Farmer leaders allege actor deep sidhu instigated protesters
હિંસક પ્રદર્શન /
પ્રદર્શનકારીઓને લાલ કિલ્લા સુધી લઇ જનાર અને ઝંડો ફરકાવનાર એ વ્યક્તિ કોણ છે જેના પર ખેડૂતો લગાવી રહ્યાં છે આરોપ
Team VTV07:56 AM, 27 Jan 21
| Updated: 08:12 AM, 27 Jan 21
દિલ્હીમાં ટ્રેકટર પરેડ દરમિયાન થયેલ હિંસા પાછળ પંજાબના અભિનેતા અને સિંગર દીપ સિદ્ધુનું નામ સામે આવી રહ્યું છે. ખેડૂત નેતાઓએ આરોપ લગાવ્યો છે કે દીપ સિદ્ધુએ જ પ્રદર્શનકારીઓને હિંસા માટે ભડકાવ્યાં છે.
દિલ્હીમાં ઉપદ્રવીઓની હિંસા મામલે એક્ટર દીપ સિદ્ધૂ પર શંકા
દીપ સિદ્ધૂએ હિંસા માટે લોકોને ભડકાવ્યા હોવાનો આરોપ
ઘટના બાદ દીપ સિદ્ધૂએ ફેસબુક લાઈવ કરીને દાવો કર્યો હતો
ઉલ્લેખનીય 26 જાન્યુઆરીના રોજ ખેડૂતો દ્વારા નીકાળવામાં આવેલી ટ્રેકટર રેલીએ હિંસક સ્વરુપ ધારણ કર્યું હતું. જો કે ખેડૂત નેતાઓએ આરોપ લગાવ્યો છે કે આ હિંસા પાછળ પંજાબના અભિનેતા અને ગાયક કલાકાર દીપ સિદ્ધુ જવાબદાર છે.
ખેડૂત નેતાઓએ આરોપ લગાવ્યો છે કે દીપ સિદ્ધુએ જ પ્રદર્શનકારીઓને હિંસા માટે ભડકાવ્યાં છે. ભારતીય ખેડૂત યુનિયન હરિયાણાના પ્રમુખ ગુરનામ સિંહ ચઢૂનીએ દિપ સિદ્ધૂ પર પ્રદર્શનકારીઓને ભડકાવવા તેમજ ગુમરાહ કરવાનો આરોપ લગાવ્યો છે.
ગુરનામ સિંહ ચઢૂનીએ કહ્યું કે દીપ સિદ્ધુ જ પ્રદર્શનકારીઓને લાલ કિલ્લા સુધી લઇ ગયો. ખેડૂતો ક્યારેય ત્યાં જવાના પક્ષમાં નહોતા. ગુરનામ સિંહ ચઢૂની સાથે સ્વરાજ પાર્ટીના યોગેન્દ્ર યાદવે પણ દીપ સિદ્ધુ પર આરોપ લગાવ્યો છે. યોગેન્દ્ર યાદવે કહ્યું કે દીપ સિદ્ધુ કેટલાક દિવસોથી આંદોલનને ભડકાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તે ભાજપ સાથે જોડાયેલો છે.
યોગેન્દ્ર યાદવે કહ્યું કે દીપ સિદ્ધુ ભાજપ સાંસદ સન્ની દેઓલનો ચૂંટણીમાં એજન્ટ રહી ચૂક્યો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે તેના કેટલાક ફોટાઓ પણ છે. દિલ્હી પોલીસને અમે ઘણી વખત આ અંગે જાણ પણ કરી હતી, જો કે પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નહોતી.
તેના ફોટા સામે આવ્યાં છતા તેની ધરપકડ કરવામાં આવી નથી. યોંગેદ્ર યાદવે કહ્યું કે મને એવું લાગે છે કે દિલ્હી હિંસા પાછળ કોઇ ષડયંત્ર છે.
કોંગ્રેસના લોકસભા સાંસદ રવનીત સિંહ બિટ્ટુએ પણ દાવો કર્યો છે તે દીપ સિદ્ધુ જ છે જેણે લાલ કિલ્લા પર ઝંડો ફરકાવ્યો હતો. તે પ્રતિબંધિત સંગઠન શિખ ફોર જસ્ટિસ (SFJ)નો સભ્ય છે. જો કે આ ઘટના પછી દીપ સિદ્ધુએ ફેસબુક લાઇવ કરતા દાવો કર્યો કે અમે લાલ કિલ્લા પર માત્ર નિશાન સાહિબ જ ફરકાવ્યો અને વિરોધ કરવો તો અમારો લોકશાહીમાં અધિકાર છે. અમે ત્રિરંગાને હટાવ્યો નથી.