Leopard ramol area ahmedabad forest department alert
અલર્ટ /
અમદાવાદના આ વિસ્તારમાં દીપડો દેખાયાની ચર્ચા, ઝરખ હોવાનું વન વિભાગનું અનુમાન
Team VTV06:41 PM, 17 Jan 21
| Updated: 09:06 PM, 17 Jan 21
જંગલો બાદ હવે દીપડાની દહેશત શહેરો સુધી પહોંચી છે. રાજકોટ બાદ હવે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાએ દેખા દીધા છે. રામોલ વિસ્તારના રાહુલ નાયક મંદિર પરિસરમાં દીપડો દેખાયાની ચર્ચા થઇ રહી છે. એક વાયરલ થયેલી તસવીરને લઇને વનવિભાગે જાણકારી હાથ ધરી છે.
અમદાવાદ રામોલ વિસ્તારમાં દીપડાના નામની દહેશત
રાહુલ નાયક મંદિર પાસે દીપડા જેવું પ્રાણી દેખાયું
સ્થાનિક વિસ્તારમાં દીપડો હોવાની ચર્ચાથી ભયનો માહોલ
શનિવારે રાજકોટના કાલાવડ વિસ્તાર આસપાસ દીપડો દેખાયો હતો. શહેરી વિસ્તારમાં દીપડાએ દેખા દેતા લોકોમાં ભયનો માહોલ છે. ત્યારે હવે અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં દીપડો ફરતો હોવાથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. માત્ર એટલું જ નહીં, ગામના લોકોને ખુલ્લાંમાં નહિ સુવા અને સાવચેત રહેવા ફોરેસ્ટ વિભાગે સૂચના આપી છે. તેમજ ક્યાંય પણ દીપડો દેખાય તો વન વિભાગને જાણ કરવા પણ જણાવ્યું હતું. ત્યારે હવે CCTV અને લોકોની પૂછપરછ બાદ ઝરખ હોવાનું વન વિભાગનું અનુમાન છે. હાલ લોકોને ભયમાં ન રહેવા વનવિભાગના અધિકારીએ અપીલ કરી છે. તેમ છતા પણ આસપાસથી લોકોને દૂર ખસેડી વનવિભાગે કામગીરી હાથ ધરી છે. મંદિર આસપાસ વન વિભાગે પાંજરા ગોઠવ્યા છે.
વસ્ત્રાલની સીમમાં ભયજી જી રાજાજીના ખેતરમાં શક્તિ માંના મંદિર પાસે દીપડા જેવું પ્રાણી દેખાયું હતું. આ સ્થાનિક વિસ્તારમાં દીપડો હોવાની ચર્ચાથી ભયનો માહોલ સર્જાયો છે. દીપડાના પગના નિશાન પણ મળી આવ્યા છે. આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી.
વન વિભાગે વિસ્તારના લોકોને અલર્ટ રહેવા કહ્યું
ત્યારબાદ રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી તરફથી આ વિસ્તારના લોકોને સૂચના આપવામાં આવી છે કે, 16 જાન્યુઆરી 2021ની રાત્રે વસ્ત્રાલની આસપાસ દીપડના પગના નિશાન જોવા મળ્યા છે. જેથી પશુપાલકો અને ગામ લોકોએ જાહેરમાં ઉંઘવું નહીં. રાત્રે અવર જવર કરવામાં ખાસ ધ્યાન રાખવું. તેમજ અગત્યના કામ કામે બહાર જવાનું થાય તો તે સમયે બેટરી જેવી વસ્તુ સાથે રાખવી અને અવાજ થઈ શકે તેવી વસ્તુ સાથે રાખવી. જેથી જાનમાલને નુકસાન ન પહોંચે.
હાલ અમદાવાદના ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા દીપડા અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દીપડાના પગના નિશાન પરથી તેને ટ્રેસ કરવાની કામગીરી શરૂ કરાઇ છે. જેનાથી જાણ થશે કે દીપડો કઈ તરફ આગળ વધ્યો તેની ખાતરી કરી પકડવા અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે.