nims university chairman dr bs tomar clinical trial coronil medicine corona virus treatment
કોરોના વાયરસ /
"મને નથી ખબર, બાબા રામદેવ જ જાણે 2 દિવસમાં કેવી રીતે કોરોનાની દવા બનાવી"
Team VTV09:59 PM, 25 Jun 20
| Updated: 10:21 PM, 25 Jun 20
કોરોના વાયરસની દવા જાહેર કરીને દુનિયાભરમાં હંગામો મચાવનારા યોગ ગુરુ બાબા રામદેવની સમસ્યાઓ વધી રહી છે. રાજસ્થાનમાં આવી કોઈ પણ દવાના ક્લિનિકલ ટ્રાયલને નકારી દેનારા આરોગ્ય પ્રધાન Dr. રઘુ શર્મા પછી હવે નિમ્સ યુનિવર્સિટીના માલિક અને અધ્યક્ષ બીએસ તોમર પણ હવે પલટી ગયા છે. ગુરુવારે પોતાના નિવેદનમાં, તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે તેની હોસ્પિટલોમાં કોરોનાના દવાઓની કોઈ ક્લિનિકલ ટ્રાયલ થઈ નથી.
પતંજલિની દવા મુદ્દે રાજસ્થાનના આરોગ્ય મંત્રીએ આપ્યું હતું નિવેદન
ગુરુવારે જયપુરના ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં બી.એસ તોમર સામે કેસ નોંધાયા બાદ તેમનું આ નિવેદન આવ્યું છે. પતંજલિ આયુર્વેદ હરિદ્વાર અને નિમ્સ યુનિવર્સિટીના માલિક તોમર પર કોરોના વાયરસના ચેપના ઈલાજની દવાના દાવા વિરુદ્ધ અહીં દાખલ એક કેસમાં કોરોના વાયરસની સારવારના નામે લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ મૂક્યો હતો. આ અગાઉ રાજસ્થાનના આરોગ્ય પ્રધાન ડો.શર્મા પણ બાબા રામદેવ વિરુદ્ધ કાયદાની કાર્યવાહી અંગે જણાવી ચૂક્યાં છે.
ઈમ્યૂનિટી બૂસ્ટરના રૂપમાં અશ્વગંધા, ગિલોય અને તુલસીનો પ્રયોગ
બીજી તરફ, બી.એમ તોમારે પોતાના નિવેદનમાં કહ્યું કે, 'અમે અમારી હોસ્પિટલોમાં કોરોના દવાનું કોઈ ક્લિનિકલ ટ્રાયલ કર્યું નથી'. તેમણે કહ્યું કે અમે દર્દીઓ પર અશ્વગંધા, ગિલોય અને તુલસીનો પ્રયોગ ઈમ્યૂનિટી બૂસ્ટર તરીકે કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું, 'મને નથી ખબર કે યોગ ગુરુ રામદેવે તેને કોરોના માટેના 100 ટકા ઉપાય તરીકે કેવી રીતે ગણાવી રહ્યાં છે.
2 દિવસમાં તેમણે દવા કેવી રીતે બનાવી?
તોમરની નિમ્સ યુનિવર્સિટી તરફથી CTRIથી ઔષધિઓના ઈમ્યૂનિટી ટેસ્ટ માટે 20 મેના રોજ પરમિશન લેવામાં આવી હતી. બે દિવસ બાદ એટલે કે 23 મેથી આ ટ્રાયલ શરૂ કરી દેવામાં આવી હતી. એક મહિના સુધી ચાલેલા આ ટ્રાયલ પછી, 23 જૂને યોગ ગુરુ રામદેવની સાથે મળીને દવાની જાહેરાત કરી દીધી.
તોમર હવે કહે છે કે ટ્રાયલના પરિણામોને આવે હજુ 2 દિવસ જ થયા હતાં કે યોગ ગુરુ રામદેવે દવા બનાવવાનો દાવો કરી દીધો. તેમણે કહ્યું કે હવે તો એ જ જાણે કે 2 દિવસમાં તેમણે આ દવા કેવી રીતે બનાવી. મને આ વિશે કોઈ જાણકારી નથી.
ક્લિનિકલ ટ્રાયલ કરીને પ્રજાને ગુમરાહ કરી : રઘુ શર્મા
જયપુરમાં ગુરુવારે આરોગ્ય મંત્રી ડૉ.રઘુ શર્માએ ફરી કહ્યું કે ભારત સરકાર દ્વારા ડ્રગ્સ ઍન્ડ કૉસ્મેટિક એક્ટ હેઠળ 21 એપ્રિલ 2020ના રોજ જાહેર કરેલ ગેઝેટ અનુસાર કેન્દ્રીય આયુષ મંત્રાલયની સ્વીકૃતિ વિના કોઈ પણ દવાનું ટ્રાયલ કરી શકાતું નથી. રાજ્ય સરકારની અનુમતિ વિના કોઈ દવાનું માનવીય પરીક્ષણ પણ કરી શકાતું નથી. પરમિશન વિના ક્લિનિકલ ટ્રાયલ કરીને સામાન્ય જનતાને ગુમરાહ કરવા માટે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે.