Team VTV08:44 AM, 18 Mar 23
| Updated: 09:27 AM, 18 Mar 23
કમોસમી વરસાદથી ખેડૂતોના તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ, કમોસમી વરસાદને કારણે રાજ્યમાં 5 લોકોના મૃત્યુ થયાનું સામે આવ્યું
રાજ્યના 29 તાલુકામાં કમોસમી વરસાદ, વડોદરામાં સૌથી વધુ સવા ઈંચ
કેરી, ઘઉં અને ચીકુના પાકને નુકસાન થવાની ભીતિ
કમોસમી વરસાદને કારણે વીજળી પડવાથી રાજ્યમાં 5 લોકોના મૃત્યુ
હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની કરી છે આગાહી
હજુ પણ 3 દિવસ થઇ શકે કમોસમી વરસાદ
હવામાનની આગાહી મુજબ રાજ્યના 29 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. વિગતો મુજબ રાજ્યમાં સૌથી વધુ વરસાદ વડોદરામાં સવા ઈંચ પડ્યો છે. આ સાથે ડાંગ, અરવલ્લી અને વંથલીમાં કરા સાથે વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યું છે. આ તરફ કમોસમી વરસાદથી ખેડૂતોના તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. આ સાથે કમોસમી વરસાદને કારણે રાજ્યમાં 5 લોકોના મૃત્યુ થયાનું પણ સામે આવ્યું છે.
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને લઈ પડેલા કમોસમી વરસાદ રાજ્યના 5 વ્યક્તિઓ માટે કાળ સાબિત થયો છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગ દ્વારા હજુ પણ 3 દિવસ કમોસમી વરસાદ આગાહી કરાઇ છે. આ દરમિયાન કમોસમી વરસાદની વચ્ચે વીજળી પડવાથી રાજ્યમાં 5 લોકોના મૃત્યુ થયા છે.
કૃષિપાકને નુકશાનની ભીતિ
રાજ્યમઅ આવેલા કમોસમી વરસાદને કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે. વિગતો મુજબ રાજ્યના 29 તાલુકામાં કમોસમી વરસાદ થયા બાદ હવે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. વાત જાણે એમ છે કે, કેરી, ઘઉં અને ચીકુના તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે.
હવામાને હજી પણ કરી છે 3 દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગે રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે. જે મુજબ રાજ્યના 29 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યા બાદ હજી આગામી 3 દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. નોંધનીય છે કે, રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો જોવા મળતા કેટલાક વિસ્તારોમા કમોસમી વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન મહીસાગર, છોટાઉદેપુર અને સુરતમાં કરા સાથે વરસાદ થયો હતો. ડાંગમાં વીજળી પડતા એક વ્યક્તિ મોત થયું છે જ્યારે દાહોદમાં પણ વીજળી પડતા એક મહિલાનું મોત થયું છે.
હવામાન વિભાગે શું કરી આગાહી ?
હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના મોટાભાગના શહેરોના વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને વધુ એક વખત સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેના ભાગરૂપે રાજ્યમાં આગામી પાંચ દિવસ છૂટુ છવાયું માવઠું ત્રાટકી શકે છે. બીજી બાજુ તાપમાનમાં આગામી બે, ત્રણ દિવસમાં કોઈ ફેરફાર ન થાય તેવુ જણાવાયું છે.
વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની વકી જોવા મળી રહી છે. જેમાં સોરાષ્ટ્ર અને કચ્છમા માવઠું ત્રાટકી શકે છે. તો સોરાષ્ટ્રના અમુક વિસ્તારો ઉપરાંત અમદાવાદ શહેરમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે. વધુમાં બનાસકાંઠા, પાટણ, રાજકોટ અને અમરેલી વિસ્તારમાં કરા સાથે વરસાદ પડે તેવું જાણવા મળી રહ્યું છે.
21 માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી
મહત્વનું છે કે અગાઉ હવામાન વિભાગ દ્વારા રાજસ્થાન અને કચ્છની ઉપર સર્જાયેલા સાઇક્લોનિક સરક્યુલેશનની અસર તળે ગુજરાતમાં હજુ 21મી સુધી કમોસમી વરસાદની આગાહી કરાઈ હતી. જેમાં 17મી માર્ચે પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી. આજે સાંબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, સોમનાથ, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ અને બોટાદમાં વરસાદ વરસી શકે છે.
આજે અહીં વરસાદની આગાહી
આજે એટલે કે 18મી માર્ચે અરવલ્લી, અમદાવાદ, આણંદ, દાહોદ, નર્મદા, છોટા ઉદેપુર, સાબરકાંઠા, તાપી, ડાંગ, સુરત, ભાવનગર, અમરેલીમાં વરસાદ વરસી શકે છે. 19મી માર્ચે અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, ડાંગ, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલીમાં વરસાદ ખાબકી શકે છે.