૂર વાંચે
Team VTV12:05 AM, 05 Oct 22
| Updated: 12:10 AM, 05 Oct 22
આસુરી શક્તિ પર શૂરી શક્તિના વિજયી પરંપરાને વધાવતું પર્વ એટલે વિજયાદશમી. આ પર્વએ આત્મશુદ્ધિનું મહાપર્વ છે.
આજે વિજયાદશમીનો પર્વ
લોકો ફાફડા-જલેબીની જયાફત માણશે
ક્યાંક રાવણદહન થશે તો ક્યાંક મો મીઠું કરવાની પરંપરા
નવરાત્રિ પૂરી થાય એટલે વિજયાદશમીની તૈયારીઓ શરૂ થઇ જાય છે. દશેરાના દિવસે ઠેર ઠેર રાવણને દહન કરવા માટે વિવિધ જગ્યાએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આજે શમીપૂજન, શસ્ત્રપૂજા જેવા કાર્યક્રમો કરવામાં આવશે. ગુજરાતી પંચાંગ મુજબ આસો માસની સુદ દસમને દિવસે એટલે આજે વિજયાદશમી મનાવવામાં આવે છે. સુરત શહેરમાં રાવણદહનની તૈયારીયો ચાલી રહી છે. કેમકે પૌરાણિક કથાઓનાં હિસાબે આજે સત્યની વિજય થઈ છે. અને અસત્યનો પરાજય. અમદાવાદ શહેરમાં ફાફડા જલેબીની જયાફત અને હર્ષોલ્લાસ સાથે આ તહેવારની ઉજવણી કરાય છે. તો રાજકોટમાં લોકો એકબીજાનો મોં મીઠું કરાવી વિજયાદશમીની ધૂમધામથી ઉજવણી કરતા હોય છે.
મીઠાઈ- ફરસાણના ભાવ 20 થી 30 ટકા મોંઘા
આજે રાજ્ય સહીત દેશભરમાં દશેરાની ઉજવણી કરવામાં આવશે. ત્યારે આ દરમિયાન તમામ શહેરોમાં મીઠાઈ, ફરસાણ આરોગી આ પર્વની ઉજવણી કરવામાં આવે છે. જેથી ફરસાણના વેપારીઓને ત્યાં ફાફડા જલેબીની ખરીદી માટે ભીડ ઉમટતી હોય છે. તેવામાં આ વર્ષે મોંઘવારીનો ડામ લાગતા ગત વર્ષની સરખામણીએ મીઠાઈ- ફરસાણના ભાવ 20 થી 30 ટકા સુધીના વધ્યા છે.
મીઠાઈ ખરીદવા લોકોની પડાપડી
તેલના ભાવમાં વધારો થતાં ભાવ વધ્યા છે. હાલ બજારમાં ફાફડા 650થી 800 અને જલેબી 700થી 960ના કિલોના ભાવમાં વેચાઈ રહી છે. બીજી તરફ અમદાવાદમાં ફાફડા-જલેબીમાં ભાવ વધારો હોવા છતા અત્યારથી જ લોકો લાઇનમાં લાગી ગયા છે. બીજી બાજુ રાજકોટમાં પણ વિજયાદશમી પહેલા મીઠાઈ ખરીદવા લોકોની પડાપડી થઇ રહી છે અને વિજયાદશમી નિમિતે બજારમાં પણ અવનવી મીઠાઈ આવી ગઇ છે. રાજકોટની બજારમાં 500 રૂપિયાથી માંડીને 10 હજાર સુધીની મીઠાઈ વહેંચાઈ રહી છે. ડેરીમાં મીઠાઈ ખરીદવા લોકોની જબરી ભીડ જામી છે.
લોકો એડવાન્સમાં આપી રહ્યા છે ઓર્ડર
વડોદરામાં પણ દશેરાને લઇ વેપારીઓ ફાફડા જલેબી બનાવવામાં જોતરાયા છે. તો વડોદરામાં ફાફડા જલેબીમાં ચાલુ વર્ષે એક કિલોએ 30 રૂપિયાનો વધારો થયો છે. ફાફડાના એક કિલોના 480 રૂ,જ્યારે ઘીની જલેબી એક કિલોના 560 માં વેચાઈ રહી છે. આવતીકાલે વડોદરા શહેરમાં કરોડો રૂપિયાના ફાફડા જલેબી લોકો આરોગશે. જેને લઇને લોકો દુકાને કાલ માટે એડવાન્સમાં પણ ઓર્ડર આપી રહ્યા છે.
જામનગરમાં વિજયા દશમી મહોત્સવની ઉજવણી કરાશે
વધુમાં જામનગર સિંધી સમાજ દ્વારા આવતીકાલે રાવણ દહન સાથે વિજયા દશમી પર્વની ઉજવણી કરવામાં આવશે . જામનગરના હિરજી મિસ્ત્રી રોડ ખાતે પ્રણામી શાળા પાસેના મેદાનમાં રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરમાં સિંધી સમાજ દ્વારા પરંપરાગત રીતે નવરાત્રી પર્વની ઉજવણી કર્યા બાદ આજે હવે વિજયા દશમી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે રાવણ દહનનો કાર્યક્રમ પ્રદર્શન ગ્રાઉન્ડના બદલે પ્રણામી શાળા પાસેના મેદાનમાં આયોજન કરવામાં આવ્યું છે. સૌ પ્રથમ શહેરના નાનકપુરી ખાતેથી રામસવારી યાત્રાનો પ્રારંભ થશે . જે પવનચક્કી , હવાઇ ચોક , બર્ધનચોક , ચાંદીબજાર સહિતના શહેરના રાજમાર્ગો પર થઇ પ્રણામી ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થશે . જ્યાં રાવણ દહન કાર્યક્રમ યોજાશે.
સુરતમાં પણ રાવણદહનનું આયોજન
ઉપરાંત સુરતમાં પણ રાવણદહનનું આયોજન કરવામાં આવ્યું છે. જેની તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. રામલીલા સમિતિ દ્વારા રાવણ દહનની તૈયારીને આખરી ઑપ આપવામાં આવી રહ્યો છે. આજે વેસુ VIP રોડ ખાતે રાવણ દહન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વર્ષો બાદ સુરતમાં સફેદ ગુલાબી અને બ્લૂ રંગનો રાવણ બનાવાયો છે. જેનું રામલીલા સમિતિ દ્વારા દહન કરવામાં આવશે.
ક્યાં તમે ઝેર તો નથી ખાતાને?
હવે તહેવારોની સિઝન ચાલુ થઈ ગઈ છે. મીઠાઈ અને ફરસાણ વગર બધાને તહેવારો અધૂરા લાગે છે. જો કે સ્વાદ રસિકો તો તહેવાર અગાઉથી જ મીઠાઈની દુકાનો પર લાઈનમાં ઊભા રહી જાય છે.અમદાવાદ મહાનગર પાલિકાનો આરોગ્ય અને ફૂડ વિભાગ સફાળો જાગ્યો છે. ફૂડ વિભાગ ખાણી પીણી એકમોમાંથી સેમ્પલ લઈ રહ્યો છે. આજે અમદાવાદમાં ઓસ્વાલ ફાફડા જલેબી સહીતના એકમો પર થી ફૂડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. વિક્રેતાઓને ત્યાં ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતા મીઠાઈ ઉત્પાદકોમાં ફફડાડ વ્યાપી ગયો છે. તો આ તરફ રાજકોટના મીઠાઈ અને ફરસાણના ધંધાર્થીઓને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. રાજકોટના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલી અનેક ફરસાણની દુકાનોમાં ફૂડ સેફટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ફૂડ શાખાના અધિકારીઓ કેમિકલ દ્વારા ટેસ્ટ કરતા માલુમ પાડ્યું હતું ,કે મીઠાઈમાં સ્ટાર્ચ નો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે.
ફાફડામાં અખાદ્ય શું હોય?
કપડા ધોવાનો પાઉડરનો ઉપયોગ
ફાફડાને ચટાકેદાર બનાવવા વોશિંગ પાઉડરનો ઉપયોગ કરે છે
ખાવાના સોડા કરતા વધુ સસ્તો હોય છે વોશિંગ પાઉડર
વધુ નફો કમાવવાની લાલચે સોડાને બદલે વોશિંગ પાઉડરનો ઉપયોગ
વોશિંગ પાઉડરના ઉપયોગથી આંતરડા અને હોજરીમાં થાય છે નુકસાન
વેપારીઓ વારંવાર ઉકાળેલા તેલનો ઉપયોગ કરે છે
નવા તેલના ઉપયોગને ટાળીને એક જ તેલમાં વધુ વખત તળે છે
વારંવાર ઉકાળેલા તેલમાં તળાયેલું ફરસાણ હાનિકારક છે
વારંવાર ઉકાળેલા તેલથી શરીરમાં હાનિકારક કોલેસ્ટ્રોલ વધે છે
કોલેસ્ટ્રોલથી હૃદય રોગના હુમલાનું જોખમ વધે છે
જલેબીમાં અખાદ્ય શું હોય છે?
જલેબીમાં પણ વોશિંગ પાઉડરનો ઉપયોગ પણ થાય છે
જલેબીની ચાસણીમાં ફટકડીનો ઉપયોગ થાય છે
જલેબીને કરકરી બનાવવા થાય છે ફટકડીનો ઉપયોગ
કલરની ભેળસેળ પણ હાનિકારક નિવડી શકે
વરખના નામે પણ ભેળસેળ થતી હોય છે
કલર અને વરખમાં ભેળસેળ બીમાર પાડી શકે
સિન્થેટિક કલર શરીર માટે હાનિકારક છે
લોકોએ શું ધ્યાન રાખવું જોઇએ?
તહેવારોમાં હંમેશા જાણીતા વેપારીને ત્યાંથી ફરસાણ ખરીદવું જોઈએ. તેમજ સ્કીમ કે લોભામણી લાલચોથી દૂર રહેવું જોઇએ. સસ્તું ફરસાણ ખરીદવાની લાલચ સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઇ શકે છે. જ્યાં તાજુ ફરસાણ મળતું હોય ત્યાંથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ.