Kutch earthquake homes title clear approved Cabinet meeting Gandhinagar
કેબિનેટ /
કચ્છના 20 હજાર પરિવારો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, મકાનોને ટાઇટલ ક્લિયર માટે આપી મંજૂરી
Team VTV04:37 PM, 11 May 22
| Updated: 04:39 PM, 11 May 22
ગાંધીનગર ખાતે આજે(બુધવારે) કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેબિનેટ બેઠકમાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.
ગાંધીનગરમાં CMની અધ્યક્ષતામાં યોજાઈ કેબિનેટ બેઠક
કેબિનેટમાં મકાનને ટાઇટલ ક્લિયર માટે મંજૂરી આપી
PM ગતિશક્તિ યોજના અંગે બેઠકમાં થઇ ચર્ચા
ગુજરાતમાં ચૂંટણીને લઈને રાજકારણ ખૂબ ગરમાઈ રહ્યું છે, ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક મુદાઓ પર ચર્ચા કરવામાં આવી છે. ત્યારે આ બેઠક બાદ સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપી હતી.
ભૂકંપમાં બંધાયેલા મકાનોને અપાશે ટાઇટલ ક્લિયર
જીતુ વાઘાણીએ જણાવ્યું કે, કેબિનેટ બેઠકમાં મેહસૂલ વિભાગને લઇને નિર્ણય લેવાયો છે. ભૂકંપમાં 20 હજાર જેટલા મકાનો બંધાયા હતા. આ મકાનોને ટાઇટલ મળતું ન હતું. જેથી ટાઇટલ ક્લિયર કરવાનો નિર્ણય કર્યો છે. કેબિનેટમાં મકાનને ટાઇટલ ક્લિયર માટે મંજૂરી આપી છે..
કચ્છમાં વર્ષ 2001માં આવેલા ભયંકર ભૂકંપમાં જેમનાં મકાન પડી ગયાં હતાં, તેમને રાજ્ય સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા મકાન ફાળવવામાં આવ્યા હતાં. આ મકાન જેમને ફાળવાયાં છે તેમનો પરિવાર વર્ષોથી મકાનમાં રહે છે, પણ તેમની પાસે મકાન માલિકીને લગતા કે કબ્જાને લગતા કોઈ પુરાવા નથી. જેને લઇને રાજ્ય સરકારે જે 20 હજાર પરિવારોને મકાન ફાળવ્યાં છે તેમને માલિકી હક આપી દેવો તેવું નક્કી કર્યું છે.
થોડા દિવસો અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પણ આ અંગે જણાવ્યું હતું. રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, હતું કે, ભૂકંપ વખતે 20 હજાર મકાન ફાળવાયાં હતાં. આ મકાન જેમને ફાળવ્યાં તેઓ વર્ષોથી તેમાં રહે છે, પણ તેમની પાસે આધારા પુરાવો નથી. સરકારે તમામ પરિવારોને તેમને જે મકાન ફાળવ્યાં છે તેની માલિકી આપવાનો નિર્ણય લીધો છે. હાલ 6 હજાર પરિવારની સનદ તૈયાર છે, બાકીના 17 હજાર મકાનના દસ્તાવેજો તૈયાર થઈ રહ્યા હોવાથી મહિનામાં માલિક હક સોંપાય તેવી શક્યતા છે.
PM ગતિશક્તિ યોજના અંગે બેઠકમાં થઇ ચર્ચા
જીતુ વાઘાણીએ કહ્યું કે, બેઠકમાં PM ગતિશક્તિ યોજના બાબતે ચર્ચા થઈ છે. મંત્રી મંડળે મુખ્યમંત્રીને અભિનંદન આપ્યા છે. આ યોજના હેઠળ 49 જેટલી NOC ત્વરિત મળતી થઈ છે. 2700 કરોડના ખર્ચે કોસ્ટલ હાઇવે બની રહ્યો છે. ગતિશક્તિ પ્રોજેક્ટથી સરકારના 500 કરોડ રૂપિયા બચાવ્યા છે. જીડીપી 8.3 ટકાથી વધારીને 10 કરવાનું આયોજન છે.
PGVCLના કર્મચારી પર હુમલા મામલે નિવેદન
રાજકોટ PGVCLના કર્મચારી પર હુમલા મામલે સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું કે, કોઈએ કાયદો હાથમાં ન લેવો જોઈએ. ભાજપનો કાર્યકર્તા હોય કે અન્ય પક્ષના કાર્યકર્તા હોય કાયદો હાથમાં ન લેવો જોઇએ. વિભાગ તરફથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.