Mehsana Mudarda village loudspeaker One Murder police crime
મહેસાણા /
મુદરડા ગામે લાઉડસ્પીકર વગાડવા મુદ્દે 6 પાડોશીઓએ યુવકને પતાવી દીધો, એક જ સમાજના બે જૂથ બાખડ્યા
Team VTV10:58 PM, 05 May 22
| Updated: 11:02 PM, 05 May 22
મહેસાણા તાલુકાના મુદરડા ગામમાં યુવાનને માતાજી ના મંદિરમાં સ્પીકર વગાડવાની સજા રૂપે મોત મળ્યું છે.
મહેસાણાના મુદરડા ગામે યુવકની હત્યા
મંદિરમાં લાઉડ સ્પીકર વગાડવાના મુદ્દે હત્યા
પોલીસે 6 શખ્સો સામે હત્યાનો ગુનો નોંધ્યો
મહેસાણાના મુદરડા ગામે મંદિરમાં લાઉડ સ્પીકર વગાડવાના મુદ્દે એક શખ્સની હત્યા કરવામાં આવી છેમુદરડા ગામના ટેબાવાળા ઠાકોર વાસમાં રહેતા અજીતજી વીરસંગજી ઠાકોર અને તેમના નાના ભાઇ જસવંતજી ઠાકોરે ઘરના કમ્પાઉન્ડમાં મંદિર બનાવ્યું છે.આ મંદિરમાં બંને ભાઈઓ દરરોજ સેવા પૂજા કરી માતાજીની આરતી સમયે લાઉડ સ્પીકર વગાડતા હતા.લાઉડ સ્પીકર ધીમુ વગાડવાના મુદ્દે પાડોશીઓ સાથે વિવાદ થતા આશરે 6 જેટલા શખ્સોએ બંન્ને ભાઇઓ પર હિંસક હુમલો કર્યો હતો.જેમાં બંન્ને ભાઈઓ ગંભીર ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન એક ભાઇનું મૃત્યુ થઇ ગયું છે.અને બીજો ભાઇ હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.સમગ્ર મામલે પોલીસે હુમલો કરનાર 6 શખ્સ સામે હત્યાનો ગુનો દાખલ કરી તમામને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શું છે સમગ્ર બનાવ?
માતાજી ના મંદિરમાં આરતી ટાણે દિવા બત્તી કરી સ્પીકર વગાડવું એ આમ બાબત છે.પણ આ આમ બાબતમાં મહેસાણા તાલુકાના મૂદરડા ગામમાં એક 40 વર્ષીય યુવાન ને જીવ ખોવાની નોબત આવી છે.મુદરડા ગામના ટેબાવાળા ઠાકોર વાસમાં રહેતા અજીતજી વીરસંગજી ઠાકોર (46) વર્ષ અને તેમના નાના ભાઇ જસવંતજી ઠાકોરે ઘરના કમ્પાઉન્ડમાં મેલડી માતાજી નું મંદિર બનાવ્યું છે.આ મંદિરમાં બંને ભાઈઓ દરરોજ સેવા પૂજા કરી માતાજી ની આરતી સમયે લાઉડ સ્પીકર વગાડતા હતા,જે બાબત તેમના ઘર નજીક રહેતા લોકો ને ખૂંચતી હોવાને કારણે મંગળવારે સાંજે 7 વાગે આ મામલે ઝગડો થયો હતો.જેમાં સદાજી રવાજી ઠાકોર, વિષ્ણુજી રવાજી ઠાકોર,બાબુજી ચેલાજી ઠાકોર,જ્યંતીજી રવાજી ઠાકોર,જવાનજી ચેલાજી ઠાકોર અને વિનુજી ચેલાજી ઠાકોર નામના 6 શખ્સ લાકડી અને ધોકા જેવા હથિયાર સાથે બંને ભાઈઓ ઉપર તૂટી પડ્યા હતા.જેમાં બંને ભાઈઓને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.સારવાર દરમિયાન જશવંતજી નું મોત થતા પોલીસે હુમલો કરનાર 6 શખ્સ સામે હત્યા નો ગુનો દાખલ કરી જેલ હવાલે કરી દીધા છે
ભાણો અન્ય જગ્યાએ હોવાથી તે બચી ગયો..!
આ ઘટના ઘટી તે વખતે આ બંને ભાઈઓ એકલા જ ઘરે હતા,ભાણો અન્ય જગ્યા ઉપર હોવાથી તે હુમલાનો ભોગ બનતા બચી ગયો હતો.આ ઘટના બન્યા બાદ ભાણા જાણ તેની માતા હંસાબેનને કરી હતી.હંસાબેને 100 નંબર ઉપર પોલીસને ઘટનાની માહિતી આપતાં લાંઘણજ પોલીસ સ્ટાફ મુદરડા ગામે દોડી આવી ઇજાગ્રસ્ત બંને ભાઇઓને 108ની મદદથી મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જોકે, ઇજાઓ ગંભીર હોઇ બંને ભાઇઓને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે જસવંતજી ઠાકોરને મૃત જાહેર કર્યા હતા. આ મામલે લાંઘણજ પોલીસે 6 શખ્સો વિરુદ્ધ હત્યા, રાયોટિંગ, મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.માતાજી ની આરાધના કરવી એ આપણો ધાર્મિક સંસ્કાર છે. પણ માતાજી ની આરાધના વખતે સ્પીકર વગાડવા જેવી સામાન્ય બાબતમાં 40 વર્ષીય વ્યક્તિ ને જીવ ખોવો પડ્યો છે.ત્યારે આ ઘટના ને લઈને હાલમાં એક જ સમાજ ના બે જૂથ વચ્ચે પણ ખટરાગ ઉભો થયો છે.તો પૂજા અર્ચના વખતે બનેલી ઘટના ને કારણે હુમલાખોરો ઉપર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.