ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ઘાતક ત્રીજી લહેર વચ્ચે આજે દેશ મકરસંક્રાંતિ ઉજવી રહ્યો છે.
ભારતમાં કોરોના વાયરસના કેસના કેસમાં ઉછાળો
છેલ્લા 24 કલાકમાં કોરોના કેસ અઢી લાખને પાર
નવા વેરિયન્ટના કારણે દેશભરમાં દહેશત
ભારત દેશમાં ઓમીક્રૉન વેરિયન્ટને કારણે કોરોના વાયરસની ત્રીજી લહેર ચાલી રહી છે. ત્રીજી લહેરના કારણે દરરોજ નવા કેસની સંખ્યામાં સતત વધારો રહ્યો છે. વૈજ્ઞાનિકો માની રહ્યા છે કે હજુ એકથી દોઢ મહિના સુધી તો કેસ વધવાનો ટ્રેન્ડ જ જોવા મળશે ત્યારે આજે પણ કોરોના વાયરસના કેસની સંખ્યામાં વધારો થયો છે.
કેટલા નવા કેસ નોંધાયા?
ભારતમાં આજે નવા કેસના આંકડાઓ સામે આવ્યા છે જેમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના બે લાખ 64 હજાર કેસ નોંધાયા છે અને 315 લોકોના મોત થયા છે. ભારતમાં અત્યારે પોઝિટીવીટી રેટ વધીને 14.78% પહોંચી ગયો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર આંકડાઓ અનુસાર અત્યારે હાલ દેશમાં 12 લાખ 72 હજાર એક્ટિવ કેસ છે જ્યારે મોતનો ટોટલ આંકડો વધીને 4 લાખ 85 હજાર 350 પર પહોંચી ગયો છે.
વેક્સિનેશનનું કામ તેજીથી વધ્યું
બીજી તરફ કોરોના વાયરસને રોકવા માટેનું સૌથી મોટું હથિયાર એટલે કે વેક્સિન આપવાનું કામ પણ તેજીથી કરવામાં આવી રહ્યું છે. ભારતમાં અત્યાર સુધીમાં 155 કરોડ વેક્સિનના ડોઝ આપી દેવામાં આવ્યા છે જેમાં ગઇકાલે જ 73 લાખ ડોઝ આપવામાં આવ્યા છે.
13 તારીખે ગુજરાતમાં 11થી વધુ કેસ નોંધાયા
ગુજરાતની ત્રીજી લહેરની ઘાતક શરૂઆત થઇ ચૂકી છે. આજે 11 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાતા હડકંપ મચ્યો છે. આજે 24 કલાકમાં 11,176 કોરોનાના કેસ નોંધાયા છે, તો 5 દર્દીના મોત થયા છે. તો કોરોનાને માત આપીનો આજે કુલ 4285 દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 50612 પહોંચી ગઇ છે. હાલ ગુજરાતમાં કુલ 64 દર્દીઓ વેન્ટિલેટર પર છે, બાકીના તમામ સ્ટેબલ છે. આજે ઓમિક્રોનનો એકપણ કેસ નોંધાયો નથી. રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો અને દર્દીઓ ઓછા સાજા થતા રિકવરી રેટ ઘટ્યો છે. આજે 93.23 ટકા રિકવરી રેટ નોંધાયો છે. આજે 3,11,217 લોકોને રસી અપાઈ ચૂકી છે. આમ, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 836140 દર્દી સાજા થયા અને કુલ 10142 દર્દીના મોત થયા છે. તો રાજ્યમાં 9,44,44,918 લોકોનું રસીકરણ કરાયું છે.