CM Bhupendra Patel will do a meeting on paper leak incident
BIG BREAKING /
CM ભૂપેન્દ્ર પટેલે બોલાવી બેઠક: જુનિયર ક્લાર્ક પેપરલીક મામલે ઉચ્ચ અધિકારીઓને અપાઈ શકે મોટા આદેશ
Team VTV11:46 AM, 29 Jan 23
| Updated: 11:53 AM, 29 Jan 23
જૂનિયર ક્લાર્કની પરીક્ષા રદ થયા બાદ હવે સરકાર એક્શન મોડમાં આવી છે. વિદ્યાર્થીઓની અનેક માંગો અને પ્રશ્નો પર ચર્ચા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બેઠક કરશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કરશે બેઠક
પરિક્ષા રદ્દ થવા મામલે કરશે બેઠક
ઉચ્ચ અધિકારીઓ સાથે કરશે મુખ્યમંત્રી બેઠક
આગામી બજેટ સત્રમાં સરકાર લાવી શકે છે કાયદો
સવારનાં 6 વાગ્યે પેપર લીક અને પરીક્ષા રદની માહિતી મળતાં જ વિદ્યાર્થીઓમાં હતાશાનો માહોલ છવાઈ ગયો હતો અને જેમ-જેમ કલાકો વિતી રહ્યાં છે પરીક્ષાર્થીઓ સરકાર પર સવાલો ઊઠાવી રહ્યાં છે..પોતાનો આક્રોશ લગભગ તમામ સેન્ટરો પર વિદ્યાર્થીઓ દર્શાવી રહ્યાં છે ત્યારે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ વિષય પર બેઠક કરવા જઈ રહ્યાં છે .
ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક
પેપર લીક થવાની વારંવાર બનતી ઘટના મામલે સરકાર આવનારાં બજેટ સત્રમાં કાયદો લાવે તેની શક્યતાઓ દેખાઈ રહી છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધિકારીઓની સામે એક્શન લઈ શકે છે. આ મુદા અંગે મુખ્યમંત્રી ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરવા જઈ રહ્યાં છે. હવે ટૂંક સમયમાં જ આ અંગે સરકાર શું જાહેરાત કરે છે તે જોવાનું રહ્યું..
પરીક્ષાર્થીઓમાં રોષ
ભાવનગર, પાલીતાણા સહિતના જિલ્લાઓમાંથી પરીક્ષા આપવા અમદાવાદ પહોંચેલા ઉમેદવારોએ VTV સાથેની વાતચીતમાં સરકાર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો. ઉમેદવારોએ કહ્યું, 'સાહેબ, અમે કાલ સાંજના ઘરેથી નીકળ્યા છીએ. રાત્રે બે વાગ્યે અમે અહીં પહોંચી ગયા હતા. અમે આખી રાતના ઠંડીમાં ઉજાગરા કરીને પેપર આપવા માટે આવ્યા છીએ. અહીં પહોંચ્યા બાદ વહેલી સવારે અમને સમાચાર મળ્યા કે પેપર લીક થવાના કારણે પરીક્ષા રદ કરવામાં આવી છે.'
2,995 પરીક્ષા કેન્દ્રો પર યોજાવાની હતી પરીક્ષા
આજે રાજ્યના કુલ 2,995 પરીક્ષા કેન્દ્રો પર જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા યોજાવાની હતી. પરંતુ આ પરીક્ષાનું અચાનક પેપર લીક થતા પરીક્ષા રદ્દ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીક થયા બાદ રદ કરવામાં આવી છે. આ અંગે ગુજરાત પંચાયત સેવા પસંદગી દ્વારા આ મામલે પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે.