Russia Launched 75 Missiles": Ukraine As Multiple Blasts Leave 8 Dead
યુદ્ધ /
VIDEO : ક્રીમિયા પૂલ વિસ્ફોટ બાદ રશિયાનો પિત્તો ગયો, યુક્રેનના 12 શહેરો પર 75 મિસાઈલથી એટેક, 8 લોકોના મોત
Team VTV02:44 PM, 10 Oct 22
| Updated: 02:56 PM, 10 Oct 22
રશિયાએ સોમવારે યુક્રેનના 12 શહેરો પર એકીસાથે 75 મિસાઈલ છોડતા દુનિયામાં ખળભળાટ મચ્યો છે.
3 મહિના બાદ રશિયાએ યૂક્રેનમાં હુમલા વધાર્યાં
આજે એકીસાથે 12 શહેરો પર કર્યો મિસાઈલ એટેક
અત્યાર સુધીમાં 8 લોકોના મોત
રશિયન દળોએ કીવ સહિતના શહેરોમાં છોડી 75 મિસાઈલ
ક્રીમિયા પૂલ પરના બ્લાસ્ટ બાદ રશિયા આક્રમક મૂડમાં
લગભગ 3 મહિનાના સમયગાળા બાદ રશિયાએ યૂક્રેનમાં હવે ફરી વાર ભીષણ તબાહી મચાવવાનું શરુ કર્યું છે. રશિયાએ રાજધાની કીવ સહિતના વિસ્તારોમાં ભીષણ મિસાઈલ હુમલા શરુ કરી દીધા છે. સોમવારે રશિયન દળોએ રાજધાની કીવ સહીત 12 શહેરો પર 75 મિસાઈલ છોડી હતી જેમાં અત્યાર સુધી 8 લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે. મોતનો આંકડો વધવાની પૂરી શક્યતા છે. યુક્રેનના રક્ષા મંત્રાલયે પણ ટ્વિટ કરીને જણાવ્યું કે રશિયાએ યુક્રેન પર 75 મિસાઈલ હુમલા કર્યાં છે જેમાં 41 મિસાઈલને તોડી પડાઈ છે.
This is *right* in the centre of Kyiv, beside a busy park at exactly the time when people were rushing to work. No confirmation yet on number of fatalities.
ક્રિમિયા બ્રિજ બ્લાસ્ટ બાદ રશિયા ઉગ્ર બન્યું
યુક્રેનની ગુપ્તચર એજન્સી એસબીયુના મુખ્ય મથકને પણ રશિયાએ નિશાન બનાવ્યું હોવાના અહેવાલ છે. છેલ્લા આઠ મહિનામાં રશિયાએ મોટાભાગે યુક્રેનની સૈન્ય છાવણીઓ અને વ્યૂહાત્મક ઠેકાણાઓ પર હુમલો કર્યો છે, પરંતુ કેર્ચ-બ્રિજ પર થયેલા વિસ્ફોટ બાદ યુક્રેનના રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ક્રિમિયા બ્રિજ બ્લાસ્ટ બાદ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને સીરિયામાં કાર્પેટ બોમ્બિંગ માટે મશહૂર અને સીરિયામાં યુદ્ધની હવા બદલી નાખનારા નવા જનરલ સર્ગેઇ સુરોવિચિનને યુક્રેન વિરુદ્ધ જોઈન્ટ ગ્રુપ ઓફ ફોર્સિસ ઓફ સ્પેશ્યલ મિલિટરી ઓપરેશન્સની કમાન સોંપી છે.
રશિયાના હુમલામાં ઘણા લોકો માર્યા ગયા- ઝેલેન્સકી
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું છે કે દેશભરમાં થયેલા હુમલામાં ઘણા લોકો માર્યા ગયા છે અને ઘણા ઘાયલ થયા છે. ઝેલેન્સ્કીએ કહ્યું છે કે રશિયન હુમલાઓએ યુક્રેનના ઊર્જા માળખાને નિશાન બનાવ્યું હતું. ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં જોવા મળ્યું છે કે શહેરના ઘણા ભાગોમાં કાળો ધુમાડો વધી રહ્યો છે. ક્રિમિયા બ્રિજ બ્લાસ્ટ બાદ આક્રમક પુતિને 10 ઓક્ટોબર રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક પણ બોલાવી હતી.
8 ઓક્ટોબરે ક્રીમિયાને રશિયા સાથે જોડતા પુલ પર થયો હતો ભયાનક વિસ્ફોટ
ઉલ્લેખનીય છે કે 8 ઓક્ટોબરે એઝોવ સમુદ્રને કાળા સમુદ્ર સાથે જોડતા યુરોપના સૌથી લાંબા પુલ પર પાર્ક કરેલા વિસ્ફોટક ભરેલા વાહનમાં વિસ્ફોટ થયો હતો. આ પછી પુલનો કેટલોક ભાગ બળીને ખાખ થઇ ગયો હતો. આ બ્લાસ્ટમાં ત્રણ લોકોના મોત થયાના સમાચાર છે. રશિયાનો આરોપ છે કે આ હુમલો યુક્રેનનું ષડયંત્ર છે. આ પછી રશિયા ઉગ્ર બન્યું હતું અને મિસાઈલ હુમલો ઉગ્ર બનાવ્યો હતો. આ પહેલા રશિયાએ કિવ પર છેલ્લો હુમલો 26 જૂને કર્યો હતો.