Demand to provide electricity to farmers during the day
માંગણી /
BJP, કોંગ્રેસ, AAP ત્રણેય નેતાઓની એક જ માંગ: ખેડૂતોને દિવસે વીજળી આપો, જુઓ કયા નેતાએ શું કહ્યું?
Team VTV02:43 PM, 28 Jan 23
| Updated: 02:46 PM, 28 Jan 23
રાજ્યમાં મોટાભાગે ખેડૂતોને દિવસે પર્યાપ્ત વીજળી નહીં અપાતા હાડ ગાળી નાખતી કાંતિલ ઠંડીમાં ખેડૂતોએ રાત્રિના ખેતરમાં પાણી પાવું પડે છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ ખેડૂતોને દિવસે પાણી આપવાની માંગ કરી છે.
તીવ્ર ટાઢમાં પાણી વાળવા ઝઝુમી રહ્યા છે ખેડૂતો
ખેડૂતોને દિવસે વીજળી આપવાની માંગ
અમરેલી ભાજપના પૂર્વ પ્રમુખે કરી માંગ
કોંગ્રેસે મુખ્યમંત્રીને પત્ર લખી કરી માંગ
રાજ્યભરમાં પડી રહેલી કાતિલ ઠંડીએ લોકોના જીવન પર ભારે અસર કરી છે. લોકો ઠંડીમાં થથરી રહ્યા છે. આવી કકડતી ઠંડીમાં પણ ખેડૂતોને ઉજાગરા કરીને પિયત કરવું પડી રહ્યું છે. ખેડૂતોને રાત્રિ દરમિયાન વીજળી અપાતી હોવાથી કડકડતી ઠંડીમાં ખેતરમાં કામ કરવા મજબૂર થયા છે. ત્યારે હવે રાજ્યભરના ખેડૂતોને દિવસે વીજળી આપવા આવે એવી માંગ ઉઠી છે. કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી આ અંગે માંગ કરાયા બાદ ભાજપના આગેવાને ટ્વીટ કરીને દિવસે ખેડૂતોને વીજળી આપવાની માગ કરી છે.
અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખે કરી માગ
અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડૉ.ભરત કાનાબારે ખેડૂતોને દિવસે વીજળી આપવાની માંગ કરી છે. તેમણે ટ્વીટ કરીને દિવસે વીજ પુરવઠો આપવાની માંગ
કરી છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે, કાતિલ ઠંડીમાં રાત્રે મોટા શહેરોની સડકો પણ સુમસામ થઇ જાય છે. જ્યારે આપણે બ્લેન્કેટ ઓઢી ટીવીની સિરિયલો માણતાં હોઈએ છીએ ત્યારે આ કડકડતી ઠંડીમાં પણ ખેડૂતને પાણી વાળવા ખેતરમાં રાત્રે ઝઝૂમવું પડે છે. કોલ્ડ વેવ દરમિયાન કૃષિમાં અપાતી વીજળીના ટાઈમટેબલમાં તાત્કાલિક ફેરફાર જરૂરી બન્યો છે.' અગાઉ ગુજરાત કોંગ્રેસે પણ દિવસે વીજળી આપવા માગ કરી હતી.
કાતિલ ઠંડીમાં રાત્રે મોટા શહેરોની સડકો પણ સુમસામ થઇ જાય છે. જયારે આપણે બ્લેન્કેટ ઓઢી ટીવીની સિરિયલો માણતાં હોઈએ છીએ ત્યારે
આ કડકડતી ઠંડીમાં પણ ખેડૂતને પાણી વાળવા ખેતરમાં રાત્રે ઝઝૂમવું પડે છે.
કોલ્ડ વેવ દરમિયાન કૃષિમાં અપાતી વીજળીના ટાઈમટેબલમાં તાત્કાલિક ફેરફાર જરૂરી બન્યો છે. pic.twitter.com/SZrhqeLpdJ
ગુજરાત કોંગ્રેસે પત્ર લખીને કરી માંગ
ગુજરાત કોંગ્રેસે ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવા મુખ્યમંત્રીને પત્ર લખી માંગણી કરી છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ આ પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે લખ્યું કે સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે જેની સીધી અસર માનવજીવન પર પડી રહી છે. કાતિલ ઠંડીને કારણે રાજ્યના લાખો ખેડૂતો રાત્રે ખેતરમાં વ્યાપક પરેશાની ભોગવી રહ્યા છે અનેક ખેડૂત આગેવાનો અને કોંગ્રેસ પક્ષ તરફથી પણ ખેડૂતોને દિવસે વીજળી આપી કાતિલ ઠંડીમાંથી બચાવવા માંગ આપની સમક્ષ કરી રહ્યા છીએ.
