Team VTV09:44 PM, 22 May 22
| Updated: 10:07 PM, 22 May 22
દીવ બાદ દમણના જમપોર બીચ પર સર્જાઈ દુર્ઘટના, પેરાસેલિંગ સાથે ઉંચે હવામાં ઉડી રહેલ 3 સહેલાણી પટકાયા
બીચ પર સર્જાઈ દુર્ઘટના
પેરાસેલિંગનુ પેરાશુટ નીચે પટકાયુ
હવામાં ફંગોળાતા સહેલાણીઓ પટકાયા
દમણના જમપોર બીચ પર અલગ અલગ સુવિધાઓ પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવી છે. જેમાં બોટિંગથી લઇને પેરાગ્લાઇડિંગની મજા પણ પ્રવાસીઓ માણી શકે છે. તેવામાં જમપોર બીચ પર ઘટેલી એક દુર્ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
એ એ ગયા... ચીસાચીસ થઈ ગઈ
દમણના જમપોર બીચ પર 3 લોકો પેરાસેલિંગ મજા માણવા ઉંચે હવામાં ઊડ્યાં હતા. જ્યાં અચાનક જ હવામાં પેરાશુટ ફંગોળાતા ચીસાચીસો પડી ગઈ હતી. જે બાદ ઉપર ચડયાની થોડી જ સેકંડોમાં પેરાસેલિંગ સાથે ઉંચે હવામાં ઉડી રહેલ સહેલાણી પટકાયા બીચ પર પટકાયા હતા. જેનો આસપાસના પ્રવાસીઓ લાઈવ વીડિયો ઉતાર્યો હતો જે હાલ સોશિયલ મીડીયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. હવામાં પેરાશુટ ફંગોળાતા આ દુર્ઘટના ઘટી છે પણ સદનસીબે કોઇ જાન હાની થઈ નથી. પણ ત્રણેય લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. તેમણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પેરાશૂટનું એક તરફનું દોરડું જતા આ ઘટના બની હોય તેવુ વીડિયો પરથી લાગી રહ્યું છે.
દીવના નાગવા બીચ પર પણ બની હતી આવી જ ઘટના
આ પહેલા ગત વર્ષના નવેમ્બર મહિનામાં દીવના નાગવા બીચ પર જેમાં પેરાશૂટમાં બેઠેલા પ્રવાસીઓને એક અકસ્માત થયો હતો. એક દંપત્તિ બોટ સાથે બાંધેલા દોરડાની મદદથી પેરાશૂટમાં ઉડે છે. તેવામાં આકાશમાં ઉડતા હતા તે સમયે અચાનક બોટ અને પેરાશૂટ સાથે બાંધેલુ દોરડું તૂટ્યું હતું. આ દોરડું તૂટતા પેરાશૂટ બોટના કંટ્રોલથી બહાર થઇ ચૂક્યું હતું અને પેરાશૂટથી પ્રવાસીઓ નીચે પટકાયા હતા. જોકે આ દંપતિને ઈજા નથી થઇ. પણ થોડી ક્ષણો માટે જીવ તાળવે ચોંટી ગયા હતા.આ ઘટના બાદ દીવ ટુરિઝમના અધિકારીઓ ભૂલ સ્વીકારવાને બદલે ભાગ્યા હતા અને પ્રવાસી દંપતિને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા હતા. દાદાગીરી અને તોછડા વર્તનનો પણ આક્ષેપ લગાવાયો હતો. સાથે પ્રવાસી દંપતિને હેરાન કરાયાનો આક્ષેપ લગાવાયો છે.
પ્રવાસીઓની સુરક્ષાની ખાતરી કોણ આપશે?
આમ દીવ બાદ દમણમાં બંનેલી આ ઘટનાથી અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ઘટના કેમ કરી તેના પર તો હાલ જમપોર બીચ પર પેરાસેલિંગ કરાવતી કંપનીએ ચુપ્પી સાધી છે પણ આ રીતે મસમોટી ફી વસૂલી લોકોના જીવ જોખમમાં મુકનાર સામે કડક કાર્યવાહી તંત્ર કયારે કરશે તે સૌથી મોટો સવાલ છે. હવામાન વિભાગની 2 દિવસ ભારે પવનની આગાહી છે ત્યારે પણ જોખમી રીતે કેમ પેરાસેલિંગ કરાવવાનું ચાલુ રાખવામાં આવ્યું અને તંત્ર દ્વારા કેમ કોઈ રોકટોક ન કરવામાં આવી તે પણ ગંભીર બાબત છે. હજુ સુધી સમગ્ર મામલે કોઈ પોલીસ ફરિયાદ થઈ હોય તેવી માહિતી મળી નથી.