New Parliament Building News: કોંગ્રેસ સહિત 19 વિરોધ પક્ષોએ સામૂહિક રીતે બહિષ્કારની જાહેરાત કરી છે અને કહ્યું છે કે, સરકારે રાષ્ટ્રપતિને આમંત્રણ ન આપીને લોકશાહીનું અપમાન કર્યું
દિલ્હીમાં નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન મુદ્દે રાજકારણ ગરમાયું
વિપક્ષોએ કહ્યું સરકારે રાષ્ટ્રપતિને આમંત્રણ ન આપીને લોકશાહીનું અપમાન કર્યું
દિલ્હીમાં નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનની તૈયારીઓ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, PM મોદી 28 મેના રોજ સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. આ તરફ આ સમારોહ પહેલા રાજકીય વિવાદ પણ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ સહિત 19 વિરોધ પક્ષોએ સામૂહિક રીતે બહિષ્કારની જાહેરાત કરી છે અને કહ્યું છે કે, સરકારે રાષ્ટ્રપતિને આમંત્રણ ન આપીને લોકશાહીનું અપમાન કર્યું છે.
ભાજપના તમામ નેતાઓ આ અંગે વિપક્ષી પાર્ટીઓને ઘેરી રહ્યા છે, હવે આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ આ અંગે મોટું નિવેદન આપ્યું છે. જેમાં તેમણે પૂછ્યું છે કે શું આ વિરોધ પક્ષો રામ મંદિરના ઉદ્ઘાટનનો વધુ વિરોધ કરશે? હિમંતા બિસ્વા સરમાએ સંસદ ભવનનાં ઉદ્ઘાટન પર થયેલા હંગામા વચ્ચે આ ટ્વિટ કર્યું છે. આ ટ્વિટમાં તેમણે લખ્યું, શું કહેવાતા વિરોધ પક્ષો રામ મંદિરના ઉદ્ઘાટનનો પણ બહિષ્કાર કરશે ?
Will the so-called opposition parties boycott the inauguration of the Ram Mandir also ?
— Himanta Biswa Sarma (@himantabiswa) May 24, 2023
NDA એ વિરોધ પક્ષોના બહિષ્કારની નિંદા કરી
ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ વિરોધ પક્ષોના બહિષ્કારની નિંદા કરી અને તેના પગલાને ભારતના લોકતાંત્રિક સિદ્ધાંતો અને બંધારણીય મૂલ્યોનું ઘોર અપમાન ગણાવ્યું. એનડીએ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ)ની પાર્ટી નવી સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાના 19 રાજકીય પક્ષોના તિરસ્કારપૂર્ણ નિર્ણયની સ્પષ્ટપણે નિંદા કરીએ છીએ. આ માત્ર અપમાનજનક નથી પરંતુ મહાન રાષ્ટ્રના લોકતાંત્રિક સિદ્ધાંતો અને બંધારણીય મૂલ્યોનું ઘોર અપમાન છે.
વિપક્ષી પાર્ટીઓએ ઉદ્ઘાટન સમારોહના બહિષ્કારની જાહેરાત કરી
કોંગ્રેસ સહિત 19 વિપક્ષી પાર્ટીઓએ 28 મેના રોજ યોજાનાર ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. વિરોધ પક્ષોએ માંગ કરી છે કે, ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નહીં પરંતુ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરવામાં આવે. સરકાર પર રાષ્ટ્રપતિ મુર્મુને "સંપૂર્ણપણે બાજુ પર રાખવા"નો આરોપ લગાવતા 19 પક્ષોએ એક નિવેદનમાં કહ્યું છે કે, જ્યારે લોકશાહીની આત્મા છીનવાઈ ગઈ છે ત્યારે તેઓને નવી ઇમારતનું કોઈ મૂલ્ય દેખાતું નથી.
બહિષ્કાર કરનારાઓમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે), જનતા દળ (યુનાઇટેડ), આમ આદમી પાર્ટી (આપ), નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે), કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા માર્ક્સવાદી (સીપીઆઈ-એમ) સામેલ છે. સમાજવાદી પાર્ટી (એસપી જેવા તમામ વિરોધ પક્ષો), રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી), કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (સીપીઆઈ) સામેલ છે.