ગુજરાતમાં સરકારની રચના પહેલા ભારતીય જનતા પાર્ટીનું ઘમાસાણ સપાટીએ આવ્યું છે ત્યારે હવે અંતિમ નિર્ણય પીએમ મોદી અને અમિત શાહ પર છોડવામાં આવ્યો છે.
ગુજરાત મંત્રી મંડળને લઇ સૌથી મોટા સમાચાર
સમગ્ર મામલો પહોંચ્યો દિલ્લી દરબારમાં
આખરી નિર્ણય PM મોદી અને અમિત શાહના હાથમાં
હવે ચાણક્યનાં હાથમાં ગુજરાતની બગડેલી બાજી!
ગુજરાતમાં નવા મંત્રીમંડળને લઈને મોટી ઉથલપાથલ થઈ રહી છે. રાજ્યમાં આજે શપથગ્રહણ રાખવામાં આવ્યો હતો જોકે બાદમાં કાર્યક્રમને કાલે રાખવામાં આવ્યો છે. રાજ્યમાં નવા મંત્રીમંડળમાં નો રિપીટ થીયરી પર વાત ચાલી રહી હોવાની વાત સામે આવી રહી છે જેમા વર્તમાન બધા જ મંત્રીઓને પડતાં મૂકવામાં આવશે. એવામાં ભારતીય જનતા પાર્ટીનાં સિનિયર નેતાઓ તથા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ નેતાઓ નારાજ થયા હોવાનું સામે આવી રહ્યું છે, એવામાં ગુજરાતની બગડેલી બાજી હવે ભાજપનાં ચાણક્યનાં હાથમાં રહેશે.
હવે મોદી શાહ લેશે અંતિમ નિર્ણય
ગુજરાતમાં ભૂપેન્દ્ર યાદવ અને બીએલ સંતોષને આખા શપથગ્રહણની સમગ્ર જવાબદારી આપવામાં આવી હતી, પરંતુ આઅ વખતે ભાજપમાં રોષ એવો ભભૂકી ઉઠ્યો કે ભૂપેન્દ્ર યાદવ પણ ડેમેજ કંટ્રોલ કરી શક્યા નહીં. છેવટે હવે સમગ્ર મામલો દિલ્હી દરબારમાં પહોંચ્યો હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. હવે ગુજરાતનાં મંત્રીમંડળને લઈને છેલ્લો નિર્ણય પીએમ મોદી અને અમિત શાહ કરશે. સાથે સાથે મહત્વનું છે કે કેન્દ્રનાં મોટા નેતા અને મોદી શાહનાં ખાસ વિશ્વાસુ ભૂપેન્દ્ર યાદવ સતત આ મુદ્દા પર હાઇકમાન્ડનાં સંપર્કમાં છે.
અચાનક જ શપથ ગ્રહણ પર લાગ્યું ગ્રહણ
અચાનક જ મંત્રી મંડળ શપથવિધિનો કાર્યક્રમ રદ્દ કરી દેવાતા ગુજરાતના રાજકારણમાં મોટો ગરમાવો, 15 સપ્ટેમ્બરના રોજ 4.20 કલાકે નો રિપિટેશનના નિર્ણય આધારે મંત્રીઓનો શપથ કાર્યક્રમ યોજાવાનો હતો પરંતુ છેલ્લી ઘડીએ શપથ ગ્રહણ પર ગ્રહણ લાગતાં ગુરુવારે એટલે કે આવતીકાલે શપથવિધિનો કાર્યક્રમ યોજાશે, નો રિપિટેશનના નિર્ણયને મોવડી મંડળે વધાવ્યો છે. જૂના મંત્રીઓને નવા મંત્રી મંડળમાં સ્થાન નહીં મળે. પોલીસને સ્ટેન્ડ બાય રહેવા સૂચના અપાઈ ગઈ છે.
સૌરાષ્ટ્ર-કચ્છના મંત્રીઓને ફોન કરવાની જવાબદારી રૂપાણીને સોંપાઇ
ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી સરકારની અંદર ઉથલપાથલનો દોર શરૂ થયો છે. રાજ્યને નવા મુખ્યમંત્રી મળી ગયા છે ત્યારે નવા મંત્રીઓને મોટી તૈયારીઓ ચાલી રહી છે. રાજ્યમાં નવા મંત્રીઓમાં નો રિપીટ થીયરીને અપનાવવામાં આવશે અને પૂર્વમાં મંત્રી રહી ચૂકેલા એકેયને ફરીથી મંત્રી બનાવાશે નહીં ત્યારે આજનો શપથગ્રહણ કાર્યક્રમ ટાળી દેવામાં આવ્યો છે. સૂત્રો અનુસાર મળતી માહિતી અનુસાર ભારતીય જનતા પાર્ટીનાં અમુક સિનિયર નેતાઓ તથા કોંગ્રેસમાંથી આવેલ નેતાઓ નારાજ હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે હવે નીતિન પટેલ અને રૂપાણીને મોટી જવાબદારી આપવામાં આવી છે. શપથવિધિ માટે રૂપાણી, નીતિન પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલને ફોન કરવાની જવાબદારી આપવામાં આવી છે. નવા મંત્રીઓને ટેલિફોનિક જાણ કરવા માટે ઝોન વાઇસ જવાબદારી આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છના મંત્રીઓને ફોન કરવાની જવાબદારી રૂપાણીને સોંપાઇ છે જ્યારે મધ્ય-ઉત્તર ગુજરાતના મંત્રીઓને નીતિન પટેલ ફોન કરશે તથા દ.ગુજરાતના નવા મંત્રીઓને પાટીલ ટેલિફોનિક જાણ કરશે.
ભારતીય જનતા પાર્ટીની અંદરનો ક્લેશ ચરમસીમાએ
નોંધનીય છે કે આજે સવારથી જ ભારતીય જનતા પાર્ટીનાં નેતાઓનાં જીવ અદ્ધર થઈ ગયા હતા. એક બાદ એક ધારાસભ્યો પાટિલ સાથે બેઠક કરવા પહોંચી રહ્યા હતા જે બાદ બપોરનાં સમયે જાણકારી સામે આવી કે રૂપાણી સરકારમાં જેટલા મંત્રી હતા તેમાંથી એકેય મંત્રીને ફરીથી સ્થાન આપવામાં આવશે નહીં. આ સમાચાર સામે આવતા જ ભારતીય જનતા પાર્ટીની અંદર પણ ભૂકંપ આવી ગયો હતો. સવારથી હલચલ તેજ હતી ત્યારે અંતે શપથગ્રહણને આવતીકાલે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સૂત્રો અનુસાર માહિતી સામે આવી રહી છે કે નો રિપીટ થીયરીનાં કારણે ભારતીય જનતા પાર્ટીનાં દિગ્ગજ નેતાઓ નારાજ થયા હોવાની વાત પણ સામે આવી રહી છે. જોકે સૂત્રોનું એમ પણ માનવું છે કે ગુજરાતમાં જે પણ નવા મંત્રીઓ બનશે તેનો અંતિમ આદેશ PMO તરફથી આપવામાં આવશે અને મંત્રીઓનું લીસ્ટ પહેલા PMOમાં જ મોકલવામાં આવશે. નોંધનીય છે કે આજે સવારથી જ શપથવિધિને લઈને ધારાસભ્યોનાં મનમાં અસમંજસની પરિસ્થિતિ હતી. પહેલા સમાચાર સામે આવ્યા કે બપોરે બે વાગે શપથવિધિ યોજાશે અને તે બાદ ધીમે ધીમે ભારતીય જનતા પાર્ટીની અંદરનો ક્લેશ સપાટી પર આવ્યો હતો.