ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ગઇ કાલે પૂર્ણ થઇ ગયું. 19 જિલ્લાની 89 બેઠકો પર સરેરાશ 58.90 ટકા જેટલું મતદાન નોંધાયું. ત્યારે હવે બીજા તબક્કા માટે કેન્દ્રીય નેતાઓ મેદાનમાં ઉતર્યા.
ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ગઇ કાલે પૂર્ણ થઇ ગયું
89 બેઠકો પર સરેરાશ 58.90 ટકા જેટલું મતદાન નોંધાયું
આજે PM મોદી-અમિત શાહ કરશે પ્રચંડ ચૂંટણી પ્રચાર
PM મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બીજા તબક્કાની ચૂંટણીને લઇ પ્રચંડ પ્રચાર કરશે. બીજા તબક્કાની ચૂંટણી માટે ભાજપ આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે. PM મોદી આજે રાજ્યના 4 જિલ્લાઓને ગજવશે. જેમાં બનાસકાંઠા, પાટણ, આણંદ અને અમદાવાદ જિલ્લામાં PM મોદી જાહેર જનસભાઓને સંબોધશે.
4 જિલ્લાઓને PM સભાઓથી ગજવશે
PM મોદી આજે બનાસકાંઠાનું કાંકરેજ, પાટણનું યુનિવર્સિટી ગ્રાઉન્ડ, આણંદનું સોજીત્રા તેમજ અમદાવાદના સરસપુરમાં જાહેર જનસભાને સંબોધશે. મહત્વનું છે કે, 5મી ડિસેમ્બરે ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન યોજાશે.
અમિત શાહનો પણ 3 જિલ્લાઓમાં પ્રચંડ ચૂંટણી પ્રચાર
બીજી બાજુ ગૃહમંત્રી અમિત શાહ પણ બીજા તબક્કાની ચૂંટણીને લઇ આજે તડામાર પ્રચાર કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે 3 જિલ્લાઓમાં જનસભાઓને સંબોધશે. જેમાં મહેસાણા, અમદાવાદ અને વડોદરામાં અમિત શાહ જાહેરસભા કરશે. અમિત શાહ આજે મહેસાણાના બેચરાજી અને વીજાપુરમાં, અમદાવાદના ચાંદખેડામાં જાહેર જનસભાને સંબોધશે. તો બીજી બાજુ વડોદરામાં પણ અમિત શાહનો આજે રોડ-શો યોજાશે.
ગઇ કાલે PM મોદીનો અમદાવાદમાં 50 કિમીનો રોડ શો યોજાયો
ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે PM મોદીએ અમદાવાદમાં 50 કિમીનો રોડ શો યોજ્યો હતો. શહેરના નરોડાથી લઇને PM મોદીએ ચાંદખેડા સુધી ભવ્ય રોડ-શો યોજ્યો હતો. મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી વાર 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ત્યારે PM મોદીએ ગઇકાલે અમદાવાદમાં ભવ્ય રોડ શો યોજ્યો હતો. જેમાં લોકો હજારોની સંખ્યામાં દોડતા-નાચતા દેખાયા હતા.
નોંધનીય છે કે, ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે એટલે કે ગઇકાલે પૂર્ણ થઇ ગયું છે. ત્યારે હવે 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. જેનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.