વિજય રૂપાણીનાં રાજીનામાં બાદ હવે ભાજપ નવી સરકાર માટે મોટી તૈયારીઓ કરી રહી છે જેમા બે નાયબ મુખ્યમંત્રી રાખવા માટે વિચારણા ચાલી રહી છે.
ગુજરાતને ટૂંક જ સમયમાં મળશે નવા CM
પાટીદાર સમાજમાંથી હોય શકે છે મુખ્યમંત્રી
અન્ય સમાજને સાચવવા બનાવી બે DyCMની ફોર્મ્યુલા!
ગુજરાતમાં ભાજપ હવે કઈ ફોર્મ્યુલા અપનાવશે?
ગુજરાતમાં વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે ત્યારે હવે કોણ મુખ્યમંત્રી બનશે તે માટે મોટી હલચલ મચી ગઈ છે. ગૃહમંત્રી અમિત શાહ આજે રાતે જ અમદાવાદ આવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં આગામી સરકાર કેવી હશે તેની ફોર્મ્યુલાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
પાટીદાર ચહેરા પર દાવ રમશે ભાજપ!
વર્ષ 2022માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી છે, આ ચૂંટણીમાં એક મોટો અને મજબૂત ચહેરો તથા બધી જ જાતિઓને ધ્યાનમાં રાખીને કોઈ નારાજ ન રહે તેવી સરકાર ભાજપ દ્વારા આપવામાં આવી શકે છે. રાજ્યમાં પાટીદારો ભાજપથી નારાજ ચાલી રહ્યા છે ત્યારે ભાજપ પાટીદાર ચહેરાને મુખ્યમંત્રી બનાવે તેવી પ્રબળ શક્યતાઓ છે જેમા ગોરધન ઝડફિયા અને માંડવીયા આગળ ચાલી રહ્યા છે. એવામાં આગામી વિધાનસભા ચૂંટણીને જોતાં ગુજરાતમાં બે નાયબ મુખ્યમંત્રી બને તેવી ફોર્મ્યુલા સામે આવી રહી છે.
ગુજરાતમાં બે-બે DyCM!
કમલમમાં જે ચર્ચા ચાલી રહી છે ત્યારે નવા CMની સાથે બે જુદા જુદા સમુદાયમાંથી નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે. ભાજપની અંદર જે ફોર્મ્યુલા ચાલી રહી છે તે અનુસાર પાટીદાર CMની સાથે એક OBC નાયબ મુખ્યમંત્રી જ્યારે બીજા DyCM SC અથવા ST સમાજના રાખવામાં આવે તેવી વિચારણા ચાલી રહી છે.
2022 માટે જરૂરી છે નવો ચહેરો
નોંધનીય છે કે આગામી વર્ષ 2022માં જ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એવા નેતાની જ પસંદગી કરશે જેનાં નેતૃત્વમાં વિધાનસભાની ચૂંટણી લડી શકાય.
આવતીકાલે ભાજપના તમામ ધારસભ્યોને ગાંધીનગર બોલાવાયા
ભાજપનાં ધારાસભ્યોમાં ભારે બેચેની છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાના બધા જ ધારાસભ્યોને આવતીકાલે ગાંધીનગરમાં હાજર રહેવાના આદેશ આપ્યા છે. આવતીકાલે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે. એવામાં કાલે જ નવા મુખ્યમંત્રીની જાહેરાત કરી દેવામાં આવશે તેવી પ્રબળ શક્યતા છે. ભારતીય જનતા પાર્ટીની પરંપરા અનુસાર ધારાસભ્ય દળની બેઠકમાં બધા જ ધારાસભ્યો સામે નામની જાહેરાત કર્યા બાદ સર્વસંમતિથી મુખ્યમંત્રીની જાહેરાત થઈ શકે છે.
કમલમમાં ભારે હલચલ
વિજય રૂપાણીએ આજે સરદારધામનાં એક કાર્યક્રમમાં હાજરી આપી અને તે બાદ સીધા જ રાજભવનમાં જઈને મોટા નેતાઓ સાથે રાજીનામું આપ્યું હતું. ગુજરાતમાં વિજય રૂપાણીની સાથે ભાજપનાં કેન્દ્રીય નેતૃત્વનાં દિગ્ગજ નેતાઓ તથા ગુજરાત મંત્રીમંડળનાં તમામ સભ્યો હાજર રહ્યા હતા. વિજય રૂપાણીનાં રાજીનામાં બાદ ગુજરાતનાં રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે ત્યારે ભાજપ કાર્યકર્તાઓમાં ભારે અફરાતફરી વચ્ચે ભાજપનાં કમલમમાં મોટા નેતાઓ દ્વારા બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે.
ગોરધન ઝડફિયા બનશે CM!
આજે વિજય રૂપાણી રાજીનામું આપી રહ્યા છે ત્યારે આગામી મુખ્યમંત્રી ચહેરાને લઈને ચાલી રહેલ અટકળોમાં ગોરધન ઝડફિયા સૌથી આગળ ચાલી રહ્યા છે. હવે ગુજરાતની કમાન ગોરધન ઝડફિયાને સોંપી દેવામાં આવે અને તેમને જ CM બનાવવામાં આવશે તેવી પ્રબળ શક્યતા છે. ગોરધન ઝડફિયા ગુજરાતનાં ખૂબ મોટા નેતા છે પરંતુ છેલ્લા ઘણા વર્ષથી તેઓ લાઈમ લાઇટથી થોડા દૂર રહ્યા છે.
બીજા કયા નામો આગળ
ઝડફિયા સિવાય મનસુખ માંડવીયાનું નામ પણ આગળ ચાલી રહ્યું છે. તેમને હાલમાં જ કેન્દ્રમાં આરોગ્ય મંત્રી પદ આપી મોટી જવાબદારી આપવામાં આવી છે. માંડવીયા બાદ નીતિન પટેલ અને સી આર પાટિલનું નામ પણ રેસમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે અમિત શાહ આજે અમદાવાદ આવે અને તે બાદ બેઠકમાં જ નામ પર મહોર મારવામાં આવશે.
ફેસ તો મોદી જ છે : રૂપાણી
વિજય રૂપાણીને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારા બાદ રાજ્યમાં ભાજપનો ચહેરો કોણ હશે તો તેના પર તેમણે કહ્યું કે ફેસ તો મોદીનો જ છે અને તેમના નેતૃત્વમાં જ ચૂંટણી લડવામાં આવશે. રૂપાણીએ કહ્યું કે હું હવે પાર્ટી મને જે જવાબદારી આપશે તે નિભાવીશ. રૂપાણીએ કહ્યું કે મેં રાજીખુશીથી જ રાજીનામું આપ્યું છે.
મને જે જવાબદારી મળશે તે નિભાવીશ : રૂપાણી
વિજય રૂપાણીએ કહ્યું કે મને પાંચ વર્ષમાં જે મને સેવા કરવાનો અવસર મળ્યો તે માટે હું પ્રધાનમંત્રી મોદીનો આભાર માનું છું. તેમણે કહ્યું કે વિકાસ યાત્રા પ્રધાનમંત્રી મોદીનાં નેતૃત્વમાં જ નવા ઉત્સાહ સાથે આગળ વધે તે માટે પોતાના પદ પરથી હું રાજીનામું આપી રહ્યો છું. સંગઠન અને વિચારધારા આધારિત દળ હોવાના કારણે જે પણ કામ પાર્ટી દ્વારા આપવામાં આવશે તેણે હું નિભાવીશ.
રાજીનામું આપતી વખતે રૂપાણીએ શું કહ્યું?
ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીનું રાજીનામું આપ્યા બાદ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માર્ગદર્શન હેઠળ ઘણું બધુ શીખવા મળ્યું છે. તથા ગુજરાતનો વિકાસ પણ થયો છે. ભાજપ દ્વારા મારા પર જે વિશ્વાસ મુકવામાં આવ્યો તે બદલ આભારી છું.આ સાથે જ તેમણે કહ્યું કે, 5 વર્ષમાં ગુજરાતના વિકાસમાં યોગદાન આપવાની જે તક મળી તે બદલ આભારી છું. આગામી સમયગાળામાં સંગઠન દ્વારા જે જવાબદારી આપવામાં આવશે તે હું સુપેરે નિભાવિશ.