Team VTV07:34 PM, 29 Jun 22
| Updated: 08:56 PM, 30 Jun 22
ગુજરાતમાં આજે નવા 529 કેસ નોંધાયા, 408 સાજા થયા, અમદાવાદમાં 226 અને સુરતમાં 99 કોરોનાના કેસ
ગુજરાતમાં ફરી કોરોના લઈ રહ્યો છે ભરડો
રાજ્યમાં આજે કોરોનાના વધુ 529 કેસ નોંધાયા
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસમાં મોટો વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં કોરોનાનો આંકડો 500ને પાર પહોંચી ગયો છે. આજે નવા કોરોનાના વધુ 529 કેસ નોંધાતા તંત્રના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. 408 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 2914 પહોચી ગઈ છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 2 દર્દીઓની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે. રાહતની વાત એ છે કે આજે કોરોનાને લીધે કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી.
જિલ્લા પ્રમાણે કોરોના કેસ
અમદાવાદમાં સૌથી વધુ 226 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે સુરતમાં 99 કેસ, વડોદરામાં 59 કેસ, વલસાડમાં 20 કેસ, કચ્છમાં 13 કેસ, નવસારીમાં 13 કેસ, મહેસાણામાં 12 કેસ, રાજકોટમાં 13 કેસ, ભરૂચમાં 10 કેસ, ગાંધીનગરમાં 18 કેસ, જામનગરમાં 8 કેસ, આણંદમાં 5 કેસ, તો દાહોદ, પંચમહાલ અને સાબરકાંઠામાં ત્રણ ત્રણ કેસ સામે આવ્યા છે.
13 દિવસમાં 4446 કેસ નોંધાયા
ચિંતાની વાત એ છે કે 15 જુનથી 28 જુન સુધીમાં 4446 કેસ કોરોનાના ગુજરાતમાં નોંધાયા છે જ્યારે છેલ્લા 7 દિવસની સરખામણીએ એવરેજ 410 કેસ રાજ્યમાં બહાર આવી રહ્યા છે.
એક પણ કેસમાં હોસ્પિટલાઇઝેશનની જરૂર નથી પડી: ઋષિકેશ પટેલ
રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે કોરોનાના વધતા કેસ પર આરોગ્ય વિભાગની નજર છે.વેરિએન્ટ અને સબ વેરિએન્ટની તપાસ થઇ રહી છે. એક પણ કેસમાં હોસ્પિટલાઇઝેશનની જરૂર નથી પડી. ક્રિટિકલ હોય તેવા કોઇ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ નથી. લોકો હોમ આઇસોલેશનમાં રહીને સ્વસ્થ્ય થઇ રહ્યાં છે.
CM ભૂપેન્દ્ર પટેલ કોરોના પોઝિટિવ
ગુજરાતના આરોગ્યમંત્રી કોરોનાને માત આપી પરત ફર્યા છે ત્યારે બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોના પોઝિટિવ આવ્યા છે. કોરોનાના હળવા લક્ષણ જણતા તેઓએ કોવિડનો રિપોર્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવતા મુખ્યમંત્રી પટેલની સંપર્કમાં આવેલા લોકોને સાવચેત રહેવા સૂચન કરવામા આવ્યું છે. હાલ CM ભૂપેન્દ્ર પટેલને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આ તરફ રથયાત્રાને આડે હવે ગણતરીના 3 દિવસો જ રહ્યા છે. આજથી જ અનેક રંગારંગ કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ રથયાત્રામાં ભાગ લેવા અને વિધિઓમાં હાજર રહેવા જવાના હતા પણ કોરોના પોઝિટિવ આવતા તેઓ રથયાત્રામાં નહીં જોડાઈ શકે, જો કે કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ રથયાત્રાના કાર્યક્રમ અંગે સીએમઓ તરફથી કોઈ જાણકારી આપવામાં આવી નથી. CMને કોરોના થતાં વર્ષોની પહિંદવિધિની પરંપરા તૂટશે. પહિંદવિધિ કોણ કરશે તેને લઇને કોઇ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી.