Ahmedabad News: અમદાવાદના જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર કસાયો સકંજો, શહેરના 35થી 40 સ્થળોએ ઈન્કમટેક્સ વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન
જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર તવાઈ
મુખ્ય ઓફિસ ઉપર પણ ઇન્કમટેક્સ ત્રાટક્યું
તપાસમાં 100થી પણ વધુ અધિકારીઓ જોડાયા
Ahmedabad News: સુરતમાં ડાયમંડ અને જ્વેલર્સ ઉદ્યોગ સાથે જોડાયેલા ગ્રુપો પર મેગા ઓપરેશન હાથ ધરાયા બાદ હવે અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગે સપાટો બોલાવ્યો છે. આવકવેરા વિભાગની ટીમે શહેરના જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોનને ત્યાં તપાસ હાથ કરી છે. સ્વાતિ બિલ્ડકોન સાથે કનેક્શ ધરાવતા કેમિકલ ગ્રુપ પણ ઈન્કમટેક્સ વિભાગની રડારમાં આવી ગયા છે. સ્વાતિ બિલ્ડકોનના અશોક અગ્રવાલ અને સાકેત અગ્રવાલ સહિતના ભાગીદારોને ત્યાં પણ તપાસ ચાલી રહી છે.
100થી વધુ અધિકારીઓની ટીમો ત્રાટકી
અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગની ટીમે 35થી 40 સ્થળોએ દરોડા પાડ્યા છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શહેરમાં 35થી 40 ઠેકાણાઓ પર 100થી વધુ અધિકારીઓની ટીમ ત્રાટકી છે. તપાસમાં અમદાવાદ, બરોડા અને રાજકોટના 100થી પણ વધુ અધિકારીઓ જોડાયા છે. એક સાથે 35થી 40 સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવતા શહેરના અન્ય જ્વેલર્સ, બિલ્ડરો અને ઉદ્યોગપતિઓમાં ફફડાટ ફેલાયો છે.
સિગ્નેચર-1ની ઓફિસ પર વહેલી સવારથી સર્ચ
ઈન્કમટેક્સ વિભાગની ટીમો દ્વારા આંબલી રોડ ઉપર આવેલી મુખ્ય ઓફિસ પર તપાસ હાથ ધરવામાં આવી છે. તો એસજી હાઈવે પરના સિગ્નેચર-1ની સ્વાતિ ગ્રુપની ઓફિસ પર વહેલી સવારથી સર્ચ હાથ ધરાયું છે. અહીં 10 અધિકારી અને કર્મચારી સહિત 4 પોલીસકર્મીઓ સાથે તપાસ હાથ ધરવામાં આવી છે. અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં તપાસના અંતે મોટા બેનામી વ્યવહારો મળી આવે તેવી શક્યતા છે.
મોટી માત્રામાં કાળુનાણું બહાર આવે તેવી સંભાવના
એવું કહેવામાં આવી રહ્યું છે કે, અમદાવાદના જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર સકંજો કસાયો છે. શહેરમાં 35થી 40 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. આશરે 100થી વધુ અધિકારીઓ સર્ચ ઓપરેશનમાં જોડાયા છે. આ દરોડાના અંતે મોટી માત્રામાં કાળુનાણું બહાર આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.