farmers protest at gazipur bordr rakesh tikait tears and up police action
આંદોલન /
આ નેતાના આંસુએ રાતોરાત પલટી નાંખી બાજી : ગાજીપુર બોર્ડર બની આંદોલનનું એપીસેન્ટર
Team VTV09:15 AM, 29 Jan 21
| Updated: 09:17 AM, 29 Jan 21
ગઇકાલે ગાજીપુર બોર્ડર પર જે પ્રકારની હલચલ હતી તે મુજબ રાત સુધીમાં આંદોલન સમાપ્ત થવાની આરે આવી ગયું હતું પરંતુ ખેડૂત અગ્રણીના આંસુઓએ આખી બાજી પલટી નાંખી છે.
ગાજીપુર બોર્ડર પર ફરીથી મોટી સંખ્યામાં ખેડૂત પહોંચ્યા
રાકેશ ટીકૈતના આંસુઓએ પલટી નાંખી બાજી
ગઇકાલે ભારે સંખ્યામાં ફોર્સ સાથે આંદોલનને સમાપ્ત કરી દેવાની હતી તૈયારી
આંદોલનનું એપીસેન્ટર બની ગયું ગાજીપુર
ગણતંત્ર દિવસ પર જે હિંસા થઈ તે બાદથી આંદોલન ઢીલું પડતું દેખાઈ રહ્યું હતું અને છેલ્લા બે દિવસમાં આખો ઘટનાક્રમ બદલાઈ ગયો હતો. પરંતુ ગઇકાલે એક ઘટના એવી થઈ કે ફરીવાર આંદોલનમાં જોશ આવી ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે. હવે ખેડૂત આંદોલનનું સેન્ટર સિંઘુ બોર્ડર નહીં પણ ગાજીપુર બોર્ડર છે.
કઈ રીતે પલટાઈ બાજી
ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટીકૈતની આગેવાનીમાં આંદોલનકારી ખેડૂતો બે મહિનાથી આંદોલન કરી રહ્યા હતા પરંતુ ગઇકાલે યુપી સરકારે તેમને હટાવી દેવાના પ્રયત્ન કર્યા. સાંજ સુધીમાં આંદોલન જાણે ખતમ થઈ રહ્યું હોય તેવું દેખાઈ રહયું હતું પરંતુ યોગી સરકાર પોતાના મનસૂબામાં સફળ ન રહી શકી. કેટલાક જ કલાકોમાં ગાજીપુરમાં આખી તસવીર જ બદલાઈ ગઈ.
જુઓ આખો ઘટનાક્રમ
ગુરુવારે બપોરે દિલ્હી પોલીસે રાકેશ ટીકૈતને નોટિસ આપી અને તે બાદ તેમણે મંચ પર આવીને માઇક સંભાળી લીધું. બીજી તરફ તેમના ભાઈએ પણ બધાને પોતાના ઘરે જવા માટે કહી દીધું. જે બાદ રાકેશ ટીકૈત સરેન્ડર કરી દેશે અને તેમની ધરપકડ થઈ જશે તેવી ચર્ચાએ જોર પકડયું.
સરકારે આપ્યો હતો આદેશ
સાંજ સુધીમાં યુપી સરકારે બધાને આદેશ દીધા કે ધરણાંસ્થળને ખાલી કરી દેવામાં આવે. ગાઝિયાબાદના મોટા મોટા અધિકારીઑ ભારે સંખ્યામાં ફોર્સની સાથે બોર્ડરની પાસે પહોંચી ગયા અને રાકેશ ટીકૈતના મંચની આસપાસના ટેન્ટ અને ટોઇલેટ હટાવી દેવામાં આવ્યા. ભારે સંખ્યામાં ફોર્સને જોઈને બધાને લાગ્યું કે હવે કોઈ પણ સમયે આ આંદોલન સમાપ્ત થઈ જશે.
રાકેશ ટીકૈતની ભાવુક અપીલ
જોકે તે બાદ રાકેશ ટીકૈતે આખી બાજી પલટી નાંખી. રાકેશ ટીકૈતે પોલીસની વાત ન માની અને ધમકી આપી કે ત્રણ કાયદા પાછા ન લેવામાં આવે તો આપઘાત કરી લેશે. રાકેશ ટીકૈતની આંખોમાં આંસુ જોઈને ઘણા ખેડૂતો ફરીથી જાણે આંદોલન માટે જોશમાં આવી ગયા અને બીજી તરફ મુજફફરનગરમાં હજારો સમર્થકોને નરેશ ટીકૈતે મહાપંચાયતનું એલાન કરી દીધું.
જોતજોતાંમાં સરકાર અને તંત્રની આખી બાજી પલટાઈ ગઈ અને ગાજીપુર બોર્ડર પર મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચવા લાગ્યા. મોટી સંખ્યામાં ટ્રેક્ટર સાથે લોકોને જોઈને તંત્ર ઢીલું પડ્યું અને ખેડૂતોની જે વીજળી કનેક્શન કાપવામાં આવ્યું હતું તે પણ પાછું આપી દેવામાં આવ્યું.