ઈન્ફોસિસના વાર્ષિક રિપોર્ટ આવ્યા પછી સીઇઓના પગારમાં પણ વધારો થયો હતો અને આ પછી સલિલ પારેખનો પગાર 71.02 કરોડ રૂપિયા થયો
ઇન્ફોસિસે સલીલના નેતૃત્વમાં મોટી વૃદ્ધિ હાંસલ કરી
સલિલ પારેખ આગામી 5 વર્ષ માટે મેનેજિંગ ડિરેક્ટર અને CEOના પદ માટે ફરીથી નિયુક્ત
ઇન્ફોસિસએ ચોથા ક્વાર્ટરમાં 5,686 કરોડ રૂપિયાનો નફો કર્યો
પારેખના પગારમાં 43 ટકાનો વધારો થયો
દેશની બીજી સૌથી મોટી આઈટી કંપની ઈન્ફોસિસના સીઈઓ સલિલ પારેખના પગારમાં આ વર્ષે ધરખમ વધારો થયો છે. સલિલ પારેખનું પગાર પેકેજ વાર્ષિક 49 કરોડ રૂપિયાથી વધીને 71.02 કરોડ રૂપિયા થઈ ગયું છે. પારેખના પગારમાં 43 ટકાનો વધારો થયો છે. સોફ્ટવેર કંપનીએ સીઈઓનો પગાર વધારા કરતી વખતે કહ્યું હતું કે, ઇન્ફોસિસે સલીલના નેતૃત્વમાં મોટી વૃદ્ધિ હાંસલ કરી છે. સલિલ પારેખના પગારમાં વધારાનો આ નિર્ણય તેમના કાર્યકાળમાં વધુ 5 વર્ષનો વધારો કરવાની જાહેરાત બાદ આવ્યો છે.
સલિલ પારેખના નેતૃત્વમાં કંપની મજબૂત
ઈન્ફોસિસના ગુરુવારે જારી કરાયેલા વાર્ષિક અહેવાલમાં સીઈઓ સલિલ પારેખના પગારમાં થયેલા વધારાની માહિતી આપવામાં આવી હતી. ઇન્ફોસિસે તાજેતરમાં સલિલ પારેખને આગામી 5 વર્ષ માટે મેનેજિંગ ડિરેક્ટર (MD) અને CEOના પદ માટે ફરીથી નિયુક્ત કર્યા છે. સલિલ પારેખનો નવો કાર્યકાળ 1 જુલાઈ, 2022 થી 31 માર્ચ, 2027 સુધી ચાલશે.
સલિલ પારેખ પાસે છે 30 વર્ષનો અનુભવ
સલીલ પારેખ 30 વર્ષથી વધુ સમયથી આઈટી ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનો અનુભવ ધરાવે છે. સલિલ પારેખે જાન્યુઆરી 2018 માં ઇન્ફોસિસના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. સલિલ પારેખ ઇન્ફોસિસમાં જોડાતા પહેલા 25 વર્ષ સુધી કેપજેમિની સાથે સંકળાયેલા હતા. નોંધનીય છે કે ઇન્ફોસિસે ગયા મહિને જ ચોથા ક્વાર્ટરના પરિણામો રજૂ કર્યા હતા. ચોથા ક્વાર્ટરમાં કંપનીએ 5,686 કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો હતો, જે ગયા વર્ષના સમાન ગાળાની તુલનામાં 12 ટકા વધારે છે. જો કે ચોથા ક્વાર્ટરમાં કંપનીનો નફો ત્રીજા ક્વાર્ટરની તુલનામાં 2 ટકા ઘટ્યો છે.
આજ સુધીના ઇન્ફોસિસના સીઈઓ
નારાયણ મૂર્તિ 1981 થી માર્ચ 2002 સુધી
નંદન નીલેકણી માર્ચ 2002 થી એપ્રિલ 2007 સુધી
ક્રિસ ગોપાલાક્રિષ્નન એપ્રિલ 2007 થી ઓગસ્ટ 2011 સુધી
એસ.ડી. શિબુલાલ ઓગસ્ટ 2011 થી જુલાઈ 2014 સુધી
વિશાલ સિક્કા ઓગસ્ટ 2014 થી ઓગસ્ટ 2017 સુધી
યુબી પ્રવિણ રાવ ઓગસ્ટ 2017 થી જાન્યુઆરી 2018 સુધી
સલિલ પારેખ 2 જાન્યુઆરી 2018 ના રોજથી આજ સુધી