કોંગ્રેસ નેતા થરૂરે કરી ટ્વિટ, મોંઘવારી વધતાં UPA અને NDA સરકારના સમયનાં રોજબરોજની વસ્તુઓના ભાવના તફાવત દર્શાવતો એક ફોટો મૂક્યો
શશિ થરૂરે ફરી કર્યો સરકાર ઉપર વાર
છેલ્લા આઠ વર્ષમાં વેજીટેબલ ઓઈલના ભાવમાં 118 ટકાનો વધારો
સિલિન્ડરની કિંમત 1000 રૂપિયાને પાર
કોંગ્રેસના સાંસદો ઈંધણના ભાવ વધારાને લઈને સતત સરકાર વિરુદ્ધ
કોંગ્રેસ નેતા શશિ થરૂરે ફરી એકવાર મોંઘવારીને લઈને સરકારને ઘેરી છે. તેમણે UPA અને વર્તમાન સરકાર દરમિયાન ચોખા, ઘઉં, તેલ અને શાકભાજી જેવી ખાદ્ય ચીજોના ભાવની તુલના કરતો ચાર્ટ રજૂ કર્યો છે. સાથે જ તેમણે કહ્યું છે કે બંને સરકારો વચ્ચે એક મોટો તફાવત એ છે કે "તમે દરરોજ આ મોંઘવારીનો અનુભવ કરી શકો છો". તમને જણાવી દઈએ કે કોંગ્રેસના સાંસદો ઈંધણના ભાવ વધારાને લઈને સતત સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે.
NDA સરકાર આવ્યા પછી ભાવ વધ્યા: થરૂર
તિરુવનંતપુરમના સાંસદ દ્વારા પ્રસ્તુત ચાર્ટ 2014 અને 2022 ની વચ્ચે છે. તેમણે NDA સરકાર સત્તામાં આવ્યા બાદ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં કેટલો વધારો થયો છે તેનો નિર્દેશ કર્યો છે. થરૂરનું કહેવું છે કે, છેલ્લા આઠ વર્ષમાં વેજીટેબલ ઓઈલના ભાવમાં 118 ટકાનો વધારો થયો છે અને પામ ઓઈલના ભાવમાં 109 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત ચોખા, ઘઉં, કઠોળ, ખાંડ, દૂધ, ચા, મીઠું, બટાકા, ડુંગળી, ટામેટાંના ભાવ 10 ટકાથી વધીને 60 ટકા થયા છે.
પેટ્રોલ અને ડીઝલમાં 14 વખત ભાવ વધારો
થરૂરના જણાવ્યા અનુસાર, 22 માર્ચથી 6 એપ્રિલની વચ્ચે 14 વખત પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. ગુરુવારે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 3.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ પ્રતિ સિલિન્ડરની કિંમત 1000 રૂપિયાને પાર પહોંચી ગઈ હતી. સરકારે ઇંધણના ભાવમાં વધારા માટે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને જવાબદાર ઠેરવ્યું છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે રશિયા-યુક્રેન સંકટને કારણે તમામ દેશો પ્રભાવિત થયા છે અને યુદ્ધને કારણે ખાદ્ય પુરવઠાની શ્રૃંખલા ખોરવાઈ ગઈ છે.