કોંગ્રેસનો મુખ્યમંત્રીને પત્ર
'કાતિલ ઠંડીમાં ખેડૂતોને બચાવવા અતિ જરૂરી છે'
કોંગ્રેસના આ પત્રમાં મોડાસાના ટીટોઈના 57 વર્ષના લવજીભાઈ વિરસંગભાઈ પટેલનો પણ ઉલ્લેખ કર્યો છે. પત્રમાં લખ્યું છે કે, 'વાડીમાં રાત્રે પાણી વાળવા ગયેલા ખેડૂત ઠંડીમાં ઠુંઠવાઈને ખેતરમાં મૃત હાલતમાં મળ્યા હતા. આપણા સૌ માટે અતિ દુઃખદ અને ખાસ કરીને સરકારે ચિંતા કરવાનો સમય પાકી ગયો છે. કાતિલ ઠંડીમાં ખેડૂતોને બચાવવા અતિ જરૂરી છે, ત્યારે રાજ્યસરકાર ખેડૂતની ખેતી બચાવવા માટે દિવસે વીજળી આપવાનો નિર્ણય સત્વરે કરશો તેવી વિનંતી.'
કોંગ્રેસનો પત્ર અને ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશી
ઈસુદાન ગઢવીએ કર્યા આકરા પ્રહાર
‘આપ’ના પ્રમુખ ઇસુદાન ગઢવીએ સૂર્યોદય યોજનાને લઈને સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ખેડૂતોને દિવસે વીજળી મળે એ માટે કિસાન સૂર્યોદય યોજના આવી હતી. પરંતુ રાજ્યના ઘણા વિસ્તારોમાં ખેડૂતોને હજુ પણ દિવસે વીજળી આપવામાં આવતી નથી. ચૂંટણી પહેલા ભાજપના આગેવાનોએ આ યોજના થકી ખેડૂતોને ભરમાવ્યા હતા. ખેડૂતોના મત મેળવી ભાજપે ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો છે. ખેડૂતોના બોર ઉપર પણ મીટરો લગાવવાનું શરૂ કરી દિધું છે. ભ્રષ્ટ ભાજપ ધીરે ધીરે ખેડૂતોને માયકાંગલા બનાવી રહીં છે. ખેડૂતોની ખેતી બરબાદ કરી ખેતી ઉદ્યોગપતિઓને આપી દેવા ભાજપનું ષડયંત્ર ચાલી રહ્યું છે. કિસાન સૂર્યોદય યોજના શરૂ થયા બાદ પણ ખેડૂતોને દિવસે વીજળી મળી રહી નથી. જેના કારણે આવી કડકડતી ઠંડીમાં ખેડૂતોનું રાત્રે પાણી વાળવા મજૂબર થયા છે.
ઈસુદાન ગઢવી (પ્રમુખ, AAP ગુજરાત)
... તો અમે આંદોલન કરીશુંઃ AAP પ્રમુખ
તેમણે કહ્યું કે, ખેડૂતોનું રાત્રે પાણી વાળવા સમયે ઠંડીથી મોતની ઘટનાઓ સામે આવી રહી છે. સૌરાષ્ટ્ર અને મોડાસામાં 2 ખેડૂતના ઠંડીથી મોત થયા છે. છતાં સરકારની આંખ ઉઘડતી નથી. આંદોલનની ચીમકી ઉચ્ચારતા તેમણે કહ્યું કે, જો ભાજપ સૂર્યોદય યોજના હેઠળ દિવસે વીજળી ક્યારે મળશે તે જાહેર નહીં કરે તો અમે આંદોલન કરીશું.
અરવલ્લી જિલ્લામાં સતત બીજા દિવસે ખેડૂતનું મૃત્યુ
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે એક બાજુ રાજ્યમાં કડકડતી ટાઢ પડી રહી છે જેના પગલે જનજીવનને પણ અસર થઈ રહી છે, રાજ્યમાં પડી રહેલી કાતિલ ઠંડીમાં રાત્રે ખેતરમાં પાણી વાળવા જતા ખેડૂતોના મોતની એક બાદ એક ખબર સામે આવી રહી છે. અરવલ્લી જિલ્લામાં સતત બીજા દિવસે વધુ એક ખેડૂતનું મૃત્યુ નિપજ્યું છે. અરવલ્લી જિલ્લામાં આવેલા માલપુર તાલુકાના વીરણીયા ગામમાં રાત્રે ખેતરમાં પાણી વાળવા ગયેલા ખેડૂતનો સવારે મૃતદેહ ઘરે આવ્યો. મૃતક ખેડૂતની પત્નીએ આક્ષેપ કર્યો છે કે ઠંડીના કારણે તેમના પતિનું મોત થયું છે.