saurashtra university paper leak case latest update gujarati news
કૌભાંડ /
ચોંકાવનારો ખુલાસો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક પણ પેપરનાં સીલ તૂટ્યા ન હતા છતાં પેપર ફૂટી ગયું, લેવાઈ FSLની મદદ
Team VTV10:03 AM, 15 Oct 22
| Updated: 10:40 AM, 15 Oct 22
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક પણ પેપરનાં સીલ તૂટ્યા ન હોવા છતાં પેપર ફૂટી ગયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પેપર કોણે ફોડ્યું અને ક્યાંથી ફૂટ્યું તે રહસ્ય હજુ પણ અકબંધ છે.
સૌરાષ્ટ્ર યુનિ.માં પેપર લીકનો મામલો
પેપર કોણે લીક કર્યું તે રહસ્ય હજુ અકબંધ
એક પણ પેપરનાં સીલ તૂટ્યા ન હતા
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થવા મામલે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. આ ઘટનામાં એક પણ પેપરનાં કવરનાં સીલ તૂટ્યા ન હોવાનો ખુલાસો થયો છે. જે ખરેખર ચોંકાવનારી ઘટના કહી શકાય. ત્યારે હજુ સુધી આ મામલે પેપર કોણે ફોડ્યું અને ક્યાંથી ફૂટ્યું તે રહસ્ય હજુ પણ અકબંધ છે.
પેપર યુનિવર્સિટી અથવા તો ઓફસેટમાંથી લીક થયાની આશંકા
જોકે પેપર યુનિવર્સિટી અથવા તો ઓફસેટમાંથી લીક થયાની આશંકા સેવવામાં આવી રહી છે. આ મામલે ભક્તિનગરના PI સરવૈયાએ ખુદ યુનિવર્સિટીમાં જઈને તપાસ હાથ ધરી હતી. હાલમાં આ પેપર લીક મામલે FSLની પણ મદદ લેવાઈ છે.
BCom સેમ-5ની પરીક્ષા 18મી ઓક્ટોબરે યોજાશે
તમને જણાવી દઇએ કે, BBA અને B.COMની પરીક્ષાના પેપર લીક થયા હતા. ત્યારે BCom સેમ-5ની પરીક્ષાને લઇને ગઇકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો હતો. એટલે કે BCom સેમ-5ની પરીક્ષા 18મી ઓક્ટોબરે યોજાશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BBA અને B.Comની પરીક્ષાના પેપર લીક થયાની ઘટના સામે આવતા યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો હતો. એટલે કે હવેથી પહેલાની માફક પરીક્ષાના લાઈવ CCTV કોઈ પણ જોઈ શકશે. જોકે પરીક્ષાના લાઇવ CCTV યુનિવર્સિટીની સિસ્ટમમાં જ જોઈ શકાશે. CCTVની લાઈવ વ્યવસ્થા બાદ યુનિવર્સિટીએ રદ થયેલી B.COM સેમ 5ની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે.
પેપર QR કોડ સાથે કાઢવામાં આવશે
યુનિવર્સિટીએ પેપર લીક થતા મહત્વનો નિર્ણય લીધો હતો. BBA અને B.Comની પરીક્ષાના પેપર લીક થતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ હવેથી તમામ પરીક્ષાઓમાં પેપર QR કોડ સાથે કાઢવાનો નિર્ણય લીધો છે. આ સાથે પરીક્ષાઓમાં પ્રશ્નપત્રો હાર્ડકોપીમાં નહીં મોકલવાનો નિર્ણય લીધો છે એટલે કે હવેથી તમામ કોલેજોને પ્રશ્નપત્રો સોફટકોપીમાં મોકલવામાં આવશે.
જાણો પેપર લીકની સમગ્ર ઘટના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત કોલેજોમાં પણ પેપર પહોંચી ગયા હતા. આથી હોબાળા બાદ બન્ને પરીક્ષાના પેપરો માર્કેટમાં પહોંચવા અંગે તપાસ હાથ ધરાઇ હતી. જોકે આ ઘટનાની જાણ થતા જ પરીક્ષા નિયામક પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. આ મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પેપર ફોડનાર સામે ફરિયાદ પણ દાખલ કરાવાઇ હતી. પરીક્ષાના એક દિવસ અગાઉ પરીક્ષા કેન્દ્રો પર પેપરો મોકલાય છે. 13 ઓક્ટોબરે લેવાનારી પરીક્ષાના પેપરની કોપી 12 ઓક્ટોબરે ફરતી થઈ ગઇ હતી. ખાનગી કોલેજોના સંચાલકો રાતે જ વિદ્યાર્થીઓ પાસે પેપર લખાવતા હોવાની ચર્ચા સામે આવી હતી. જોકે પરીક્ષા નિયામકે ઘટના બાદ તાત્કાલિક પેપરો રદ કરાવ્યા હતા. તદુપરાંત પેપરલીકની આ ઘટના બાદ અમરેલી, સુરેન્દ્રનગર અને રાજકોટ ગ્રામ્યમાં લોકોએ હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થી સંગઠનો પેપર લીકની ઘટનાઓને પગલે રોડ પર ઉતરી આવ્યા હતા. પેપર લીક મામલે રાજકારણ પણ તેજ થઇ ગયું હતું.