બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / Narayan sai and Asaram get clean chit in Dipak Abhishek death case
vtvAdmin
Last Updated: 09:05 PM, 26 July 2019
ADVERTISEMENT
આસારામ આશ્રમ (Asharam asharam) ના પાયા હચમચાવનારા દીપક-અભિષેક અપમૃત્યુ કેસ (Dipak Abhishek death case) ના તપાસ રિપોર્ટના પાના ખૂલ્યા તો ખોદ્યા ડુંગર અને નીકળ્યા ઉંદર જેવો ઘાટ થયો. 2008માં ઘટેલી આ ઘટના બાદ છેક 11 વર્ષે સરકારી તપાસ એ તારણ પર આવી કે બન્ને બાળકો કોઈ જ તાંત્રિક વિધિનો ભોગ બન્યા નથી. તપાસ પંચનો આ અહેવાલ ગૃહમાં રજૂ થયો તો વિપક્ષ અને મૃતક બાળકોના પરિવારજનોએ કહ્યું કે ન્યાયની આશા પર પાણી ફરી વળ્યું. ત્યારે જોઈએ આ જૂઠા દિલાસા અને મુરઝાયેલી આશાનો આ અહેવાલ.
દીપક અને અભિષેક કે જે આજે તેઓ કદાચ હયાત હોત તો યુવાનીના ઉંબરે પહોંચ્યા હોત. પરંતુ કુદરતે કંઈ જુદુ જ નિર્મ્યુ હતું. તેમના માતા-પિતાએ તેમને મૂક્યા હતા તો આશ્રમમાં અભ્યાસ કરવા માટે. પરંતુ આસારામ આશ્રમનું એ પરિસર જ તેમના માટે સ્મશાન બની ગયું. વર્ષ 2008ની 3જી જુલાઈએ આ બન્ને બાળકો રહસ્યમય સંજોગોમાં ગુમ થયા અને તે જ દિવસે આશ્રમના નદી કિનારેથી મૃત હાલતમાં મળ્યાં હતાં. તેમના મૃત્યુ બાદ આસારામ પર તાંત્રિક વિધિનાં આક્ષેપો લાગ્યા અને તાંત્રિક વિધિએ જ બાળકોનો ભોગ લીધો છે તેવી શંકાનો જન્મ થયો અને જોત જોતામાં આસારામ અને તેના આશ્રમતંત્ર વિરુદ્ધ આખું અમદાવાદ ભડકે બળ્યું.
ADVERTISEMENT
કાયદા અને વ્યવસ્થાની વણસેલી સ્થિતિને કાબૂમાં કરવા અને લોકોમાં આસારામ વિરુદ્ધ વ્યાપેલા રોષને શમાવવા માટે સરકારે નિવૃત્ત જસ્ટીસ ડી.કે. ત્રિવેદી તપાસ પંચની રચના કરી અને તપાસ પંચે આશ્રમનો ખૂણે ખૂણો ખૂંદી લીધો. ડી. કે.ત્રિવેદી પંચે બાળકોના અપમૃત્યુ કેસની તપાસ 2013માં પૂર્ણ કરી લીધી અને તપાસનો રિપોર્ટ સરકારને 2013માં જ સુપરત કરી દીધો. પરંતુ રાજ્ય સરકારે 6 વર્ષ અને વિધાનસભાના લગભગ 12 સત્ર બાદ તપાસ રિપોર્ટના પાના આજે ગૃહ સમક્ષ ખોલ્યાં.
તપાસ પંચે પોતાના રિપોર્ટમાં એક આશ્ચર્યજનક વાત જણાવી છે. આશ્રમમાં બંને બાળકોનું મૃત્યુ તાંત્રિક વિધિના કારણે ન થયું હોવાનું પંચે જણાવ્યું છે. પંચને પોતાની તપાસમાં તાંત્રિક વિધિ અંગેના કોઇ પુરાવા મળ્યાં નથી. તેમણે પોતાના રિપોર્ટમાં ગૃહને જણાવ્યું કે, બન્ને બાળકોના મોત પાણીમાં ડુબવાથી થયા છે. વળી બાળકોના મૃતદેહમાંથી એક પણ અંગ ગાયબ થયાના પુરાવા મળ્યાં નથી. પંચનો અહેવાલ સાંભળીને આસારામના વકીલ ચંદ્રશેખર ગુપ્તાને થોડી ખુશી થાય તે સ્વાભાવિક છે તેઓ તરત બોલ્યા કે, આશ્રમમાં તાંત્રિક વિધિ થતી નથી તેવું અમે પ્રથમ દિવસથી જ કહેતા આવ્યાં છીએ.
આસારામના વકીલ ગમે તે કહે, તપાસ પંચ ભલે આસારામ અને નારાયણ સાંઈને ક્લીનચીટ (clean chit) આપે પરંતુ જેના બાળકો આશ્રમની બેદરકારી અથવા શંકાસ્પદ પ્રવૃત્તિનો ભોગ બન્યા છે તે વાલીઓ તપાસ પંચના આ તારણોને સ્વીકારવા તૈયાર નથી. ન્યાય માટેની 11 વર્ષની લડાઈ બાદ થાકી ગયેલા દીપક-અભિષેકના વાલીઓ કહે છે કે ન્યાયની અપેક્ષા વ્યર્થ છે. તેઓ હજુ પણ પોતાની એ જ વાતને વળગી રહ્યાં છે કે તેમના સંતાનોની હત્યા કરાઈ છે. સરકારે રજૂ કરેલા રિપોર્ટ પર તેમને વિશ્વાસ નથી. તેમનું કહેવું એમ છે કે, રિપોર્ટ આટલો સાદો-સરળ હતો તો ગૃહનાં મેજ પર તેના પાનાં 6 વર્ષ સુધી કેમ બંધ રાખવામાં આવ્યા? આસારામ પરના કેસ હળવા કરવા માટે આ ચાલ હોવાનું વાલીઓને લાગી રહ્યું છે.
દીપક-અભિષેક અપમૃત્યુ કેસ મામલે રચાયેલા ડી. કે. ત્રિવેદી તપાસ પંચનો રિપોર્ટ વિધાનસભામાં રજૂ તો થઈ ગયો પરંતુ હાલમાં આ મામલે પુનઃતપાસની માગ કરતી અરજી સેશન્સ કોર્ટમાં પેન્ડિંગ છે. જેના પર સુનાવણી બાકી છે. ત્યારે હવે ન્યાયની પોથીમાં શું લખાશે તેના પર સૌની નજર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.