The Gujarat government opposed the release of 15 convicts.
BIG NEWS /
ગોધરાકાંડને લઈને મોટા સમાચાર: ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં આ દોષિતોના છૂટકારાનો કર્યો વિરોધ
Team VTV02:32 PM, 03 Dec 22
| Updated: 02:33 PM, 03 Dec 22
ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં ગોધરાકાંડ મામલામાં દોષિતોને જામીન આપવા પર નરમ વલણ અપનાવવાનો ઈન્કાર કર્યો હતો. સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે, ગોધરાકાંડના દોષિતોને જામીન આપવાનો સવાલ જ નથી.
ગોધરાકાંડના 15 દોષિતોના છૂટકારાનો ગુજરાત સરકારે કર્યો વિરોધ
દરેક દોષિતોની ભૂમિકાની તપાસ કરશે ગુજરાત સરકારઃ સોલિસિટર
SCએ ગુજરાત સરકારને રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું
ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં વર્ષ 2002ના ગોધરાકાંડમાં પથ્થરમારો કરનારાઓમાંથી 15 દોષિતોના છૂટકારાનો વિરોધ કર્યો છે. સરકારે પથ્થરબાજોની ભૂમિકાને ગંભીર ગણાવી છે. અહીં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, આ માત્ર પથ્થરમારાનો કેસ નથી. પથ્થરમારાના કારણે સળગતી બોગીમાંથી 59 પીડિતો બહાર નીકળી શક્યા ન હતા. તેમણે કહ્યું કે, આ બદમાશોનો ઈરાદો એ હતો કે બોગીમાંથી કોઈ મુસાફર બહાર ન નીકળી શકે અને બહારથી કોઈ તેમને બચાવવા ન જઈ શકે.
SCએ ગુજરાત સરકારને રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આમાંથી કેટલાક દોષિતો પથ્થરબાજો હતા અને તેઓ જેલમાં લાંબો સમય વિતાવી ચૂક્યા છે. આવી સ્થિતિમાં કેટલાકને જામીન પર છોડી શકાય છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને ખાતરી આપી છે કે તેઓ દરેક દોષીની ભૂમિકાની તપાસ કરશે કે શું ખરેખર આમાંથી કેટલાક લોકોને જામીન પર મુક્ત કરી શકાય છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને 15 ડિસેમ્બરે આ અંગે પોતાનો રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે.
વકીલે કર્યો વિરોધ, છતાં સમય આપવા સંમત થઈ ખંડપીઠ
જોકે, સમયના અનુરોધનો અપીલકર્તાઓના વકીલ દ્વારા વિરોધ કરવામાં આવ્યો, પરંતુ ખંડપીઠ ગુજરાત સરકારને કેસની તપાસ કરવા માટે સમય આપવા માટે સંમત થઈ હતી. ખંડપીઠે જણાવ્યું કે, જો રાજ્ય પ્રસ્તાવિત કેસની તપાસ કરે છે, તો તે તમામ 15 અરજદારોને જામીન અરજી દાખલ કરવા માટે જોર આપવાની આવશ્યકતાને સમાપ્ત કરી દેશે.
11 દોષિતોને ફટકારી હતી સખત આજીવન કેદની સજા
કોર્ટ ગોધરાકાંડ મામલે દોષિતોમાંથી એક દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર વિચારણા કરી રહી હતી. ગુજરાત રમખાણો મામલે અનેક આરોપીઓની સજાને યથાવત રાખતા ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને પડકારતી સ્પેશિયલ લીવ પિટિશનોના એક બેચમાં આ અરજી દાખલ કરવામાં આવી હતી. વર્ષ 2017માં ગોધરા ટ્રેન કાંડ કેસમાં બહુવિધ અપીલોની સુનાવણી કરતી વખતે ગુજરાત હાઇકોર્ટે 31 લોકોને દોષિત ઠેરવ્યા અને 63 અન્યને નિર્દોષ જાહેર કરવાના નિર્ણયને માન્ય રાખ્યો હતો, જ્યારે 31 દોષિતોમાંથી 11ને સખત આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
એકને સુપ્રીમ કોર્ટે આપ્યા હતા જામીન
આ વર્ષે મે મહિનામાં તમામ દોષિતમાંથી એકને સુપ્રીમ કોર્ટે છ મહિનાના સમયગાળા માટે વચગાળાના જામીન આપ્યા હતા. કારણ એ હતું કે તેની પત્ની કેન્સરથી પીડિત હતી અને તેની દીકરીઓ માનસિક રીતે અશક્ત હતી. નવેમ્બરમાં કોર્ટે તેના જામીન માર્ચ 2023 સુધી લંબાવ્યા છે.