Radha Raman Temple: વ્રજધામનું એવું મંદિર કે જે વૃંદાવનનાં સપ્ત દેવાલયોમાં સમાવિષ્ટ છે એવાં રાધા રમણજીનાં મંદિરમાં આજે પણ 500 વર્ષો પહેલાં સ્વયં પ્રજ્જવલિત અગ્નિમાં જ ભગવાનનો ભોગ પકવવામાં આવે છે.
વ્રજનું રાધા રમણજી મંદિર છે રહસ્યોથી ભરપૂર
500 વર્ષો પહેલાં પ્રજ્જવલિત અગ્નિમાં જ આજે પણ બને છે ભોગ
વૃંદાવનનાં 7 દેવાલયોમાંનું એક છે રાધા રમણજી મંદિર
હરીની અનેરી લીલીઓ અને કથાઓને પોતાનામાં સમાવતું વ્રજધામ, પોતે જ એક રહસ્ય છે. અને એવું જ એક રહસ્યોથી ભરપૂર છે વ્રજનું રાધા રમણજી મંદિર ! એવું કહેવાય છે કે વ્રજમાં નિષ્કામ, નિસ્વાર્થ અને નિશ્છલ ભક્તિ કરનારાઓને 3 લોકનાં સ્વામી એવા સ્વયં નારાયણ તમને કોઈને કોઈ રૂપમાં દર્શન આપે છે. વ્રજધામમાં ભક્તિનું જીવતું જાગતું ઉદાહરણ એટલે કે રાધા રમણજી મંદિર. વૃંદાવનનાં 7 દેવાલયોમાંનું એક એવું રાધા રમણજી મંદિર, ઠાકુરનાં બિહારી મંદિરની નજીક જ આવેલું છે. આ મંદિરમાં 500 વર્ષોથી અગ્નિ પ્રગટાવવા માચિસનો ઉપયોગ નથી થયો.
રહસ્યમય છે ઠાકોરજીનું રાધા રમણજી મંદિર
રાધા રમણજીનાં મંદિરનાં પ્રવેશદ્વારની અંદર જતાં જ ઠાકોરજીની એક નાની પ્રતિમા તમને જોવા મળશે. નવાઈની વાત તો એ છે કે ઠાકોરજીની આ પ્રતિમામાં ક્યારેક તેમના દાંત પ્રગટ થાય છે તો ક્યારેક નથી દેખાતાં. બસ તેમના અધર પર હંમેશા સ્મિત જોવા મળે છે.
એક મૂર્તિમાં દેખાય છે 3 છબિઓ
રાધા રમણજી મંદિરનાં ઠાકોરજીની એક જ મૂર્તિમાં 3 છબિઓ દેખાય છે છે. માન્યતા છે કે રાધા રમણજી મંદિરની આ મૂર્તિનું મુખ ગોવિંદ દેવજી, વક્ષ સ્થળ ગોપીનાથજી અને ચરણ મદનમોહનજીની મૂર્તિ સમાન દેખાય છે.
500 વર્ષોથી માચિસનો નથી થયો ઉપયોગ
ઠાકોરજી રાધા રમણજી મંદિરની પરંપરા અનુસાર અહીં કોઈપણ કાર્ય માટે માચિસનો ઉપયોગ કરવામાં નથી આવતો. આશરે 500 વર્ષોથી અહીં અગ્નિ સ્વયં પ્રજ્જવલિત છે. માનવામાં આવે છે કે ચૈતન્ય મહાપ્રભુનાં શિષ્ય તેમજ રાધા રમણજીની મૂર્તિનાં પ્રગટ કર્તા ગોપાલ ભટ્ટ ગોસ્વામીએ આશરે 500 વર્ષ પહેલાં હવનનાં લાકડાઓને એકબીજા સાથે મંત્રોચ્ચાર કરીને ઘસ્યું હતું જેમાંથી તે સમયે અગ્નિ પ્રગટી હતી. આ હવનકુંડમાં પ્રજ્જવલિત અગ્નિમાં જ રાધા રમણજીની રસોઈનું ભોજન બનવા માંડ્યું અને આજ સુધી આ જ અગ્નિમાં ઠાકોરજીનો ભોગ પકવવામાં આવે છે.
શું છે ઈતિહાસ?
કહેવામાં આવે છે ચૈત્ન્ય મહાપ્રભુનાં શિષ્ય ગોપાલ ભટ્ટ સ્વામીની આશરે 500 વર્ષો પહેલાં તેમની અડગ ભક્તિ અને નિ:સ્વાર્થ સાધનાથી રાધા રમણજી મંદિરની મૂર્તિ પ્રગટ થઈ હતી. આચાર્ય ગોપાલ ભટ્ટ શાલિગ્રામજીની સેવા કરતાં હતાં. તેમના મનમાં એક જ ઈચ્છા રહેતી હતી કે શાલિગ્રામજી દર્શન આપે. અને વૈશાખ શુક્લ પૂર્ણિમાનાં દિવસે શાલિગ્રામજીમાં રાધા રમણજી પ્રગટ્યાં હતાં.