બિપોરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત 10 જિલ્લાઓમાં રાજ્ય સરકાર દ્વારા 11.60 કરોડ રૂપિયાની ત્વરિત નુકસાન વળતર સહાય ચૂકવવામાં આવી છે તેવું રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.
બિપોરજોય વાવાઝોડાના કારણે થયું હતું ભારે નુકસાન
રાજ્ય સરકાર દ્વારા 11.60 કરોડ રૂપિયાની ચૂકવાઈ સહાય
સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આપી માહિતી
કુદરતી આફતોમાં રાજ્ય સરકાર ઝીરો કેઝ્યુલીટીના ધ્યેયમંત્ર સાથે અસરકારક કામગીરી કરતી આવી છે ત્યારે આવી ઘટનાઓ દરમિયાન રાજ્યના નાગરિકને સહેજ પણ આર્થિક કે શારિરીક નુકશાન થાય તેવા તમામ કિસ્સામાં તેની પડખે રાજ્ય સરકાર ઉભી રહી છે. તાજેતરમાં ગુજરાતમાંથી પસાર થયેલા બિપોરજોય વાવાઝોડાથી ગુજરાતના જે 10 અસરગ્રસ્ત જિલ્લાઓમાં નુકસાન થયું હતું તેવા કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, મોરબી, રાજકોટ, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓમાં અત્યાર સુધીમાં રાજ્ય સરકાર દ્વારા અંદાજીત કુલ રૂ.11.60 કરોડની ત્વરીત નુકસાન વળતર સહાય ચુકવી દેવામાં આવી હોવાનું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે.